શરીરનો દુ:ખાવો અને રોલર થેરાપી
આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
સાંપ્રત સમયમાં મોટાભાગની વ્યક્તિઓને શરીરમાં દુ:ખાવો જોવા મળતો હોય છે. તેમાં પણ કમરનો દુ:ખાવો, ઘુંટણનો દુ:ખાવો, ખભાનો દુ:ખાવો, હાથ-પગનો દુ:ખાવો વગેરે ખૂબ સામાન્ય થઈ ગયા છે, અને આ દુ:ખાવાને મટાડવા માટે ડૉક્ટરો મસ-મોટી ફી લે છે, ઘણાંને ઓપરેશનની સલાહ પણ આપે છે. એવા ઘણાં દર્દીઓ મેં જોયા છે કે, જેમને ઓપરેશન પછી પણ આ દુ:ખાવો ચાલુ રહે છે ? તો ઓપરેશન કરાવીને પૈસા ખર્ચ કરવાનો શું મતલબ ?
હાલનાં સમયમાં આધુનિકરણથી વ્યક્તિનું જીવનધોરણ ઘણું ઊંચું આવ્યું છે. પરંતુ આ આધુનિકરણે વ્યક્તિનાં સ્વાસ્થયનો ભોગ લીધો છે, તેમ કહીએ તો કંઈ જ અતિશયોક્તિ નથી. સુખી સમૃદ્ધ જીવન જીવવાની લ્હાયમાં વ્યક્તિ રાત-દિવસ જોયા વિના મહેનત કરે છે અને પોતાને મળેલ માનવ શરીરના ભોગે સ્વાસ્થયની દરકાર રાખ્યા વગર કામ કરે જાય છે.
આયુર્વેદમાં કહ્યું છે કે, ''શીર્યતે ઇતિ શરીરમ્'' એટલે કે, જેનો ક્ષણે-ક્ષણે નાશ થાય છે, તે શરીર કહેવાય છે. સતત શરીરમાં કોષોનો હ્રાસ થતો જાય છે. અને તેની ક્ષતિ પૂર્તિ આહાર-વિહાર દ્વારા થાય છે. આ ક્ષતિ-પૂર્તિનું સમતોલન શરીરમાં જળવાઈ રહે તે ખૂબ જરૂરી છે. પણ આ ક્ષતિપૂર્તિના સમતોલનમાં જો અસંતુલન ઉભુ થાય તો શરીર તેનો જવાબ આપી દે છે.
વાતવ્યાધિઓ, સંધિવાત, આમવાત, ફ્રોઝન શોલ્ડર, કમરના મણકાનો ઘસારો, ઘુંટણનો ઘસારો વગેરે જેવા રોગોમાં જો લાંબા સમય સુધી વધુ પેઈન કીલર લેવામાં આવે તો તે કીડની, હૃદય વગેરે ઉપર ગંભીર અસર કરે છે. આથી આવા રોગોમાં આયુર્વેદીક સારવાર અને રોલર થેરાપી ખૂબ જ કારગત નીવડી છે, હાલ આ ''રોલર થેરાપી'' પેઈનકિલર તરીકે ખૂબ જ અસરકારક નીવડી રહી છે. એક્યુપ્રેશર, પ્રાકૃત ચિકિત્સા, સુજોક થેરાપી, સૂર્ય ઉર્જા, જલ થેરાપી, ફીઝીયોથેરાપી વગેરે વિવિધ થેરાપીઓ પ્રચલિત છે. પરંતુ આ બધી જ થેરાપીમાં પેઈન રીલીફ માટે આયુર્વેદીક દવાઓની સાથે-સાથે રોલર થેરાપી ખૂબ જ અસરકારક સાબિત થઈ રહી છે.
આ ''રોલર થેરાપી'' દરેક પ્રકારનાં કમરના દુખાવામાં, સાઈટીકા પેઈનમાં અને સાંધાના દુ:ખાવામાં ખૂબ અસરકારક પરિણામ આપે છે, તેમજ ખૂબ ઝડપી પરિણામ પણ આપે છે. આ થેરાપીમાં વનસ્પતિજન્ય લેપ, તેલ, મસાજ, લાકડામાંથી બનેલા વિવિધ રોલર, હીટ થેરાપી, વાઈબ્રેટર થેરાપી, કસરત અને યોગ વાઈબ્રેટર મશીન દ્વારા થેરાપી આપવામાં આવે છે. મુખ્યત્વે વિવિધ રોલર દ્વારા સર્વાઈકલ સ્પોન્ડીલાઈટસ, ની-પેઈન (ઘુંટણનો દુ:ખાવો), સ્લીપ ડીસ્ક, ફ્રોઝન શોલ્ડર, સાઈટીકા, ન્યુરોપેઈન, બ્લેક પેઈન વગેરે વિવિધ દુખાવાના રોગોમાં આ થેરાપીથી મેં ઘણાં જ હકારાત્મક પરિણામો જોયેલ છે. દર્દીને ૭ થી ૧૦ દિવસમાં જ દુખાવામાં રાહતનો અનુભવ થવા લાગે છે.
આ ''રોલર થેરાપી''માં વિવિધ રોલરો દ્વારા બોડી પર ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને કમર-મણકા અને ગાદી પર તેને (રોલર) ફેરવવામાં આવે છે અને તેનાથી દુખાવામાં ઝડપી પરિણામ જોવા મળે છે. દર્દીને પ્રથમ સ્નેહન, સ્વેદન, કરી પછી રોલરનાં ઉપયોગથી દુ:ખાવો દૂર કરવામાં આવે છે.
આ થેરાપીનો ઘણાં દર્દીઓએ લાભ લીધો છે અને દુ:ખાવામાં તેમને ખૂબ જ અસરકારક પરિણામો મળેલા છે.
કીટ મશીન દ્વારા અપાતા શેક બહુ જ પ્રભાવિત પરિણામ ઝડપથી આપે છે. મશીન દ્વારા અપાતા શેક અને વિવિધ ડિઝાઈનનાં લાકડામાંથી બનેલ ''રોલર'' આ ચિકિત્સા પદ્ધતિનું મુખ્ય અંગ છે.
આ લાકડાના રોલર વૈજ્ઞાાનિક માપ અને શરીરનાં અંગોની રચનાને ધ્યાનમાં રાખી બનાવવામાં આવે છે. કમરનાં મણકાનું વૈજ્ઞાાનિક રીતે માપ જાણી તેના નકશા પ્રમાણે રોલરની ડીઝાઈન તૈયાર કરવામાં આવે છે. જેનો સીધો ફાયદો દુખાવાના દર્દીને સચોટ પરિણામ દ્વારા થાય છે.
વાંચક મિત્રોને અપીલ કે, આ થેરાપી અનુભવ વૈદ્ય દ્વારા જ કરાવવાનો આગ્રહ રાખવો નહિંતર ઉંધુ પરિણામ પણ મળી શકે છે. અનુભવસિદ્ધ વૈદ્ય દ્વારા આયુર્વેદિક ઔષધ સારવાર અને રોલર થેરાપી મણકાના પ્રોલેપ્સ જેવા કષ્ટદાયક રોગને પણ સુખસાધ્ય બનાવી દે છે તે વાતમાં બેમત નથી.