હૃદય-પરિવર્તન .
ખાટલા નીચે રાખેલી પતરાની જુની બેગ ખોલી તો તેની આંખમાંથી આંસુની અવિરત ધાર વહેવા લાગી બાળકોની ફી, નવા કપડાં તથા ઘરવપરાશ માટેના એકઠા કરેલા રૂપિયા ગાયબ હતા
સાંજ પડવા આવી હતી. કાશીએ મજુરીનું કામ પૂરું કર્યું અને ઝડપભેર ઘર તરફ વળી. તેના બાળકો ગોપુ અને ભક્તિ શાળાએથી ઘેર આવે તે અગાઉ કાશી ઘેર પહોંચવા માંગતી હતી. ગામને છેવાડે કાચા મકાનમાં કાશી પોતાના બાળકો સાથે રહેતી હતી. કાશીનો પતિ હયાત નહતો. કાશી પોતાનો જીવનનિર્વાહ ચલાવવા લોકોના ઘરના કપડા-વાસણ, ઝાડૂપોતા કરતી, તદ્ઉપરાંત છૂટક મજૂરીના કામ પણ કરતી હતી. કાશીની ઈચ્છા હતી કે તેના બાળકો ખૂબ ભણેગણે. આદર્શ નાગરિક બને અને ભવિષ્યમાં ઉંચી પદવી મેળવે. ગોપુ અને ભક્તિના માટે કાશી મા અને બાપ બન્ને હતી.
કાશી ઘરે પહોંચી અને ઘરનું બારણું ખોલ્યું, ઘરમાં પગ મૂકતાં જ તે અવાચક્ થઈ ગઈ. પછવાડે આવેલી નાનકડી બારીના સળિયા તૂટેલા હતા, અને ઘરનો સામાન બધો વેરવિખેર પડયો હતો. કાશી જમીન પર ફસડાઈ પડી, તેને ખાતરી થઈ ગઈ કે તેની ગેરહાજરીમાં ચોર હાથ મારી ગયો છે.
ખાટલા નીચે રાખેલી પતરાની જુની બેગ ખોલી તો તેની આંખમાંથી આંસુની અવિરત ધાર વહેવા લાગી બાળકોની ફી, નવા કપડાં તથા ઘરવપરાશ માટેના એકઠા કરેલા રૂપિયા ગાયબ હતા. કાશી ક્યાંય સુધી ધુ્રસ્કે ધુ્રસ્કે રડતી રહી, પછી બોલી. ''હે ભગવાન, આ શું થયું ? ચોરને પણ મારા જેવી અનાથ વિધવાનું ઘર જ મળ્યું ? હવે પૈસા વગર હું શું કરીશ ?'' બાળકોને રાતના ભોજનમાં સવારની વધેલી રોટલી ગોળ સાથે ખવડાવી દીધી અને પોતે ભૂખી રહી.
કાશીના ગામમાં કાનજી નામનો ખેડૂત રહેતો હતો. તેને મકન નામનો એક આળસુ દિકરો હતો. કાનજી રોજ સવારે વહેલો ઊઠી ખેતરે જતો અને આખો દિવસ ખેતરમાં કામ કરતો. કાનજી ઘણીવાર મકનને ખેતરનું કામકાજ કરવા સમજાવતો, પોતાને કામમાં મદદરૂપ થવા કહેતો, પરંતુ મકન પિતાની વાત એક કાનેથી સાંભળી બીજા કાનેથી કાઢી નાંખતો. ખાવું, પીવું અને રખડવું આ તેનો નિત્યક્રમ બની ગયો હતો. વળી હમણાં હમણાં મકન તક મળે હાથ મારતાં પણ શીખ્યો હતો. વળી હાથ મારવામાં તે પાવરધો બની ગયો હતો અને એટલે તે પકડાતો પણ નહતો.
બીજે દિવસે મકન રખડતાં રખડતાં ગામના ચોરા પાસે પહોંચ્યો, ત્યાં ઘણાંબધાં લોકો ભેગા થયા હતા, અને મોટેમોટેથી ચર્ચા કરતા હતા. એક ગ્રામજન બોલ્યો, ''બિચારી કાશી, મહેનત મજૂરી કરીને બાળકોને પોષતી હતી, ક્યા નરાધમે તેની મૂડી લૂંટી લીધી ? ભગવાન, તે પાપીને છોડશે નહીં.''
બીજો ગામવાસી બોલ્યો, ''દુ:ખની મારી બાળકોને લઈને નદીમાં કૂદીને જીવનનો અંત લાવવા માંગતી હતી, પરંતુ કાનજીએ જીવના જોખમે તેમને બચાવી લીધા. નખ્ખોદ જજો, મૂઆ ચોરનું ?''
છેલ્લા વાક્યો મકનના કાને પડયા અને તે ચોંકી ગયો. કાશીના ઘરે ચોરી કરનાર મકન પોતે જ હતો. તેનું હૃદય દ્રવી ઉઠયું, મકન લાંબી ફાળે ઘરે પહોંચ્યો, અને પોતાના સૂવાના ઓરડામાં ધબાક કરતો બેસી ગયો. તે વિચારવા લાગ્યો, ''અરે, મેં આ શું કર્યું ? બિચારી વિધવા કાશી, એક સ્ત્રી, એક મા પોતાના બાળકો માટે મહેનત મજૂરી કરે છે, અને હું જુવાનજોધ, મહેનત કરવાને બદલે હરામનો રોટલો ખાઉં છું. કોઈના પેટ પર, જીંદગી પર મેં લાત મારી છે. એક માનો આત્મા મેં કકળાવ્યો છે.''
મકનની આંખમાંથી આંસુ સર્યા. તેના હૃદયમાંથી જાણે કે અવાજ આવ્યો, 'કોઈને જીંદગી ના આપી શકે તો કાંઈ નહીં. પરંતુ કોઈની જીંદગી લૂંટવાનો તને હક નથી, તું પાપી છે પાપી...'
મકને મન મજબૂત કર્યું. કાશીના પરિવારનો જીવ બચાવનાર પોતાના પિતા કાનજીને તે મનોમન નમી રહ્યો. કાશીના ઘરની મૂડી લઈને તે કાશી પાસે પહોંચ્યો અને તેના પગમાં પડી ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડવા લાગ્યો. કાશીએ તેને ઉભો કરી, ખાટલીમાં બેસાડયો અને પાણી પીવડાવ્યું. મકને ચોરીની સઘળી હકીકત કાશીને જણાવી અને માફી માંગી.
કાશીએ તેને સાંત્વન આપતાં કહ્યું, ''બેટા, આજથી નવી જીંદગી શરૂ કર તારા પિતાનો ટેકો અને માતાનો વિસામો બન. દીનદુખિયા માટે ફરિસ્તો અને અપાહિજ માટે ટેકણલાકડી બનજે. તેં કરેલી ભૂલનો ઢંઢેરો પીટી હું તારી આબરૂનાં લીરા નહીં ઉડાડું. ઈશ્વર પાસે સાચા દિલથી માફી માંગી, તારી જીંદગી બદલજે. દયાળુ પ્રભુ જરૂર તારી સહાયતા કરશે.''
કાશીના આશીર્વાદ લઈને ઘેર ગયો. બીજે દિવસથી મકનના જીવનમાં જે પરિવર્તન આવ્યું તે જોઈને તેના માતા-પિતા આનંદવિભોર બની ગયા. જ્યારે તેમણે પરિવર્તનની આખી વિગત જાણી ત્યારે તેમણે કાશીને ધન્યવાદ આપ્યા અને બોલ્યા, ''બેટા, જાગ્યા ત્યારથી સવાર.''
- ભારતી પી. શાહ