અતિ કષ્ટદાયક રોગ - શિર:શૂલ
આરોગ્ય સંજીવની - જ્હાન્વીબેન ભટ્ટ
આજના જમાનામાં 'શિર:શૂલ' એક અતિ કષ્ટદાયક રોગ તરીકે માનવામાં આવે છે. સમાજમાં 'માયગ્રેન' નામથી ઓળખાતા રોગનો સમાવેશ પણ શિર:શૂલમાં કરી શકાય છે. અનેક રોગોના લક્ષણરૂપે અથવા તો ઉપદ્રવરૂપે પણ 'શિર:શૂલ' જોવા મળે છે. જેમકે, ભિન્ન- ભિન્ન જવક, વિવિધ કાસ, પાંડુરોગ વગેરે રોગોમાં લક્ષણરૂપે શિર:શૂલ જોવા મળે છે. 'શિર:શૂલ' જ્યારે કોઈ વ્યાધિના લક્ષણરૂપે હોય ત્યારે પ્રધાન વ્યાધિની ચિકિત્સા કરવાથી તેનું પણ શમન થઈ જાય છે, પરંતુ જ્યારે આ રોગ સ્વતંત્રરૂપે જોવા મળે ત્યારે વિશેષ ઔષધોપચાર કરવો પડે છે.
આયુર્વેદમાં ૧૧ પ્રકારના શિર:શૂલનું વર્ણન કરવામાં આવેલું છે. ધૂમાડો લાગવાથી, તાપમાં ખૂબ ફરવાથી, વધુ પડતો વ્યાયામ કરવાથી, વાતપ્રકોપક આહાર- વિહારનું અતિશય સેવન કરવાથી, દિવસ અધિક ઉંઘવાથી, અધિક રડવાથી, માથામાં તેલ ન નાખવાથી, ઉંચા સ્વરે અધિક બોલવાથી, દૂષિત 'આમ'ના સંચયથી કે શિર પર અભિઘાત થવાથી આ રોગ ઉત્પન્ન થતો જોવા મળતો હોય છે.
ઘણીવાર સંપૂર્ણ માથામાં દુ:ખાવો ન થતા શિરના ડાબા કે જમણા ભાગમાં જ અતિશય દુ:ખાવો થતો જોવા મળે છે. આ દુ:ખાવો ખૂબ જ અસહ્ય હોય છે. ઘણીવાર આ દુ:ખાવાના કારણે ભ્રમર, આંખ, કાન, ડોક, કપાળમાં પણ ભયંકર વેદના થતી જોવા મળે છે. આ રોગને આયુર્વેદમાં 'આધાશીશી' કે અધવિભેદક કહે છે. આજકાલ આ રોગ વ્યાપક પ્રમાણમાં દર્દીઓમાં જોવા મળતો હોય છે. મોડર્નમાં આ રોગને 'માઇગ્રેન' નામ આપેલું છે.
આ રોગમાં અડધા મસ્તકમાં તાણ, ભેદ, ભ્રમ અને પીડા રહે છે તેમજ આ પીડા ગમે ત્યારે શરૂ થાય છે. રોગ વધતા ક્યારેક સમગ્ર માથામાં પણ દુ:ખાવો થતો હોય છે. ઘણી વખત એવા પણ દર્દીઓ જોવા મળે છે કે જેમને જેમ- જેમ દિવસ ઉગતો જાય તેમ તેમ ભ્રમર- કપાળમાં દુ:ખાવા સાથે માથાનો દુ:ખાવો વધતો જાય છે અને સૂર્યાસ્ત સમયે દુ:ખાવો ક્ષીણ થતો જાય છે.
મધ્યાહ્નના સમયે આવા દર્દીઓને મહત્તમ દુ:ખાવો રહે છે. આયુર્વેદમાં આ રોગને 'સૂર્યાવાર્ત'ના નામે ઓળખવામાં આવે છે. કેટલીકવાર ત્રણેય દોષો ગ્રીવાની 'જાન્યાનાડી'ને પીડિત કરી ગ્રીવાના પાછળના ભાગમાં ખૂબ જ પીડા ઉત્પન્ન કરે છે. આ ત્રિદોષજ શિરોરોગને આયુર્વેદમાં 'અર્નતવાત' કહે છે. આ રોગમાં કોષ્ક શુદ્ધિ માટે સૌ પ્રથમ વિરેચન આપવું જોઈએ.
'માઇગ્રેન' કે 'આધાશીશી'નો રોગ ઘણી વખત બાળકોમાં પણ થતો જોવા મળે છે. ઘણીવાર અતિ સંવેદનશીલ વ્યક્તિમાં આ રોગ થતો વધારે જોવા મળે છે. આવી વ્યક્તિઓમાં માઇગ્રેનના હુમલા પણ વારંવાર જોવા મળે છે.
કોઈ પણ પ્રકારના શિરોરોગો, શિર:શૂલ કે આધાશીશી- માઇગ્રેનના રોગીઓએ જરા પણ ગભરાયા વગર ખૂબ જ ધીરજથી ઔષધોપચાર ચાલુ કરવા.
શિર:શૂલમાં પથ્યાદિકવાથ ખૂબ જ ઉત્તમ ઔષધ છે. વૈદ્યની સલાહ મુજબ તેનું નિયમિત સેવન કરવું. આ ઉપરાંત શિર:શૂલાદિજરસ, પથ્યાદિ ગુગળ, સપ્તામૃત લેહ અને લક્ષ્મીવિલાસ રસ પણ દરેક પ્રકારના શિર:શૂલમાં સારું પરિણામ આપે છે તેથી તેનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો.
માઇગ્રેન કે અતિ શિર:શૂલના રોગીએ સૂર્યોદય પહેલા દૂધ અને જલેબી અથવા શીરો કે દુધની વાનગી લેવી જેથી વાયુનો પ્રકોપ શાંત થાય અને ત્યારબાદ વૈદ્યની સલાહ મુજબ આભ્યંતર ઔષધો લેવા.
આ ઉપરાંત પંચકર્મમાં બતાવેલ 'નસ્ય ચિકિત્સા' અને 'શિરોધારા' પણ શિર:શૂલમાં અકસીર પરિણામ આપે છે. નાક એ શિરનું દ્વાર છે. જેથી 'નસ્ય ચિકિત્સા'' દ્વારા નાકમાં નાખેલું પરિણામ આપે છે. આ ઉપરાંત 'શિરોધારા' પણ શિરોરોગમાં ખૂબ સારું પરિણામ આપે છે.
કપાળ અને શિર પર ઔષધયુક્ત ધૃત કે તેલ સ્વરૂપમાં પડતી ધારા સમગ્ર શિરમાં રક્તનો પ્રવાહ સુચારુ રૂપે કરાવે છે. જેથી મસ્તિષ્કના તમામ રોગોમાં શિરોધારાથી ખૂબ જ સારું પરિણામ મળે છે.
માઇગ્રેન કે શિર:શૂલના દર્દીઓને સારું ભોજન કરવું, વાયુ કરે તેવા વાયડા, ખાટા પદાર્થો - દહી, છાશ, રાજમા, કઠોળ વગેરેનો ત્યાગ કરવો. આયુર્વેદિક સારવાર આ રોગને નાબૂદ કરવામાં અતિ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.