હૃદયની નળી બ્લોક છે. ગળામાં ડચૂરો વળે છે. ખોરાકને ગળામાં આગળ જતાં મુશ્કેલી પડે છે
આરોગ્ય પ્રશ્નોત્તરી - - વત્સલ વસાણી
પ્રશ્ન : મારી ઉંમર ૬૬ વર્ષની છે. ગુજરાત સમાચારમાં આવતા આપના લેખો વાચું છું. ગયા વર્ષે જાન્યુઆરીમાં મેં એન્જિયો પ્લાસ્ટિ કરાવી છે. એક નળી બ્લોક થઈ ગઈ હોવાથી સ્ટેન્ટ મુકાવેલ. દસ માસ સારું રહ્યું પરંતુ થોડા વખતથી મને ખાવાની તકલીફ થવાથી વી.એસ. હોસ્પિટલમાં ગયો, તો ડોક્ટરે તપાસ કરીને કહ્યું કે તમારી બીજી નળી બ્લોક થઈ છે. નળીમાં લોહીની ગાંઠ થઈ છે તો તમારે પાંચ હજારના ઈંજ્કેશનો લેવા પડશે. આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં મેં એ લીધા. પરંતુ તેનાથી કશો ફરક જણાતો નથી.
ગળામાં ડચૂરો વળે છે. ખોરાકને ગળામાં આગળ જતાં મુશ્કેલી પડે છે. આથી નળીઓ સાફ રહે અને રોગ સંપૂર્ણ મટી જાય તેવી દવા લખી જણાવશો.
હમણાથી હું સવારે ગૌ ઝરણ ૧૦ ગ્રામ જેટલું લઉં છું. રાત્રે મેથી તથા હળદર ફાકું છું. અને ત્રિફલા તથા ગળો-કરિયાતુંની ફાકી રોજ રાત્રે સૂતી વખતે લઉં છું. તો મારાથી આ બધું લેવાય? વિગતવાર જણાવવા વિનંતી.
- કે.એમ. શાહ (ગાંધીનગર)
ઉત્તર : લોહીમાં ચીકાશ - ધાતુગત 'આમ' વધવાથી નળીઓ બ્લોક થઈ જતી હોય છે. આથી લોહીમાં રહેલી ચીકાશને દૂર કરે, ચરબીને પચાવે તથા 'આમ'નું પણ પાચન કરે એવા ઔષધો આ રોગમાં સફળ પુરવાર થાય છે. લસણ આ રોગનું ઉત્તમ ઔષધ છે. લસણની ચટણી, શાકભાજીમાં લસણ તથા હિંગનો વઘાર અથવા તલના તેલમાં સાંતળેલું લસણ નિયમિત લેવામાં આવે તો નળીઓ બ્લોક થતી નથી અને થઈ હોય તો પણ ધીમે ધીમે ચોખ્ખી થવા લાગે છે. લસણની જેમ જ લીલા મરીનું અથાણું પણ પાચનતંત્રને સુધારવામાં અને આમનું પાચન કરવામાં મદદ કરે છે.
આ સિવાય કુમળું આદું, લીલા તાજા આમળાં, લીલી હળદર, તુલસીના તાજા પાન તથા ફૂદીનો આ બધું મેળવી એક કપ જેટલો રસ કાઢી બે ત્રણ ચમચી ચોખ્ખું મધ મેળવી રોજ સવારે પીવામાં આવે તો ત્રણે દોષોનું શમન થાય છે, પાચન સુધરે છે અને આમનું પાચન થવાથી હૃદયની નળીઓ ચોખ્ખી અને ખુલ્લી થવા લાગે છે.
કોલેસ્ટરોલ કે ટ્રાય ગ્લિસરાઈડ વધારે હોય કે નળી બ્લોક થવાથી હૃદય રોગ થયો હોય તેવા લોકોએ સૂંઠના ટૂકડા નાખીને ઉકાળેલું જ પાણી પીવું.
* અર્જુન એ હૃદય રોગનું શ્રેષ્ઠ ઔષધ છે. અર્જુન ચૂર્ણનો ક્ષીર પાક બનાવી નિયમિત પીવામાં આવે તો પણ હૃદય રોગ કાબુમાં આવી જાય છે.
આ સિવાય જવાહર મોહરા ગૂટી એક એક ગોળી સવાર સાંજ લેવામાં આવે તો એટેક આવતો નથી. અને બાયપાસ સર્જરી કરાવવા જેવી સ્થિતિ હોય ત્યારે પણ લાભ પહોંચાડી દરદી તથા એના પરિવારને તાણમુક્ત (ટેન્શન ફ્રી) કરી શકે છે. હૃદયરોગના હુમલાનો ભય હોય અને ક્યારેક એટેક આવશે એવી શંકા હોય તેવા લોકોએ જવાહર મોહરા ગૂટી પોતાની સાથે જ રાખવી. જીવ બચાવે એવી આ દવા છે. પ્રભાકર વટી બે બે ગોળી નિયમિત સવાર સાંજ લેવામાં આવે તો હૃદયરોગના હુમલાનો ભય ટળે છે.
નળીઓ બ્લોક થતી હોય કે થઈ હોય તેવા લોકોએ તળેલો ખોરાક ન ખાવો. તેલ વઘાર પૂરતું થોડા પ્રમાણમાં અને તે પણ તલનું જ વાપરવું.
દહીં ન ખાવું. મીઠાઈઓ પણ લેવી નહીં. દિવસે ઊંઘવું નહીં. રાત્રે ઉજાગરા પણ ન કરવા. લસણથી વઘારેલું મગનું પાણી, સરગવાનો સૂપ, જાવળું, ખીચડી, દાળ-ભાત, શાકભાજીના સૂપ, મમરા તથા ખાખરા જેવા હળવા સુપાચ્ય પદાર્થો જ ખાવા. મેથીની, પાલખની તથા તાંદળજાની ભાજી લેવી. કુમળા મુળા, મોગરી અને રીંગણનું ભડથું પણ ખવાય.
હૃદયની તકલીફ હોય એવી વ્યક્તિ માટે સૌથી અગત્યની વાત છે. ટેન્શન મુક્ત જીવન. શરીર કે મન પર તાણ ન હોય તે ખાસ જરૂરી છે. આ માટે 'શવાસન ધ્યાન' સૌથી વધારે ઉપયોગી થશે.
એકાદ કલાક માટે શરીરને ઢીલું છોડી, ઢીલા કપડાં પહેરી ચત્તા સૂઈ જવું. હથેળી આકાશ તરફ અને હાથ કમરની નજીક તાણ રહિત સ્થિતિમાં હોવા જોઈએ. પગના પંજા પણ ઢીલા અને બન્ને બાજુથી જમીનનો સ્પર્શ થાય એ રીતે રાખવા. કોઈ પણ વિચાર કે ભાવ ઊઠે તો એની સાથે તાદાત્મ્ય કર્યા વિના, સારા નરસામાં વિભાજિત કર્યા વિના દ્રષ્ટાભાવે વિચાર તથા ભાવને માત્ર જોયા કરવા. શવાસન તો ખરું પણ જાગૃતિ પૂર્વકનું. સાક્ષી ભાવે અંદરથી બધું જ જોતાં રહીને મડદાની જેમ સૂઈ જવું એટલે 'શવાસન ધ્યાન' હૃદયરોગના તથા ટેન્શનના દરેક દરદીએ આ ધ્યાન કરવું.
* સ્ત્રીઓને સતાવતી મોનોપોઝની તકલીફ વિશે માર્ગદર્શન
* અનિદ્રા, બેચેની, ગુસ્સો આવે છે. હૃદયના ધબકારા વધી જાય છે.
* ચામડી લૂખી સૂકી થઈ જાય છે, વાળ ખરે છે, માયગ્રેન, સાયનસ, માથાનો દુખાવો રહે છે.
પ્રશ્ન : મારા ઘરે કોઈ પેપર આવતું નથી. પણ દર મંગળ અને બુધવારે બીજાને ત્યાંથી લાવીને આપના લેખો વર્ષોથી વાંચી લઉં છું. આપ ઘણી બધી બિમારીઓના જવાબ આપો છો તો આપને મારી એક વિનંતી છે કે સ્ત્રીઓને સતાવતી 'મેનોપોઝ'ની બીમારી અંગે પણ માર્ગદર્શન આપો. એ વખતે શું કરવું? કઈ બાબતનું ધ્યાન રાખવું, શું ખાવું અને કેવા ઔષધો લેવા? એ અંગે વ્યવસ્થિત માર્ગદર્શન આપશો.
મેનોપોઝને કારણે મને ઘણી બધી તકલીફ થાય છે : જેમ કે ઊંઘ ન આવવી, બેચેની થવી, ગુસ્સો આવવો, હૃદયના ધબકારા વધી જવા, ચામડી સૂકી થઈ જવી, વાળ ખરવા વગેરે.
સાહેબ, મને ઊંઘની ખૂબ જ તકલીફ છે. પિરિયડ દરમિયાન ઊંઘ આવતી જ નથી. બીજા દિવસોમાં પણ ઊંઘની તકલીફ થાય જ છે. એલોપથી અને હોમિયોપથીની દવાઓ ઘણા
સમયથી ચાલુ છે. છતાં કશો ફરક જણાતો નથી. કુદરતી અને ઘસઘસાટ ઊંઘ આવતી જ નથી. હું 'યોગા' પણ કરું છું. અને રોજ પંદરથી વીસ મિનિટ ચાલું છું. જોબ કરતી હોવાથી અને ઊંઘ આવતી ન હોવાથી વધારે ચાલું તો ઊલટાની સમસ્યા વધી જાય છે. વાળ ખૂબ જ ખરે છે. ઊંઘ ન આવવાના લીધે 'માઈગ્રેન-સાયનસ'ને માથાનો દુખાવો થઈ જાય છે.
સાહેબ, આપને જણાવવાનું કે મારા જેવી સમસ્યા બીજી અનેક સ્ત્રીઓને સતાવતી હશે. આથી આપને વિનંતી કરું છું કે મેનોપોઝ વિશે વિગતવાર માર્ગદર્શન આપશો.
ખરતા વાળ અંગે કે વાળની અન્ય સમસ્યાનો ઉત્તર આપતી વખતે આપ 'નસ્ય' અને 'શિરોધારા' લેવાનું કહો છો પણ સાહેબ, ઘણા લોકો પાસે આવી સારવારના પૈસા જ ન હોય તો એવા લોકો વાળ ઓછા ખરે એ માટે ઘરગથ્થુ રીતે શું કરી શકે?
'મેનોપોઝ' એ સ્ત્રીઓ માટે ખૂબ જ મોટી સમસ્યા છે, તે દરમિયાન ઘણી સ્ત્રીઓનું વજન વધી જાય છે તો કેટલીક સ્ત્રીઓનું વજન ઘટે છે પણ ખરું તો એક નિષ્ણાત આયુર્વેદ ચિકિત્સક તરીકે આપ અમને બહેનોને ઉપયોગી થાય એવું મેનોપોઝ અંગેનું જ્ઞાાન આપશો એવી આશા.
- સારિકા
ઉત્તર : મેનોપોઝ એ કોઈ બીમારી કે ઉપાધિ નથી. માસિક સ્રાવ માટેની અંત:સ્રાવી ગ્રંથિઓ (બીજ ગ્રંથિઓ) સક્રિય થવાથી જેમ તરુણી 'ટાઈમ'માં બેેેસે છે, એને માસિક સ્રાવ શરૂ થાય છે, એમ આધેડ ઉંમર થતા (૪૦ થી ૫૦ વર્ષ વચ્ચે) આપોઆપ આ અંત:સ્રાવી ગ્રંથિ નિષ્ક્રિય થવાથી માસિક આવવાનું બંધ થાય છે. જેમ સ્ત્રીના જીવનમાં માસિક સ્રાવ થવો જરૂરી છે, એના વિના એના સ્ત્રીત્વમાં કશીક ઉણપ રહી જાય છે, તેમ માસિક સ્રાવ બંધ થવો એ પણ કુદરતી છે. માસિક સ્રાવ શરૂ થવાથી સ્ત્રીને સંસાર માંડવાનું સર્ટિફિકેટ મળે છે તેમ માસિક બંધ થવું એ સંસારમાંથી, મોહ માયામાંથી મન વાળીને સ્વયં તરફ, પરમાત્મા તરફ, ધર્મ અને ભક્તિ ભાવ તરફ મન લગાવવાની એક આડકતરી સૂચના મળી જાય છે.
સવાર પડતા પક્ષી જેમ માળો છોડી આકાશમાં ઊડી દાણા પાણીની શોધમાં નીકળે છે તેમ સાંજ પડતા એ જ પક્ષી માળામાં પાછું ફરે છે. માસિક સ્રાવ એ સંસાર પ્રવેશની આડકતરી સૂચના છે તેમ મોનોપોઝમાં સંસારમાંથી મન વાળી, વાન પ્રસ્થ થવાની આડકતરી સલાહ અને સૂચના છે. પુરુષની પાછળ પડછાયાની જેમ ચાલતી સ્ત્રીએ હવે આત્મ કલ્યાણ અર્થે, પોતાને ગમે એ રીતે, સ્વતંત્રતાથી ચાલવું જોઈએ.
મોનોપોઝ શરૂ થાય, માસિક આવવાનું બંધ થાય એટલે સ્હેજેય ચિંતા કરવાની કે ડરવાની જરૂર નથી. શરીરમાં થતો એ એક કુદરતી અને અનિવાર્ય ફેરફાર છે. એને સ્વીકારી જાણે કશી કોઈ વિશેષ ઘટના નથી બની પણ જીવનની એ એક અનિવાર્યતા છે એમ સ્વીકારીને આગળ વધવું જોઈએ.
જો આ ઘટનાને સ્વાભાવિક માનવાને બદલે એના તરફ એક બીમારીની જેમ જોવામાં આવે તો મનમાં થોડીક બીક લાગે છે. પોતાનું સ્ત્રીત્વ ચાલ્યું જશે? હવે શું થશે, સેક્સમાં રસ રહેશે કે ઓછો થઈ જશે? આ ફેરફાર અને સ્થિતિના કારણે પુરુષ પોતાને યથાવત્ ચાહશે કે જીવનમાં કોઈ આંચકો આપે એવો ફેરફાર થશે? આવી આશંકા પણ ક્યારેક જન્મી શકે છે બાકી પોતાની આસપાસ એવી અનેક સ્ત્રીઓ જીવતી હોય છે જેનું માસિક બંધ થઈ જવા છતાં ખાસ કશા ફેરફાર વિના જ પૂર્વવત્ જિંદગી ચાલુ રહે છે.
આ કારણે મનમાં આશ્વાસન તો હોય છે પણ મેડિકલ સાયન્સે સ્ત્રીઓને આ વિશે સમજ આપી સહજ કે સજાગ કરવાને બદલે થોડીક બીકણ બનાવી દીધી છે. એને એમ લાગે છે કે પોતે ઉદાસ બની જશે, નાની નાની વાતમાં ગુસ્સો આવશે કે મન દુભાવાથી પોતે નર્વસ યા નીરસ બની જશે. પણ બધી સ્ત્રીઓને આવું થતું નથી.
મેનોપોઝ એ સ્ત્રી જીવનનો એક એવો નાજુક તબક્કો છે કે પતિએ એના તરફ વિશેષ પ્રેમ, સહાનુભૂતિ અને સમજ પૂર્વકની સંભાળનો અભિગમ કેળવવો જોઈએ. સ્ત્રીને આ સમય દરમિયાન અત્યન્ત હૂંફ અને સહાનુભૂતિની જરૂર હોય છે. ઘરના લોકોએ અને બાળકોએ પણ મમતા ભર્યો વ્યવહાર કરવો જોઈએ. એના લાગણીતંત્રને અકારણ ઉશ્કેરણી કે આંચકો (આઘાત) ન પહોંચે તેનો ખ્યાલ રાખવો જોઈએ.
કેટલીક સ્ત્રીઓનું મન આ દરમિયાન આળું બની જાય છે. અને નાની નાની બાબતોથી દુભાવા લાગે છે. એના મનમાં અસલામતીનો ભાવ જાગે છે. એકલાપણું અનુભવાય છે. કશામાં રસ પડતો નથી અને વારંવાર દિલ ભરાઈ આવે છે. નાની નાની વાતમાં ખોટું લાગી જાય છે કે રડવું આવી જાય છે. નાના બાળકો રમતા કે કલબલાટ કરતાં હોય ત્યારે ચીડાઈ જવાય છે. કંટાળાના કારણે મરી જવાનો કે આપઘાત કરવાનો પણ ભાવ જાગે છે. પુત્ર યા પતિ સાથે સાવ સામાન્ય વાતમાં પણ લડી પડવાનું ચાલુ થઈ જાય છે.
મેનોપોઝના સમય ગાળામાં કેટલીક સ્ત્રીઓની આર્તવ પ્રવૃત્તિ અનિયમિત બની જતી હોય છે. માસિક વધારે કે ઓછું આવે છે. મહિનામાં બે વાર આવે છે કે ક્યારેક બે ત્રણ મહિને એકાદ વાર અને તે પણ ઓછું આવે છે. કેટલીક સ્ત્રીઓને આ ગાળામાં લોહીવા જેવી સ્થિતિ થઈ જાય છે. આમ છતાં માનસિક સંતુલન રહે અને ઊંઘ, ભૂખ અને મળ વિસર્જન નિયમિત રીતે થયા કરે એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
તમને થતી તકલીફોને ધ્યાનમાં રાખી ઉપચાર આ પ્રમાણે સૂચવું છું :
(૧) ઊંઘ ન આવતી હોય અને જો હાઈ બી.પી. ન હોય તો ગંઠોડાવાળું દૂધ રોજ રાત્રે એકાદ કપ પી જવું. જેનું વજન ઓછું હોય કે ઘટી ગયું હોય અને સાથે સરખી ઊંઘ ન આવતી હોય તો રોજ રાત્રે એક ચમચી અશ્વગંધા ચૂર્ણ ફાકી જઈ ઉપર દૂધ પીવું. સારી ઊંઘ માટે જટામાંસી, બ્રાહ્મી અને શંખપુષ્પીનું સેવન ઉપયોગી થઈ શકે.
(૨) હૃદયના ધબકારા વધી જતાં હોય તો અર્જુન ચૂર્ણનો ક્ષીરપાક બનાવીને લઈ શકાય.
(૩) ચામડી સૂકી થઈ જતી હોય તો તલના તેલની રોજ સવારે માલિશ કરી થોડી વાર પછી ગરમ પાણીથી સ્નાન કરવું.
(૪) વાળ ખરતા હોય અને માથાનો દુખાવો પણ રહેતો હોય તો 'નસ્ય' અને શિરોધારા ખૂબ જ ઉપયોગી થઈ શકે પણ જેમની આર્થિક સ્થિતિ સાવ નબળી હોય તેમણે બ્રાહ્મી તેલથી વાળના મૂળમાં માલિશ કરવી અને ષડ્બિન્દુ તેલના ત્રણ ત્રણ ટીપાં બન્ને નસકોરામાં પાડવા. માથાનો દુખાવો રહેતો હોય તો પથ્યાદિ કવાથનું સવાર સાંજ સેવન કરવું. શરદી અને સાયનસના કારણે માથું ભારે રહેતું હોય કે દુખાવો થતો હોય તો નાગગૂટી તથા શિર: શૂલાદ્રિ વજ્ર રસની બે બે ગોળી સવાર સાંજ પાણી સાથે લેવી.
મેનોપોઝમાંથી પસાર થતી દરેક સ્ત્રીઓને એક સરખી તકલીફ થતી નથી આથી વ્યક્તિગત સલાહ માગનાર દરેકને દર શનિવારે વિનામૂલ્યે સલાહ આપવામાં આવશે.