હસમુખકાકા .

- દાદાજી ઘરે આવી ગયા. ડૉક્ટરે કરેલી વાત મગજમાં બેસી ગઈ હતી એટલે થોડી થોડી વારે રસોડામાં જઇને ડબ્બો ખોલીને જુએ! પછી બંધ કરી દે. થોડી વાર પછી પાછા રસોડામાં...
આ હસમુખકાકાની વાત છે. જેવું નામ તેવો સ્વભાવ. બસ, આખો દિવસ મોજમસ્તીમાં રહે. તેમનો સ્વભાવ ખૂબ જ રમુજી. રિટાયર્ડ લાઇફમાં જીવતા હતા. પેન્શન આવતું હતું એટલે કમાવાની કોઈ ચિંતા નહોતી. બધા છોકરાઓ સારી જોબ કરતા હતા. હસમુખકાકાને એક પૌત્ર હતો. નામ તેનું ટીપુ. તે આખો દિવસ દાદા સાથે રમતો. દાદા તેને ખુશ રાખવા જાતજાતની ને ભાતભાતની વાતો કહી સંભળાવે અને નિત નવી રમતો પણ રમાડે. સાંજના સમયે ટીપુંને બગીચામાં ફરવા લઇ જાય, ત્યાં બધા ફેરીયાઓ વસ્તુઓ વેચવા આવતા. ટીપુને તેઓ આ બધું ખરીદી આપતા. દાદાજીને મીઠી વસ્તુઓ ખૂબ ભાવે. ખાસ કરીને ગરમાગરમ જલેબી અને ગુલાબ જાંબુ!
ઉનાળાના દિવસો હતા. ગરમી ખૂબ પડતી હતી. હસમુખકાકા અચાનક બિમાર પડી ગયા. એમના દીકરાએ એટલે કે ટીપુના પપ્પાએ ફોન કરી એમ્યુલન્સ બોલાવી લીધી. ગાડી આવતા જ તેમને અંદર સુવાડીને દવાખાને લઇ જવામાં આવ્યા. તેમને તરત એડમિટ કરી દેવામાં આવ્યા. સારવાર શરૂ થઈ ગઈ. લોહી પેશાબની તપાસ કરતાં ખબર પડી કે હસમુખકાકાને ડાયાબીટીસ થઇ ગયો છે.
થોડા દિવસ દવાખાનામાં સારવાર થતાં કાકા એકદમ સારા થઇ ગયા. ડૉક્ટર હસમુખકાકાને બોલાવીને સમજાવા લાગ્યા, 'હસમુખકાકા, તમને રાજા આપું છું, પણ તમારે કાયમ સુગર લેવલનું ધ્યાન રાખવાનું છે...'
દાદાજી ઘરે આવી ગયા. ડૉક્ટરે કરેલી વાત મગજમાં બેસી ગઈ હતી એટલે થોડી થોડી વારે રસોડામાં જઇને ડબ્બો ખોલીને જુએ! પછી બંધ કરી દે. થોડીવાર પછી પાછા રસોડામાં... આખો દિવસ મોહનથાળનો ડબ્બો ખોલ-બંધ,લ ખોલ-બંધ કરતા રહે. એક દિવસ ટીપુની નજર એમના પર પડી. એ કહે, 'દાદાજી, આ શું કરો છો?'
હાજરજવાબી હસમુખકાકાએ તરત જવાબ આપ્યો, 'એ તો હું સુંગરનું લેવલ ચેક કરું છું...'
આ સાંભળીને ઘરમાં સૌ ખૂબ હસ્યા.








