કેશ સમસ્યા - સમાધાન આયુર્વેદ
આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
શરીરમાં ચામડીનો કોઇ રોગ હોય તો તે રોગ પણ માથામાં આવીને વાળ ખેરવી શકે છે.
આજનાં લેખમાં શરીરનાં સૌંદર્ય માટે ખૂબ અગત્યનાં એવા કેશ વિશે આપણે વાતો કરીશું આજનાં જમાનામાં મોટાભાગનાં લોકોને આ કેશસંબંધી સમસ્યા આવતી હોય છે. વાળ ખરવાની સમસ્યા આજ-કાલ ખૂબ મોટા પાયે જોવા મળે છે. વાળ ખરવા, અકાળે શ્વેત થવા, ઉંદરી થવી, વાળ ન વધવા, વાળ આછા થવા, માથામાં ખોડો હોવો, જૂ-લીખ થવી વગેરે અનેક ફરિયાદો અત્યારે જોવા મળે છે. વાળની ફરિયાદો વાળ નિયમિત બરાબર સાફ ન થતા હોય તો અથવા વારં-વાર શેમ્પૂ બદલ્યા કરવાથી પણ થઇ શકે છે.
શરીરમાં ચામડીનો કોઇ રોગ હોય તો તે રોગ પણ માથામાં આવીને વાળ ખેરવી શકે છે. નાની ઉંમરમાં યુવક-યુવતીઓ વાળ ખરવાની ફરિયાદથી છૂટકારો મેળવવા ટીવી ચેનલોમાં બતાવવામાં આવતાં તેલ, શેમ્પૂ કે કંડીશનર પાછળ ખૂબ પૈસા બગાડે છે, પણ આ સમસ્યાથી છૂટકારો મળતો હોતો નથી. વાળીની જે-તે ગુણવત્તા તે તેને મળેલો વારસો છે. જે વારસાગત છે. વાળ એ પ્રોટીનમાંથી બનેલું સંયોજન છે. વાળની ઉપર હાઇડ્રોલીપોઇડ નામક તત્ત્વનું પડ આવેલું હોય છે.
જે વાળને નરમ રાખે છે. દરેક વાળનું નિશ્ચિત આયુષ્ય હોય છે. પૂર્ણરૂપે વિકસીત વાળનું આયુષ્ય ૨થી ૫ વર્ષ જેટલું હોય છે. એક વાળ ખરે અને તેની જગ્યાએ બીજો નવો વાળ આવે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે પરંતુ જ્યારે વાળ ખરવાની પ્રક્રિયા ચાલુ રહે અને વાળ નવા ઉગવાની પ્રક્રિયા ધીમી થઇ જાય કે બંધ થઇ જાય ત્યારે સમસ્યા સર્જાય છે, અને સારવારની જરૂરીયાત ઊભી થાય છે.
વાળ ખરવા માટે અનેક કારણો જવાબદાર હોય છે. જેમાં વાળમાં પુષ્કળ ખોડો હોવો, વાળ ઉપર વારંવાર રાસાયણિક શેમ્પુનાં પ્રયોગો કરવા, વાળનું સ્ટ્રેટનિંગ, હેર ડાઇ કે હેર-સ્પ્રે વાપરવું, ખોરાકમાં પ્રોટીનનો અભાવ, માનસિક ચિંતા-ક્રોધ, અનિદ્રા, નિયમિત વાળ ન ધોવા, વાળમાં તેલ-માલિશ ન કરવું, શરીરમાં અંત:સ્ત્રાવી ગ્રંથિઓની અસમતુલા હોવી, તડકામાં ખુલ્લા માથે ફરવું, ટાઇફોઇડ - કમળો વગેરે બીમારીઓના પ્રભાવથી પણ વાળ ખરતા જોવા મળતા હોય છે.
દરેક વ્યક્તિની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં વાળ માટે ખૂબ અસરકારક ચિકિત્સાઓ બતાવેલી છે જે અનુસાર ચિકિત્સા કરવામાં આવે તો ધાર્યા પરિણામ અવશ્ય મળે છે. વાળની દરેક પ્રકારની સમસ્યામાં શિરોધારા અને નસ્યની ટ્રીટમેન્ટ ખૂબ જ અદ્ભૂત પરિણામો આપે છે. આયુર્વેદિક ઔષધથી સિધ્ધધૃત, તેલ કે તક્ર દ્વારા વાળ ઉપર ધારારૂપે થતી ચિકિત્સા ખરતાવાળ, ઉંદરી, ખોડો વગેરેમાં ખૂબ લાભદાયી છે. તે જ રીતે 'નસ્ય' પણ પંચકર્મની વિશિષ્ટ ચિકિત્સા પધ્ધતિ છે. નાક એ શિરનું દ્વાર હોઇ તેમાં નાખવામાં આવતું ઔષધ ખૂબ જ ઝડપથી વાળ ઉપર અસર કરતું હોય છે.
આ ઉપરાંત ''શિરોધારા'' પણ વાળ ઉપર અસર કરતી આયુર્વેદની એક શ્રેષ્ઠ સારવાર પધ્ધતિ છે. ''શિરોધારા''થી વાળ ઉપર ખૂબ જ સુંદર પરિણામો મળેલાં જોવા મળે છે. વાળ માટે અભ્યાંતર ઔષધોમાં આમલકી, ભૃંગરાજ, સપ્તામૃત લૌહ વગેરેનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો જોઇએ. ઉપરાંત જેને વાળ ખરવાની સમસ્યા હોય તેણે મહેંદીનો ઉપયોગ ન કરવો કારણ કે તેનાથી વાળ ચોંટે છે અને વધુ ખરે છે જેથી વાળ ખરતા બંધ થયા પછી જ મહેંદીનો પ્રયોગ લાભદાયી થશે.
વાળ ખરતાં અટકે તે માટે,
(૧) કાળાતલનું તેલ વાળ માટે ઉત્તમ છે. પછી કોપરેલ પણ ચાલે તેમાં જ હેરઓઇલ બનાવવું.
(૨) ૧૦૦ ગ્રામ આમળાને ૫૦૦ ગ્રામ પાણીમાં ૬ દિવસ પલાળી રાખવા. તેમાં ૨૦૦ ગ્રામ ઘી નાખી ધીમા તાપે પકવવું. આ ઘી ગાળીને માથામાં નાખવું. આ ઘીથી કાળા થાય છે.
(૩) ચણોઠીનું ચૂર્ણ અને ફૂલ વાટીને ટાલ પર લેપ કરવાથી જતા રહેલા વાળ પાછા ઉગે છે.
(૪) કાળાતલ અને ખડી સાકર રોજ સવારે નરણેકોઠે લેવાથી મોટાભાગની સમસ્યાઓમાંથી છૂટકારો મળે છે.
(૫) આમલકી ચૂર્ણ, સપ્તામૃતલૌહ, ગોદંતીભસ્મ, ભાંગરા ચૂર્ણને નિયત માત્રામાં (વૈદ્યની સલાહ મુજબ) લીંબુના શરબત સાથે લેવાથી વાળનો ગ્રોથ ખૂબ વધે છે.
(૬) બ્રાહ્મીને તલનાં તેલમાં પકાવી તે તેલને વાળનાં મૂળમાં માલિશ કરવાથી વાળનાં જથ્થામાં ખૂબ વધારો થાય છે.
(૭) લીમડાના પાનને પાણીમાં વાટી તે પાણીથી માથું ધોવાથી ખોડાની સમસ્યાથી છૂટકારો મળશે.
(૮) કાળાતલ અને ખડી સાકર રોજ સવારે નરણેકોઠે લેવાથી વાળની મોટાભાગની સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.
સંપૂર્ણ પૌષ્ટિક ખોરાક, સરળ જીવન અને તનાવમુક્ત જીવનશૈલી કેશની તમામ સમસ્યાઓથી છૂટકારો અપાવે છે.