હોલિવુડનાં બળૂકાં સ્ત્રીપાત્રોઃ હમ કિસી સે કમ નહીં...

આવો, હોલિવુડની ફિલ્મોની કેટલીક સૌથી યાદગાર, સૌથી સશક્ત નાયિકાઓનું સિંહાવલોકન કરીએ...
૧. લિટલ વુમન
મેત્રીભાવ અને મહત્ત્વાકાંક્ષા... રચનાત્મક સ્વતંત્રતા અને ખુદની ઓળખ... 'લિટલ વુમન'માં અમેરિકન સિવિલ વોરના સમયગાળામાં, જુવાન થઈ રહેલી ચાર બહેનોની હૃદયસ્પર્શી વાત છે.
૨. હિડન ફિગર્સ
'હિડન ફિગર્સ' નાસાના અંતરિક્ષ કાર્યક્રમમાં ફાળો આપનાર લાંબા સમયથી ઉપેક્ષિત રહેલી તેજસ્વી અશ્વેત મહિલા ગણિતજ્ઞાો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. સ્ત્રીઓ, ને એમાંય અશ્વેત સ્ત્રીઓ ધારે તો શું ન કરી શકે? તેઓ આકાશને આંબી શકે... લિટરલી. ફિલ્મમાં સામાજિક ટિપ્પણીઓ સાથે ઐતિહાસીક સિદ્ધિનું મિશ્રણ કરાયું છે.
૩. વન્ડર વુમન
સુપરહીરોના તમાશા કરતા વન્ડર વુમને કરૂણા, શક્તિ અને નૈતિક સ્પષ્ટતામાં વધારે હીરોગીરી છે. ડાયનાની સફરમાં સહાનુભૂતિને જ શક્તિ માનવામાં આવી છે. આ વૈશ્વિક પ્રભાવશાળી મહિલા આઈકન પુરુષપ્રધાન ધોરણોને પડકાર્યા છે. આ ફિલ્મ થકી હોલિવુડની નાયિકાઓનું એક નવું પરિમાણ દુનિયા સામે આવ્યું.
૪. થેલમા એન્ડ લુઈસ
મહિલા મૈત્રી અને બંડખોરીની નવી વ્યાખ્યા કરનારી આ ગ્રાઉન્ડબ્રેકિંગ ફિલ્મમાં એવી બે મહિલાઓની વાત છે જે સમાજની અપેક્ષાઓથી બંધાઈ જવાનો ઈન્કાર કરે છે. વીકએન્ડમાં મોજમસ્તી કરવાના ઇરાદે નીકળી પડેલી બે સખીઓને કલ્પના ન કર્યા હોય તેવા પડકારોનો સામનો કરવો પડે છે. ફિલ્મ આખરે એક અવિસ્મરણીય અંત સાથે સમાપ્ત થાય છે.
૫. એરિન બ્રોકોવિચ
આ એરિન બ્રોકોવિચ નામની અસલી મહિલતાની બાયોપિક છે. સિંગલ વુમન, ત્રણ ત્રણ બચ્ચાં ને તોય એ વિરાટ કોર્પોરેટ હાઉસ સામે બરાબરની બાખડેલ છે. એક કેમિકલ કંપનીની બેદરકારીના પાપે કેટલાંય લોકો, ખાસ કરીને બાળકો મૃત્યુ પામે છે, ને એરિન બ્રોકોવિચ ભારે મકક્મતા અને કોઠાસૂઝથી, કોઈપણ ઔપચારિક કાનૂની તાલીમ વિના કંપનીનાં કરતૂતોને ઉઘાડા પાડે છે. આ ફિલ્મમાં જુલિયા રોબર્ટ્સનો અભિનય કાબિલે તારીફ છે.
૬. આઈ, ટોન્યા
આ ફિલ્મમાં સ્પર્ધાત્મક આઈસ સ્કેટર ટોન્યા હાર્ડિંગની વાત છે, જે અંગત સંઘર્ષો છતાં સિદ્ધિ હાંસલ કરે છે. તેનો ભૂતપૂર્વ પતિ તેના જીવનમાં પાછો ફરે છે ને તેની કારકિર્દી પાટા પરથી ઉતરી જાય છે. ૨૦૧૭માં રજૂ થયેલી આ ફિલ્મ અમેરિકી આઈસ સ્કેટર ટોન્યા હાર્ડિંગના જીવન તેમજ તેની પ્રતિસ્પર્ધી નેન્સી કેરિગન પર ૧૯૯૪માં થયેલા હુમલા સાથે તેના કનેક્શન પર આધારિત છે.
૭. હેરિયેટ
આ ફિલ્મમાં એક એવા બગીચા માલિકની વાર્તા છે જે એક ગુલામ પરિવારને મુક્ત કરવાનું વચન આપે છે. જ્યારે તે પોતાનું વચન પાલન કરવામાં નિષ્ફળ જાય છે ત્યારે પરિવારની એક કન્યા નાસી જાય છે અને પછી ઘણાં વળાંકો આવે છે. આ ફિલ્મ થોડા અંશે ગુલામી વિરોધી હેરિયેટ ટબમેનની સત્યકથનાત્મક વાર્તા પર આધારીત છે. ગુલામીની ઝંઝીર તોડીને પલાયન થવું, ભૂગર્ભ રેલરોડ પર કંડક્ટર તરીકે કામ કરવું, સિવિલ વોર દરમિયાન જાસૂસ તરીકે પ્રવૃત્ત થવું - આ સઘળું આ ફિલ્મમાં સચોટ રીતે નિરુપણ પામ્યું છે.
૮. મારિયા
એન્જલિના જોલી અભિનિત આ ફિલ્મમાં વિખ્યાત ઓપેરા ગાયિકા મારિયા કલાસની કહાણી છે, જે ગ્લેમરસ છતાં ઉથલપાથલભર્યું જીવન જીવે છે, ને પછી ૧૯૭૦ના દાયકા દરમ્યાન એ પેરિસમાં આશ્રય લે છે. ૨૦૨૪માં રજૂ થયેલી આ બાયોપિકને મારિયા કલાસના જીવનની સર્જનાત્મક પુનર્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે.









