આંખોની સારવાર અને તર્પણવિધિ
આરોગ્ય સંજીવની - જહાનવીબેન ભટ્ટ
'આંખ' એ શરીર માટે કોઇ અમૂલ્ય રત્નથી કમ નથી. સંપૂર્ણ શરીરમાં નેત્રોનું ખૂબ જ મહત્વ રહેલું છે. 'નેત્ર' વગરનું જીવન વ્યર્થ છે. આજે આપણે નેત્ર સારવાર વિશે ચર્ચા કરીશું. જેમાં આયુર્વેદમાં 'નેત્ર સારવાર'ના કયા-કયા ઉપાયો બતાવવામાં આવેલા છે, તે વિષય ઉપર પણ પ્રકાશ પાડીશ. જેમાં શરૂઆત ગર્ભસ્થ શિશુથી કરીએ. ગર્ભવતી માતાઓએ પોતાનાં ગર્ભસ્થ શિશુને આંખની તકલીફોમાંથી બચાવવા કયા ઉપાયો કરવા તે જાણીએ, જેમાં -
૧. ત્રિફળા ચૂર્ણ ૧/૪ થી ૧ ચમચી પેટને અનુકૂળ પડે તેટલા પ્રમાણમાં લેવું જેમાં ૧ ચમચી જેઠીમધનું ચૂર્ણ મિકસ કરી તેમાં ગાયનું ઘી અને મધ વધ-ઘટ પ્રમાણે મેળવી રાત્રે સૂતી વખતે લેવું.
૨. લીલા આમળાંની સીઝન હોય તો સવારે ૪ થી ૫ નંગ આમળાનો રસ પીવો અથવા ચાવીને ખાવા.
૩. સવારે ૧ ગ્લાસ લીલા શાકભાજી જેવા કે પાલક, કોથમીર, બીટ, ટામેટાંનો રસ લેવો.
૪. ખોરાકમાં શક્ય હોય તો ગાયનાં જ ઘી-દૂધ વાપરવા.
૫. આંખોથી ગ્રીનરી નિહાળવી અને ખુલ્લા પગે લીલી લોનમાં ચાવું.
૬. આંખોને ઠંડા પાણીએ ધોવી. પગ પણ ઠંડા પાણીએ ધોવા.
બાળકોની આંખોનું જતન કરવા માટે નીચેની પધ્ધતિ અપનાવો :-
૧. જન્મથી બાળક ૫ વર્ષનું થાય ત્યાં સુધી તેનાં પગનાં તળિયામાં ગાયના ઘીની માલિશ કરવી.
૨. આંખ લાલ થઇ હોય કે દુ:ખવા આવી હોય તો ચપટી ત્રિફળાનું ચૂર્ણ ૧ ચમચી પાણીમાં ગરમ કરી, ચોખ્ખા કપડાંથી ગાળી ઠંડુ થાય એટલે તેના ટીપાં બાળકની આંખમાં સવાર-સાંજ મુકવા. બે દિવસમાં જ આંખની ગરમી, લાલાશ અને પીડા મટી જશે.
૩. જમતા બાળકોને લીલા ધાણાની ચટણી બનાવી ખવડાવવી તથા મહિને ૧ વાર શુધ્ધ મધનું અંજન કરવું.
૪. જે બાળકોને રાત્રિનાં સમયે જોવામાં તકલીફ પડતી હોય તેમને ડોડીની ભાજી બાફી તેનું પાણી રોજ સવારે નરણે કોઠે પંદર દિવસ સુધી પીવડાવવું અને ભાજીને મસાલા નાખી બનાવી ખવડાવવી. આ પ્રયોગથી રાત્રિનાં સમયે જોવાની સમસ્યામાં ઘણો જ ફાયદો થાય છે.
આંખની તકલીફોમાં અજમાવવા જેવા કેટલાક આયુર્વેદીક ઉપચારો :-
૧. ધાણા, સાકર અને વરિયાળીનું સમભાગ ચૂર્ણ માખણ સાથે લેવાથી આંખોની લાલાશ, બળતરા, પાણી ઝરવું વગેરે સમસ્યાઓ મટે છે અને આંખોનું તેજ વધે છે.
૨. વરિયાળી અને ત્રિફલાનું સમભાગ ચૂર્ણ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી આંખોનું તેજ વધે છે.
૩. અધેડાનાં મૂળનું ચૂર્ણ દૂધ સાથે પીવાથી રાત્રિ સમયે જોવાની તકલીફમાં ઘણો જ ફાયદો થાય છે.
આ સિવાય આયુર્વેદમાં આંખોની સુરક્ષા તેમજ આંખોની તકલીફો માટે 'તર્પણ ચિકિત્સા' શ્રેષ્ઠ બતાવવામાં આવેલી છે. આ ચિકિત્સા નિષ્ણાંત વૈદ્યની સલાહ મુજબ કરાવવામાં આવે તો આંખોની દરેક સમસ્યાથી તેમજ બાળકોને આંખનાં નંબરોની સમસ્યાથી પણ છૂટકારો મળી શકે છે તથા આંખોનું તેજ પણ વધે છે. આંખમાં અલ્પદોષમાં એક દિવસ, મધ્યમ દોષમાં ત્રણ દિવસ તથા પ્રબળ દોષમાં પાંચ દિવસ સુધી તર્પણ કરવું જોઈએ. નેત્રનું તર્પણ શાસ્ત્રોક્ત વિધિથી થાય તો નેત્રમાં લઘુતા અને નિર્મળતા પેદા થાય છે. રોગીને સુખપૂર્વક નિંદ્રા આવે છે. તેમજ વ્યાધિ પણ શાંત થાય છે.
નેત્ર તર્પણ વાદળછાયા હવામાનમાં તેમજ અતિશય ગરમ વાતાવરણમાં કરવું ઉચિત નથી. તર્પણવિધિ પૂર્ણ થયા બાદમાં જે ધૃત્ત વધે તેને દર્દીએ કાંસાની વાટકીથી પગનાં તળિયે ઘસવું જોઇએ.
પગનાં તળિયામાં બે મોટી શિરાઓ આવેલી છે જે ઉપર મસ્તક સુધી પહોંચે છે અને નેત્રમાં જઇ અનેક શાખા-પ્રશાખાઓમાં વહેંચાઇ જાય છે, એટલા માટે પગમાં ઘસવામાં આવતા આ ધૃતનો પ્રભાવ સીધો નેત્ર સુધી પહોંચે છે. આ સિવાય નેત્રરોગનાં દર્દીઓએ આહારમાં પણ સાવધ રહેવું જોઇએ. ત્રિફલા, મધ, સાંકર, ગાયનું ઘી, ઘઉં, ચોખા, મગ, સિંધવ, દ્રાક્ષ, જાયફળ વગેરે દ્રવ્યોને નેત્રરોગમાં હિતકર બતાવ્યાં છે.
ઉપરોક્ત ઉપાયો અને પ્રયોગો જો નિયમિત રૂપે કરવામાં આવે તો આંખોનું જતન ખૂબ સરળતાથી કરી શકાય છે.