કળથી : પથરીની સમસ્યાનો શ્રેષ્ઠ ઉપાય
અપૂરતું પાણી લેવાથી શરીરમાં જલતત્વનું પ્રમાણ ઘટી, મૂત્રની ઘટ્ટતામાં વધારો થાય છે. જેનાથી સખત પથરીનું નિર્માણ થાય છે
પ થરી (કેલ્ક્યૂલી અથવા સ્ટોન) મૂત્રતંત્રના અવયવોમાં જોવા મળતી હોય છે. જેમાં કિડનીમાં થતી પથરીને રીનલ કેલ્ક્યૂલી, મૂત્રાશય (બ્લેડર)માં થતી પથરીને વેસિકલ કેલ્ક્યૂલી અને ગવિની (યુરેટર)માં થતી પથરીને યુરેટરલ કેલ્ક્યૂલી એવા નામથી ઓળખવામાં આવે છે. મૂત્રપ્રવાહ સાથે શરીરની બહાર ફેંકાઈ જતી પથરીઓ ક્યારેક મૂત્રનલિકા (યુરેથ્રા)માં અટકેલી જોવા મળતી હોય છે.
પથરી એ કેલ્શીયમ-ઓક્ઝેલેટ, કેલ્શીયમ ફોસ્ફેટ, યુરીક-એસિડ, સીસ્ટીન અને ટ્રીપલ ફોસ્ફેટ જેવાં આધારદ્રવ્યોની બનેલી અને સ્ફટિકરૂપ (ક્રિસ્ટલાઇન) હોય છે. જે રેતીના નાના કણથી માંડી મોટા ગોળ પથ્થરના કદની બનતી હોય છે, તો ક્યારેક કોઈ નિશ્ચિત આકાર ધારણ ન કરતાં જંગલી હરણના શીંગડા જેવી વાંકી-ચૂંકી અને અણિયાળી હોય છે.
પથરી થવાના ચોક્કસ કારણો હજી વણઉકેલ્યા છે. સામાન્ય રીતે નીચે જણાવેલી બાબતો પથરી થવા સાથે અનુસંધાન ધરાવે છે. (૧) મૂત્રતંત્રના અવયવ અને ખાસ કરીને કિડનીમાં થતું ઈન્ફેકશન, ક્ષય અને મલ્ટીપલ માયલોમા, (૨) હાયપર પેરાથાઈરોડીઝમ અને કશીંગ સીન્ડ્રોમ જેવી વિકૃતી, (૩) કેલ્શીયમ, ફોસ્ફરસ અને વિટામીન 'ડી'નું વધુ પડતું સેવન તથા લાંબા સમય સુધી લેવામાં આવેલી એસીટાઝોલેમાઈડ જેવી રાસાયણિક દવાઓ, (૪) અપૂરતું પાણી લેવાથી અથવા વધુ પરસેવો થવાથી શરીરમાં જલતત્વનું પ્રમાણ ઘટી, મૂત્રની ઘટ્ટતામાં વધારો થાય છે. જેનાથી સખત પથરીનું નિર્માણ થાય છે, (૫) જ્યારે યુરીક-એસિડનું પ્રમાણ શરીરમાં વધતું હોય અને ગાઉટ જેવા રોગની સ્થિતિ હોય, (૬) ક્યારેક વ્યાયામનો અભાવ કે લાંબા સમય સુધીની પથારીવશતા પથરી થવાનું એક સંભવિત કારણ હોઈ શકે.
નીચે જણાવેલાં લક્ષણ સમૂહમાંથી લાગુ પડતાં લક્ષણો પથરી હોવાની શક્યતાનું સૂચન કરે છે. વ્યક્તિ-વ્યક્તિએ લક્ષણોમાં ભિન્નતા જોવા મળે છે. પથરી હોવાનું સચોટ નિદાન એક્સ-રે, સોનોગ્રાફી અને પેશાબની તપાસ દ્વારા નિશ્ચિત થઈ શકે છે.
લક્ષણો : (૧) બળતરા સાથે પેશાબ ઓછી માત્રામાં બહાર આવવો. (૨) પેશાબ વાટે લોહી પડવું, (૩) પેટ, પેઢુ, જાંઘ અને કમરના નીચેના ભાગમાં આવતાં સણકા કે દુ:ખાવો (૪) ઝીણો તાવ (૫) ઉબકા, ઊલટી અને અરુચી. હવે પથરીની સમસ્યા માટે શ્રેષ્ઠ ખોરાક કળથી વિશે વાત કરીએ.
કળથી એક પ્રકારનું કઠોળ છે. એને સંસ્કૃતમાં 'કુલત્થ' કહેવાય. એ રસમાં તૂરી, પચ્યા પછી તીખી અને શરીરમાં પિત્ત (એસિડ) વધારનાર હોય છે. જો વધુ પડતી ખાવામાં આવે તો પેટમાં દાહ અને બળતરા કરે, તથા લોહી બગાડી લોહીમાં વિકાર પેદા કરે. ક્યારેક નાક, મોં કે ગુંદા વાટે રક્તસ્ત્રાવ કરી શકે એટલી ગરમ છે. આથી જે લોકોને એસિડીટી, અલ્સર જેવી સમસ્યા રહેતી હોય એવી વ્યક્તિઓએ આનો ઉપયોગ કરવો હિતાવહ નથી. પણ આજ ઉષ્ણ અને ગરમ એવી કળથી પથરીના દર્દીઓ માટે આર્શીવાદરૂપ છે.
કળથી તેના આવા ગુણોને લીધે જ પથરીને તોડી એને નાના કણોમાં વિભાજીત કરવાનો ગુણધર્મ ધરાવે છે. જાણીને આશ્ચર્ય થાય કે, જ્યારે ડાયનામાઈટ કે વિસ્ફોટક પદાર્થોની શોધ થઈ ન હતી, એવા કાળમાં મોટા પર્વતોની શીલાઓ તોડવા કળથીનો ઉપયોગ થતો. પહાડોની તીરાડોમાં કળથીના ભૂકાને ઠાંસીને દાબી ઉપર પાણી છાંટવામાં આવતું. એની ઉપર કાંકરા, માટી અને ચૂનાનો જાડો થર કરવામાં આવતો. થોડા દિવસો પછી આ પહાડોની શીલાઓમાં તીરાડોના પોલાણ વધી જતાં જેથી પહાડને તોડવાનું કામ સરળ થઈ જતું.
પથરીની સમસ્યા રહેતી હોય તો કળથીનો નીચે જણાવેલો પ્રયોગ કરવો. અનુકૂળ ન આવે તો પ્રયોગ તુરંત બંધ કરવો.
પ્રયોગ : આશરે પચાસ ગ્રામ કળથી લઈ એમાં સાતસો મી.લી. પાણી ઉમેરી આશરે દોઢસો મી.લી. પાણી વધે ત્યાં સુધી ઉકાળવું. અગ્નિ પરથી પાત્ર નીચે ઉતારી, પાણી ગરમ હોય ત્યારે તેમાં સાટોડી, ગોખરૂં અને સૂંઠનું પાંચ-પાંચ ગ્રામ ચૂર્ણ ઉમેરવું સાથે ચપટી શેકેલી હિંગ અને ચપટી નમક મેળવી ખૂબ હલાવી પ્રવાહી નવશેકું હોય ત્યારે ગાળીને પાત્રમાં ભરી લેવું. આ પ્રવાહીના ત્રણ સરખા ભાગ કરી સવાર-બપોર-સાંજ લેવું. આ પ્રયોગ એક મહિના સુધી કરવો. આ સહાયક ઉપચાર સાથે તબીબી સલાહ લેવી આવશ્યક છે.