Magazines

હાથીભાઈએ બાંધી પરબ...! .

By GS TEAM
4 Apr 20262 mins read
હાથીભાઈએ બાંધી પરબ...!                          .

- 'જંગલના આ રસ્તા પર ચાલીને જયારે થાકી જઈએ ત્યારે આરામ કરવા માટે સરસ ઘટાદાર વૃક્ષો છે, પણ અહીં પાણીની કોઈ સગવડ નથી. જો અહીં પાણીની પરબ હોય તો કેવું સારું થાત!'

મેહુલ સુતરિયા

એક હાથીભાઈ હતા. હાથીભાઈ ખૂબ પીઢ અને અનુભવી. પરોપકારી પણ એટલા જ. જંગલમાં કોઈપણ સેવાનું કામ હોય તો તેઓ હંમેશા આગળ હોય.

હાથીભાઈ જે જંગલમાં રહેતાં હતાં તેમાં એક કાચો અને ધૂળિયો રસ્તો પસાર થતો હતો. એ રસ્તા પર ઘણા વટેમાર્ગુઓ આવ-જા કરતાં. રસ્તાની બંને બાજુ વડ, આંબલીનાં ઘટાદાર વૃક્ષો હતાં. વટેમાર્ગુઓ જયારે થાકે ત્યારે આ વૃક્ષોની શીતળ છાયામાં પોરો ખાવા બેસતાં. ક્યારેક કોઈ વટેમાર્ગુ દૂરથી આવતા હોય તો સાથે લાવેલું ભાથું પણ ત્યાં બેસીને ખાતા.

ઉનાળાની ગરમી શરૂ થઈ ગઈ હતી.

દૂરથી ચાલીને આવતાં પ્રવાસીઓ પાસે ઘણીવાર પાણી ખલાસ થઈ જતું. ચારેય બાજુ ગાઢ જંગલ આવેલું હોવાથી ક્યાંય પાણીની વ્યવસ્થા ન હતી.

એકવાર બે વટેમાર્ગુ ચાલતાં - ચાલતાં થાકીને આરામ કરવા બેઠાં. બંનેને ખૂબ તરસ લાગી હતી પણ તેમની પાસે રહેલું પાણી પણ ખલાસ થઈ ગયું હતું. બંને વટેમાર્ગુ એકબીજા સાથે વાત કરી રહ્યા હતા. 

એક વટેમાર્ગુ બોલ્યો, 'જંગલના આ રસ્તા પર ચાલીને જયારે થાકી જઈએ ત્યારે આરામ કરવા માટે સરસ ઘટાદાર વૃક્ષો છે, પણ અહીં પાણીની કોઈ સગવડ નથી. જો અહીં પાણીની પરબ હોય તો કેવું સારું થાત!'

હાથીભાઈ વડના ઝાડ નીચે બેઠાં-બેઠાં આ સાંભળતા હતા. 

હાથીભાઈ તો ખૂબ ભલા હતા. તેમણે નક્કી કર્યું કે તેઓ વટેમાર્ગુઓ માટે રસ્તા પર પાણીની પરબ જરૂર બાંધશે.

હાથીભાઈએ સાંજે જ જંગલમાં જઈને બધાં પશુ-પંખીઓની બેઠક બોલાવી. પરબ બાંધવાનો તેમનો નિર્ણય જણાવ્યો. બધાં પશુ-પંખીઓએ હાથીભાઈને બધી મદદ કરવાની ખાતરી આપી.

બીજા દિવસથી હાથીભાઈની સાથે બીજાં પશુ-પંખીઓ પણ પરબ બનાવવાના કાર્યમાં લાગી ગયાં. ખૂબ જ ટૂંકા સમયમાં બધાએ સાથે મળીને પરબ બાંધી દીધી.

જંગલના બધાં પશુ-પંખીઓ આનંદિત થઈ ગાવા લાગ્યાં-

'હાથીભાઈની પરબે જઈએ,

પાણી પીને તરસ છીપાવીએ,

ઠંડુ-ઠંડુ પાણી પીશું,

હાથીભાઈને યાદ કરીશું...!.'

હવે જંગલના રસ્તે પસાર થતા વટેમાર્ગુઓને ટાઢા છાંયડાની સાથે ઠંડુ પાણી પણ મળી રહે છે. 

સૌ વટેમાર્ગુઓ પરબ બાંધનારને આશીર્વાદ આપે છે અને વિરામ લઈને ત્યાંથી આગળ વધે છે.

તેમના ચહેરા પર સંતોષ જોઈને હાથીભાઈ રાજી રાજી થઈ જાય છે...