સ્ત્રી શત્રુ એવો રોગ: સાયટીકા
આરોગ્ય સંજીવની - જ્હાનવીબેન ભટ્ટ
''સાયટીકા'' નામ એ વાંચકમિત્રો માટે કોઇ નવું નામ નથી. ''સાયટીકા''ને ''રાંઝણ''નાં નામે પણ ઓળખવામાં આવે છે. અને ૫૦ વર્ષ પછી ઘણી બધી સ્ત્રીઓમાં તે જોવા મળે છે. ''સાયટીકા''ને સામાન્ય ભાષામાં 'રાંઝણ' અને આયુર્વેદમાં ગૃધુસી તરીકે ઓળખવામાં આવે છે. વાયુદોષથી ઉત્પન્ન થતો આ નાડીરોગ સ્ત્રીઓમાં ઘણો તીવ્ર દુ:ખાવો ઉત્પન્ન કરે છે.
મોર્ડન સાયન્સ માને છે કે, કરોડરજ્જુનાં અંતિમ ભાગમાં આવેલાં પાંચ મણકામાંથી તથા નીચે આવેલા નાડીતંતુઓમાંથી નીકળતી નાડીઓ ભેગી મળીને સાયટીકા નર્વ બનાવે છે. હવે જ્યારે કોઇ પણ કારણોસર અંતિમ - પાંચમો મણકો પાછળની બાજુ ખસે છે, ત્યારે આ નાડી પર ખૂબ જ દબાણ આવે છે. તેમાંથી આ સાયટીકા નાડીમાં તેમજ કમરનાં ભાગમાં ખૂબ જ દુ:ખાવો થાય છે. આ દુ:ખાવો છેક પગની એડી સુધી જાય છે.
ગૃધુસી તરીકે ઓળખાતાં આ રોગમાં વેદના એટલી તીવ્ર હોય છે કે, રોગીની ચાલ ગીધ જેવી થઇ જાય છે. તેથી જ આ રોગને ગૃધુસી તરીકે ઓળખવામાં આવે છે. મોટા ભાગે આ રોગમાં વાયુનો પ્રકોપ કારણભૂત માનવામાં આવે છે. સતત ઊભા રહેવાથી કે ઊંચી હીલના સેન્ડલ પહેરવાથી વગેરે કારણોસર સાયટીકા નર્વ પર દબાણ આવે છે તથા રોગીને કમરથી માંડીને જાંઘ, ઘુંટણ, પગની એડી અને આંગળીઓ સુધી જાણે વીજળીનો કરંટ પસાર થતો હોય તેવી વેદના થાય છે.
નિદાન - કારણો :- આ રોગનાં મુખ્ય કારણોમાં વાયુનો પ્રકોપ મુખ્ય કારણ છે. આયુર્વેદમાં કહ્યું છે કે, ''નહિ શૂલ વિના વાતે'' આ ઉપરાંત કમરમાંથી આંચકો લાગવો, ખૂબ વજન ખસેડવું, મણકો ખસી જવો, વાયુનો પ્રકોપ કરે તેવા વાસી, વાયડા, તીખા, રૂક્ષ, લૂખા આહાર-વિહારનું સેવન વગેરે મુખ્ય કારણો છે.
લક્ષણો :- આ રોગમાં સામાન્ય લક્ષણોમાં કમરથી લઇને પગનાં તળિયા સુધી દુ:ખાવો થવો એ સામાન્ય લક્ષણ છે. આ દુ:ખાવો કેટલાક રોગીઓમાં એક પગમાં તો કેટલાક રોગીઓમાં બંને પગમાં જોવા મળે છે. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ સૂતાં સૂતાં પોતાનાં પગને ઘૂંટણથી વાળ્યા વિના ૯૦ અંસના ખૂણા સુધી ઊંચો કરી શકે છે. જ્યારે સાયટીકા દર્દવાળા રોગીને આ રીતે પગ વાળવામાં તકલીફ થાય છે. આવાં લક્ષણવાળા રોગીઓમાં ઘણીવાર પગમાં ઝણઝણાટી થવી, બળતરા થવી અને સાથે-સાથે ઝાડા, પેશાબમાં પણ તકલીફ જોવા મળે છે.
આ રોગની ચોક્કસાઇ માટે એક્સ-રે, સીટીસ્કેન અને એમ.આઇ. ઉપયોગી થઇ શકે છે.
* રોલર થેરાપી સાયટીકામાં ખૂબ ઝડપી સારવાર સાબિત થઇ શકે છે. રોલર થેરાપી વિશે અગાઉનાં અંકમાં વાત કરી ચૂક્યા છીએ. આ રોલર થેરાપીમાં ૫ થી ૬ સીટીંગ લેવાથી કમર તેમજ સાયટીકાનાં દર્દમાં ખૂબ જ ઝડપથી અસરકારક પરિણામ મળે છે.
આ રોગમાં રોગીએ અડદ, લસણ, સૂંઠ વગેરેનો વધુ ઉપયોગ કરવો અને પેટ હંમેશા સાફ રાખવું. રોગીને જો કબજિયાત રહેતી હોય તો હરડેની ૨ ગોળી ગરમ પાણી સાથે લઇ લેવી.
વિહાર :- આ રોગમાં રોગીને સંપૂર્ણ આરામ કરાવવો. રોગીએ બને તો સમતોલ જગ્યામાં પથારી પર પોચી ગાદી પાથરી સુવાની ટેવ રાખવી. આ રોગમાં પંચકર્મ ચિકિત્સા પણ સારું પરિણામ આપે છે. કટિબસ્તિ એ આ રોગમાં ખૂબ સારો વિકલ્પ છે. કટિબસ્તિ દ્વારા કમરનાં મણકાઓમાં તેલ પૂરણ કરવાથી બે મણકાઓ વચ્ચેની ગાદીને પોષણ મળે છે અને તે મજબૂત બને છે. આ ઉપરાંત ગુદબસ્તિ - એનિમા આપવાથી ગુદમાર્ગેથી ગયેલ ઔષધસિધ્ધ તેલ વાયુનાં મુખ્ય સ્થાન પક્વાશયમાં સ્નેહન કરી પ્રકૃપિત વાયુનું સમગ્ર શરીરમાંથી શમન કરે છે. જેથી વાયુ શાંત થતા દુ:ખાવો આપોઆપ ઓછો થઇ જાય છે. આ ઉપરાંત ઔષધોપચારમાં મહાયોગરાજ ગુગળ, પથ્યાદી ગુગળ, શરામદિ કવાથ, દશમૂલ કવાથ, વાતવિધ્વંસ રસ વગેરેનો વૈદ્યની સલાહ મુજબ પ્રયોગ કરી શકાય છે.
ઉપરોક્ત ઔષધસેવનની સાથે સાથે પંચકર્મ ચિકિત્સા પ્રયોગથી ગમે તેટલો જૂનો રોગ પણ કાબુમાં આવે છે અને તેની સાથે જો રોલર થેરાપી પણ ઉપયોગમાં લેવામાં આવે તો સોનામાં સુગંધ ભળી જાય છે, તે વાતમાં બે મત નથી.