Get The App

હીરા હૈ સદા કે લિયે: પ્રેમનું પ્રતીક મનાતા હીરાનું હાર્દ સમજો

Updated: Jan 20th, 2020

GS TEAM

Google News
Google News
હીરા હૈ સદા કે લિયે: પ્રેમનું પ્રતીક મનાતા હીરાનું હાર્દ સમજો 1 - image

'અરે! નીના, તારા કાનના લવિંગીયા તો બહુ સરસ છે. નવા છે?' સરલાએ એની સખીને પૂછ્યું.

'હા, અનિકેતે મારી બર્થ ડે પર આપ્યા છે, સાચા હીરાના છે... લગભગ પાંત્રીસ હજારના.' નીનાએ ફુલાઈને કહ્યું. સરલા મલકાઈ, બંને બહેનપણીઓ બાય બાય કહીને છુટી પડી. સરલાએ મનમાં કહ્યું, 'શું ફેેંકે છે આ નીનાડી. આવા પીળાશ પડતાં હીરાના તે કંઈ  પાંત્રીસ હજાર હોય?'

પણ બિચારી સરલા શું જાણે? એ કંઈ કીટી પાર્ટી કે ક્લબમાં જતી નથી કે નથી ફેશનના મેગેઝીન વાંચવી કે એને ખબર પડે કે નીનાની વાત કેટલી સાચી હતી. આપણી જેમ એને પણ વર્ષોથી  એમ જ કે હીરો તો જેટલો સફેદ એટલો સારો અને કિંમતી એક જમાનામાં ઝવેરીઓ પણ એ જ કહેતા પરંતુ આધુનિક જમાનામાં મૂલ્યો બદલાઈ ગયા છે. ગૃહિણીઓ સાડીમાંથી સલવાર કમીઝ પહેરતી થઈ ગઈ છે અને ફેશનના નામ પર નવા નવા અખતરા કરવા માંડી છે. આજકાલ ફેશનની બજારમાં બોલબાલા છે રંગીન હીરાઓની. 

એક સમય હતો જ્યારે આ ઘરેણું વેચીએ તો કેટલા પૈસા મળે એ વિચારી લોકો ઘરેણા ખરીદતા પરંતુ આજે મનગમતી વસ્તુ પાછળ પૈસા ખરીદતા આવો વિચાર કરવાની કોઈને ફુરસદ પણ હોતી નથી અને આવું પૂછનાર લોકો 'વેદી'માં ખપી જાય છે. હવે તો વસ્તુ મનગમતી મળવી જોઈએ, ભવિષ્યની ઐસી-તૈસી. આ ન્યાયે હાઈ સોસાયટીમાં ફેન્સી હીરાઓની ફેશન ચાલી છે.

સમય જતા મૂલ્યો બદલાય તે આનું નામ.

હવે બજારમાં ઉપલબ્ધ થયા છે જાતજાતના રંગના હીરાઓ અને તે પણ સફેદ હીરા કરતા વધુ મોેંઘા અને વધુ સુંદર. ઝાંખા ગુલાબી, ભૂરી કે રતાશ પડતી ઝાંયના હીરા તમે જોયા છે? એ બધા આગળ પરંપરાગત હીરાઓ થોડા 'ઝાંખા' પડી જાય છે.

બજારમાં ઉપલબ્ધ રંગીન ઝાંયવાળા હીરાઓમાં મુખ્યત્વે પીળા, બદામી, કેસરી રતાશવાળા હીરાઓનું વેચાણ  વધુ હોય છે. ગુલાબી ઝાંયવાળો હીરો પચીસ હજારે એક ઉત્પન્ન થતો હોવાથી અતિ કિંમતી ગણાય છે જ્યારે ઘેરા પીળા રંગના હીરા સફેદ હીરાથી માત્ર દસગણા વધુ કિંમતી મનાય છે! જોકે કેટલાક ઝાંખા પીળા હીરાઓ થોડી ઉતરતી કક્ષાના હોઈ શકે. જેમ રંગ ઘેરો, તેમ કિંમત વધુ.

કેટલાંક ઝવેરીઓ પીળાશ પડતા હીરાને 'કેનેરી' હીરા કહે છે જે યોગ્ય નથી. પીળા હીરામાં ઘાંસના રંગની ઝાંયથી લઈ ટેક્સીના પીળા રંગની ઝાંય સુધીના બધા રંગોનો સમાવેશ થાય છે. એથી રાતા-પીળા રંગના હીરાને આ નામ જરૂર આપી શકાય. પણ બધા પીળા હીરાને 'કેનેરી' નામ આપવું યોગ્ય નથી.

બદામી રંગના હીરાઓ પુરુષોમાં વધુ લોકપ્રિય છે કારણ કે એ મર્દાનગી દર્શાવે છે અને પુરુષોના કપડા સાથે મેચ પણ થઈ શકે છે. એમાંય જુદી જુદી શ્રેણીઓ છે જેમ કે ચમકતો બ્રાઉન, સફેદાઈ પડતો ઝાંખો બદામી ઈત્યાદી.

હીરા રંગીન કેવી રીતે બને છે તે જાણવા આપણે વિજ્ઞાાનનો આધાર લઈએ. દરેક પદાર્થ અણુ અને પરમાણુઓનો સમુહ છે. આમ જુઓ તો હીરા અને કોલસામાં માત્ર અણુઓની રચનાનો ફરક છે એટલું જ. મૂળમાં તો બધુ એકનું એક છે. કાર્બનના પરમાણુઓની ચોક્કસ પ્રકારની ગોઠવણીને કારણે હીરો એની ચમક અને રંગ મેળવે છે. હવે કાર્બન સાથે જો બીજો કોઈ વાયુના પરમાણુઓ ભળે તો હીરાને જુદો રંગ મળે.

ઉદાહરણ તરીકે જો નાઈટ્રોજનના પરમાણુઓ ભળે તો પીળો કે બ્રાઉન રંગન ઉત્પન્ન થાય અને બોરોનના પરમાણુઓ ભૂરો રંગ પ્રદાન કરે. ટૂંકમાં જેટલો હીરો શુદ્ધ એટલો સફેદ અને ભેળસેળિયો એટલો રંગીન. કળીયુગની આ બલિહારી કે ભેળસેળિયા હીરાની કિંમત વધુ અને સફેદની ઓછી! એટલે સરલાબેન જેવી બેનોએ જરા વિચાર કરીને હીરાની ખરીદી કરવી પડે! સફેદ રંગહીન હીરાઓને જ આપણે સદીઓથી 'સાચા હીરા' ગણતા આવ્યા છીએ પરંતુ આધુનિક જમાનામાં પરંપરાઓ બદલાતી જાય છે.

ફેન્સી-રંગીન હીરાઓમાં આછા પીળા રંગના હીરા સસ્તામાં મળે છે અને જો સોનામાં જડાવવામાં આવે તો એ ઘેરા રંગના લાગી શકે અને એની શોેભા વધી જાય. રંગીન હીરાઓની કિંમત એમના રંગનું ઘેરાપણું અને શુધ્ધતા પર આધારિત હોય છે. જો કે હવે હીરામાં ડાઘ હોય તો એને અશુદ્ધ કે અશુભ મનાતા  નથી કારણ કે અશુદ્ધિ વધુ એમ રંગ વધુ ઘેરો.

રંગીન હીરાઓ ખરીદતા પહેલા કેટલીક ચકાસણીઓ આવશ્યક છે. આજકાલ ભેળસેળમાં પણ 'સેળભેળ' થવા માંડી છે. હીરાઓને કુદરતી રંગ ન મળ્યો હોય તો એમાં રેડીએશન રંગ ઉપજાવવામાં આવે છે. આવા હીરાઓ વધુ ઘેરા રંગના હોય છે અને ઓછી કિંમતના પણ. એથી ભરોસાપાત્ર ઝવેરી પાસેથી લેવા વધુ યોગ્ય છે.

ફેન્સી હીરા ખરીદતા પહેલા ઝવેરી પાસેથી  જાણી લો કે  એનો રંગ કુદરતી  છે કે ઉપજાવેલો. બીલ કે રસીદ પર એની કિંમત અને એ વિશેનું લખાણ મેળવી  લો. જેથી તમારે કુદરતી  રીતે રંગની હીરાની કિંમત આપી બનાવટી  રંગ ઉપજાવેલ હીરા ખરીદી છેતરાવું ન પડે.

શક્ય હોય તો કુદરતી રીતે રંગીન અને અકુદરતી રંગવાળા હીરાઓને બાજુબાજુમાં મૂકી બતાવવા કહો કારણ કે સચ્ચાઈની પરીક્ષા કરવા પારખુ નજર જોેઈએ  જે સામાન્ય માણસ પાસે ન હોય.

કેટલીક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સર્ટિફિકેટ પણ આપે છે જેથી તમારે  છેતરાવાનો ભય ન રહે. જેમ કે ઈન્ટરનેશનલ ડાયમંડ કમિટિ કે જેમોલોજીકલ ઈન્સ્ટિટયૂટ ઓફ અમેરિકા આવા હીરાઓનું વર્ગીકરણ અમુક માપદંડોના આધાર પર કરે છે. આવી સંસ્થાઓનું સર્ટિફિકેટ હોય તો તમે નચિંતપણે એ ઘરેણાં લઈ શકો.

રંગીન હીરાઓ, બુટ્ટીઓમાં, હારમાં કે માથાના ટીક્કાઓમાં જડવામાં આવે તો એ ઘરેણા  ગૃહિણી-માનુનીની સુંદરતાને ચાર ચાંદ લગાવી દે છે. આખરે તો પેલી જાહેરાતમાં કહે છે ને ''હીરા હૈ સદા કે લિયે....'' સદીઓથી હીરા પ્રેમનું પ્રતિક મનાતા આવ્યા છે અને આધુનિક યુગમાં રંગીન હીરાઓ પ્રેમમાં રંગીન મસ્તીના જાદુ પાથરે છે.