Magazines

જોયું પ્રતિબિંબ તેણે ક્રોસનું .

By GS TEAM
1 Apr 20262 mins read
જોયું પ્રતિબિંબ તેણે ક્રોસનું                                 .

એક ખતરનાક લૂંટારો. ધારે તેને લૂંટી લે. દસ વ્યક્તિનો સામનો એકલે હાથે કરી શકે તેવો શક્તિમાન. માત્ર શારીરિક રીતે જ નહિ, બૌદ્ધિક રીતે પણ પાવરધો. લૂંટ કરતા પહેલા બધી બાજુનો વિચાર કરે. આજે તેણે નજીક આવેલા શહેરના ગર્ભશ્રીમંતને લૂંટવાની યોજના બનાવી હતી. લૂંટના ઇરાદા સાથે તે ચાલી નીકળ્યો.

ઝાડી, ઝાંખરા, પથ્થરા, કાંકરાવાળા રસ્તે ચાલતા ચાલતા તેણે નદી જોઈ. તરસ તો લાગી જ હતી. નીચા નમીને તે ખોબામાં પાણી ભરવા જતો હતો ત્યાં એકદમ તે સ્થિર થઈ ગયો, પોતાની પાછળ ટેકરી પર આવેલા ચર્ચના ક્રોસનું પ્રતિબિંબ તેણે પાણીમાં જોયું. તેના હૈયામાં હડકંપ મચી ગયો. ક્યાંય સુધી તેણે પ્રતિબિંબ જોયા કર્યું. તે પ્રતિબિંબ જાણે તેને ચાલવાની દિશા બદલવાનું સૂચવી રહ્યું હતું.

અસ્વસ્થ મન સાથે તે કિનારા પાસે આવેલા પથ્થર ઉપર બેઠો. ફરીથી પાણી સ્થિર થયું અને પ્રતિબિંબ પાછું ઉભરી આવ્યું. તેને એક વાત યાદ આવી. આ જ રસ્તે આ જ ચર્ચના ધર્મગુરૂ તેને મળ્યા હતા. તેઓએ ઇસુના જીવન વિશે ઘણી વાતો કહી હતી. પાણીમાં દેખાતા પ્રતિબિંબના ક્રોસ ઉપર જાણે રક્તરંજિત ઇસુનો દેહ લટકી રહ્યો હોય તેવી તેને પ્રતીતિ થઈ. ક્રોસ વારંવાર તેને નિર્ણય બદલવાનું કહી રહ્યો હોય તેવું તેને લાગ્યું. કેટલી કરૂણામયી દેખાતી હતી એ ઇસુની આભાસી છબી ! સાવ નિર્દોષ હોવા છતાં સમગ્ર માનવજાતના પાપ પોતાના શિરે લઈને ક્રૂસ પર વિંધાઈ જવું એ સામાન્ય વાત ન હતી.

વિચારોની ગડમથલ ક્યાંય સુધી ચાલ્યાં કરી. ફરી તે નદી પાસે આવ્યો. ખોબામાં પાણી ભર્યું ત્યાં તો ઉઠેલા વમળોમાં પ્રતિબિંબ અલોપ થઈ ગયું. તેણે પાણી પીધું ત્યારે તેને લાગ્યું કે પ્રતિબિંબ પાણીમાં ઓગળીને તેના શરીરમાં પ્રવેશી ગયું છે. તે ઊભો થયો. તેના ચરણોમાં નવું જોમ આવ્યું. શહેર તરફ જવાને બદલે તે ટેકરી તરફ ચાલવા લાગ્યો. ચર્ચ પાસે જઈને ધર્મગુરૂને મળ્યો. પ્રતિબિંબની વાત તેણે ધર્મગુરૂને કરી. ઇસુના બલિદાન સાથે પોતાના જીવનના દુષ્ટ કર્મોને તેણે મૂલવ્યા. પારકા લોકોના પરસેવાની કમાણીને લૂંટીને આખી જીંદગી એશઆરામ કર્યો તો તે વાત તેને સમજાઈ. તેને થયેલો પસ્તાવો આંખોમાંથી વહેતી અશ્રુધારાઓ વ્યક્ત કરતી હતી. ધર્મગુરૂનો હાથ તેના ખભાને થાબડીને સાંત્વન આપતો હતો. એક ખતરનાક લૂંટારાને શાંતિ અને શુદ્ધ પવિત્ર હૃદય પ્રાપ્ત થયું. સેવાની ભેખ લઈને તે ઘેર પાછો ફર્યો.

બીજા દિવસે ગામના લોકોએ તેને સેવાના કાર્યો કરતો જોયો. બધાને નવાઈ લાગી પણ કોઈ કંઈ જ બોલ્યું નહિ. પછી તો દીનદુ:ખીઓની સેવા કરવા લાગ્યો. સાંજે ભજનો ગાતો. સંતોની સંગતમાં જવાનું તેણે શરૂ કર્યું. એક લૂંટારો ઇશ્વરનો ભક્ત બની ગયો.

ખરેખર સમય બડા બલવાન હૈ. જીવનમાં બનતી નાની નાની ઘટનાઓ જીવનના માર્ગને બદલી શકે છે તેની પ્રેરણા આપતું આ દ્રષ્ટાંત છે.

ક્રોસ ઉપરનું આવું પ્રતિબિંબ આપણે પણ અનુભવીએ અને લેન્ટના દિવસોમાં સાચા હૃદયથી ઇશ્વરનો સ્વીકાર કરીએ તેવી અભ્યાર્થના.

- ક્લેરા ક્રિશ્ચિયન