Magazines

હો જાયેગા, હો જાયેગા...! .

By GS TEAM
22 May 20265 mins read
હો જાયેગા, હો જાયેગા...!                                                   .

- જે કંઈ કરે છે તે ઉપરવાળો જ કરે છે, તો પછી તમારે કરવાનું જ શું રહે છે?

- ખુદા તો હંમેશાં ચાહતો જ હોય છે...

- ...ખુદાને ન-ચાહવાની શી જરૂર?

- હરીશ નાયક

'મુલ્લા, મારી શેરવાની સિવાઇ કે નહીં ?' ગ્રાહકે પૂછ્યું.

'ખુદાને ચાહા તો...' દરજી મુલ્લાજી કહે - 'દો દિનમેં હો જાયેગી.'

બે દિવસ પછી ગ્રાહકે તપાસ કરી, 'મુલ્લા, હમારી શેરવાની હુઈ ક્યા ?'

મુલ્લા કહે - 'ખુદાને ચાહા તો એક દિનમેં હો જાયેગી..'

એક દિવસ પછી ગ્રાહકે તપાસ કરી - 'મુલ્લા, શેરવાની ?'

'ખુદાને ચાહા તો, મુલ્લા કહે - 'અબ હુઇ હી સમજો.''

તપાસ કરતો રહ્યો ગ્રાહક. મુલ્લાનો જવાબ તૈયાર - 'ખુદાને ચાહા તો...'

ગુસ્સે થઈને ગ્રાહક કહે - 'મુલ્લા,મેં પૂછતા હૂં, તુમ કબ ચાહતે હો ? અગર તુમ નહીં ચાહતે હો તો મૈં કાપડ વાપસ લે જાઉં ?'

'વાપસ કૈસે લે જાઓગે ?' મુલ્લા કહે - 'કાપડ તો કુતેર કર રખ્ખા હૈ, ખુદાને ચાહા તો...'

ગ્રાહક એવો ગુસ્સામાં હતો કે, વેતરેલું, કૂતરેલું, કાપડ પણ લઈ જવા તૈયાર હતો.

મુલ્લાએ ગ્રાહકનો મિજાજ જોયો. બીજે જ દિવસે શેરવાની સીવી આપી. પણ આદત મુજબ તેમનાથી બોલી જવાયું - 'ખુદાને ચાહા તો, લો યે શેરવાની તૈયાર હો ગઇ. ઇતની સજી સજાઈ હુઇ હૈ કિ બાદશાહ લગોગે, બાદશાહ, ખુદાને ચાહા તો...'

ખુદા તો હંમેશાં ચાહતો જ હોય છે. એને ન-ચાહવાની શી જરૂર ? કે શી પડી છે ? પણ જ્યાં સુધી આપણે ચાહીએ નહીં, ત્યાં સુધી કદાચ ખુદા પણ ચાહતો ન હતો.

બાકી ખુદાના ચાહવામાં તો નિયમિતતા છે જ. રોજ સવારે સૂરજ ઉગે એટલે ઊગે જ. બપોર થાય જ. સાંજ પડે અને રાત્રીય થવાની તો થવાની જ. અરે ખુદાએ તો એવું ચાહ્યું છે કે ઋતુઓ પણ તેના રિવાજ, રિયાઝ અને નિયમ મુજબ બદલાતી જ રહે. શિયાળા પછી ઉનાળો, પછી ચોમાસું. રાતના અંધારું થાય જ, તારાઓ ઝગે એટલે ઝગે જ અને ચાંદો ઘડિયાળને ઘડી પળ બતાવતો ઉગે એટલે ઊગે જ અને બીજથી પૂનમની લીલા બતાવતો જ રહે.

માતા વિદ્યાર્થી કહેશે - 'ઊઠ બેટા, જો સવાર પડી ગઈ, નળિયાં સોનાનાં થયાં...'

દીકરો કહેશે - 'હેં! ભગવાન પણ કેવો છે, આટલી જલદી સવાર પાડી દે છે !'

સાથીઓ, ખુદા તો ચાહે થે કે તમે ઉઠો. ઊઠો જ. પણ ખુદા સાથે તમારેય ચાહવું જરૂરી છે, તો જ તમે ઉઠી શકો છો. શાળાએ જઈ શકો છો.

તમારે ટ્રેન પકડવી હોય ત્યારેય ખુદાએ તો ચાહેલું જ હોય છે કે ટ્રેન પકડાશે જ. પણ તમારેય સમયસર ટિકિટ મેળવવી પડે, સ્ટેશને પહોંચવું પડે, ગાડી આવે કે ડબ્બામાં પ્રવેશવું પડે. બાકી એમ કંઈ ખુદા તમને ટેનિસના દડાની જેમ ડબ્બામાં ફેંકવાનો નથી. હા, તમે ચાહ્યું હશે તો જરૂર તમને જગાય મળી જશે. કેમ કે ખુદાને ચાહા થા. પણ તમે જ હેં-હેં-હેં કર્યા કરો ....!

તમારે વરઘોડો કાઢવો હોય તો તમારે જ ઘોડો શણગારવો પડે, વાજાં વગડાવવાં પડે, જાન આગળ વધારવી પડે. ખુદાએ તો ચાહીને જ તમને જુવાન બનાવ્યા છે અને તમારે માટે મૂરત તૈયાર રાખ્યું છે. પણ તમે વરણાગત કર્યા કરશો તો ઘોડો જાતે જ જાન નહીં લઈ જાય ! ખુદાના ચાહવા સાથે તમે એટલે કે વરરાજાઓ ચાહશો તો જ સંસાર સુધી પહોંચશો.

ખુદાએ તો એટલું બધું, ચાહી રાખ્યું છે કે તમે ચાહતા થાકી જાઓ. તમારે માટે અન્ન, પાણી, સ્વાદ, ભોજન, ગતિ, પ્રગતિ, ઉંમર, હવા, હવામાન, આલ્હાદ, ઉમંગ, ઉત્સાહ.. બધું... બધું જ ખુદાએ ચાહી રાખ્યું છે. પણ સાથોસાથ તમારું ચાહવું જરૂરી જ નહીં, સ્ફૂર્તિ ભરેલું હોવું રહ્યું, નહીં તો થાળીમાંનો લાડુ કે વાટકીમાંનો આઈસક્રીમ તમારા મોઢામાં કૂદીને પ્રવેશ મેળવશે નહીં.

નદીમાં તોફાન આવે, ઘરમાં આગ લાગે, ધરતીકંપથી ધરતી ધૂ્રજી ઉઠે તો તમારે જાતે જ ઉછળીને કૂદીને સલામત થવું રહ્યું. ખુદાએ તો એવું બધું પણ ચાહ્યું છે, પણ બાકીનું કે પછીનું તમારે ચાહવાનું છે. એમ 'ખુદાને ચાહા તો' તમે આગમાંથી ધરતીકંપમાંથી કે જળ-બંબાકારમાંથી બચી શક્શો નહીં. જો તમે જાતે જ બચવાનું નહીં ચાહો, તો ત્યાર પછીનુંય ખુદાએ તો ચાહી જ રાખ્યું છે.

'ભગવાન જે કરે તે સારા માટે' એવું કહેનારે પણ સમજવું જોઈએ કે ભગવાને તો સારા માટે કરી જ રાખ્યું છે પણ એ સારું કામ તમારેય કરવાનું છે, તમારે જ કરવાનું છે.

દયા કરો, કૃપા કરો, સેવા કરો, બીજાઓને ઉપયોગી થાઓ, બધું જ ભગવાને કહી રાખ્યું છે. ખુદાને ચાહા થા, એ બધું જ પણ ખુદાએ તમનેય તન-મન-ધનની તાજગી આપી છે. તત્પરતા,સ્ફૂર્તિ, અને ચિંતન-મનન આપ્યાં છે. જો તમે આળસ કરશો, પ્રમાદમાં પડી રહેશો, તો ખુદાને ચાહા થા- સુધી નહીં પહોંચી શકો.

બાઈબલે તો એક કથા કહી જ દીધી છે. તાપ તડકામાં લાંબા પ્રવાસનો પ્રવાસી થાક્યો. બોજ સાથે પડયો. ત્યાંથી વળી વકીલ પસાર થયો. તે કહે - 'જેણે આની આવી દશા કરી છે તેને કાયદાની કલમ-૩૦૨ પ્રમાણે...' પાદરીએ તેને જોયો ઉચ્ચાર્યું - 'જેણે આને આ દશામાં લાવી મૂક્યો છે, તેને ઇસુ માફ નહીં કરે.' વેપારી નીકળ્યો. જોયો કહે - મારી પાસે મારો વેપાર છે. મારે સમયસર પહોંચવાનું છે. નહીં તો આને... છેવટે એક સામાન્ય માનવી નીકળ્યો. મજૂર-ખેડૂત-કઠિયારો. ગધેડા પરથી પોતાની જરૂરિયાતો બાજુએ મૂકી. પડેલાને ઉપાડયો. ગધેડા પર ગોઠવ્યો. ગામડે લઈ ગયો. ધર્મશાળામાં પહોંચાડયો. ચિકિત્સા શરૂ કરી.

બાઈબલ જે પૂછે છે, એ તમે બધાં જ જાણો છો... કહો જોઈએ, પેલા પડેલાનો સાચો મિત્ર કોણ ?

જવાબ આપવાની સાથે જ વિચારજો કે ખુદાને ચાહા થા, કે જે પીડા પરાઈ જાણે  રે, પણ સાથોસાથ તમારેય ચાહવું રહ્યું. ખુદાની સાથે તમે નહીં ચાહો તો ખુદાનું એકલાનું ચાહવાનું, ચાહવાનું જ રહેશે.

અમને પ્રેરણા થી અને, 'ખુદાને ચાહા થા' એમ સમજીને અમે આ લેખ લખી નાખ્યો. પણ આપણી સાહિત્યની દુનિયામાં તંત્રી-સંપાદક જેવી પણ કોઈક વ્યક્તિ છે જ ને ! તેનું ચાહવાનું વળી ખુદાથીય ઉપરનું છે. ખુદાના ચાહવા સાથે, અમારા લખવા સાથે, તંત્રી જો ચાહશે તો આ લેખ તમારા સુધી પહોંચશે, નહીં તો.. ખુદાને ચાહા થા, ખુદાને ચાહા તો...!