Magazines

દેશને માટે પોતે દેશનિકાલ થયા

By GS TEAM
29 Oct 20252 mins read
દેશને માટે પોતે દેશનિકાલ થયા

સંત મહાત્માનું નામ એરિસ્ટાઈડિશ- તેઓ એથેન્સના નગર રાજયના નિવાસી હતા. ત્યાંના બંધારણમાં એક આશ્ચર્યકારક વિચિત્ર કાયદો હતો. એ કાનૂન અનુસાર કોઈ વ્યક્તિ ખૂબ લોકપ્રિય થઈ જાય તો તેને દેશનિકાલ કરવા માટે કોઈ પણ નાગરિકને અરજી કરવાનો અધિકાર હતો. આ કાનૂનનો આશય એવો હતો કે જનતામાં ખૂબ પ્રિય થયેલા માણસમાં સત્તાલાલસા જાગે અને બળવો કરીને આપખુદ રાજા બની જવાનો સંભવ હતો.

એ સમયે સંત સેવામૂર્તિ સમા એરિસ્ટાઈડિસ સદગુણી હતા. તેમનું જીવન પવિત્ર હતું. જન સેવામાં વ્યસ્ત રહેતા. અતિપ્રિય થયા. નગર રાજ્યોમાં તેમની બોલબાલા હતી. રાજા થવાની રજમાત્ર ઇચ્છા તેમનામાં ન હતી.

એક દિવસ એક નિરકાર નાગરિકે તેમને ઉભા રાખ્યા. તેને તેમનો પરિચય ન હતો. તેણે કર્યું,' મરબ્બી આપણા લોકોમાં એરિસ્ટાઈડિસ ખૂબ પ્રખ્યાત થયા છે. મારે તેમના દેશનિકાલ માટે અરજી કરવી છે, પણ લખતાં વાચતાં આવડતું નથી. ' સંતે કહ્યું, ' તું તેમને ઓળખે છે ? તેઓ સારા છે કે ખરાબ ?' જવાબ મળ્યો, ' સંત છે, સજ્જન છે.' સંતે કહ્યું તો પછી તારે શા માટે તેમને દેશનિકાલ કરાવવા છે ?

નિરક્ષર હોવા છતાં દૃષ્ટિવાન અરજદારે કહ્યું,' સાહેબ, એથેન્સ લોકશાહી નગર રાજય છે. તેમની વધારે વાહવાહ થાય, ભક્તિ થાય તો તેમને સત્તા પડાવી લઈને સરમુખત્યાર થઈ જવાનો અભરખો થવાતો સંભવ છે. તેથી લોક શાહી ખતમ થઈ જાય. આ અરજી લખાવવામાં મારું એકલતાનું જ નહિ, સમગ્ર એથેન્સવાસીઓનું હિત રહેલું છે.

કાશીઆનાકાની વગર સંત એરિસ્ટાઇડિસે પોતે પોતાની વિરુધ્ધની અરજી લખી આપી. એમાં પોતાના દેશનિકાલની બાબત હતી. અરજી સ્વીકારાઈ ગઇ. એને એ વિચિત્ર કાનૂન અનુસાર તેઓને દેશનિકાલ કરાયા. લોકશાહી ટકાવવા માટે તેમણે આત્મગૌરવનો ત્યાગ કર્યો.

- ડો.સુરેન્દ્ર આસ્થાવાદી