કર્મનો બદલો .
પ્રાચીન સમયની વાત છે. એક રાજા હતો. તે ખૂબ ઉદાર, ન્યાયકારી તથા ભગવદ્ભક્ત હતો. તેણે વિષ્ણુ ભગવાનનું એક ભવ્યમંદિર બનાવડાવ્યું. રાજકાર્યમાંથી સમય કાઢીને તે ભગવાન વિષ્ણુના મંદિરમાં બેસીને ભગવદ્ચિંતન કરતો હતો. રાજાને એ મંદિરમાં પૂજા આરતી માટે એક સાચા ભક્તની જરૂર હતી. એક દિવસ એક સદાચારી તથા ધર્મનિષ્ઠ બ્રાહ્મણે પૂજારી તરીકે તે મંદિરની જવાબદારી સંભાળી લીધી. આથી રાજાને ખૂબ આનંદ થયો. તે બ્રાહ્મણ ખૂબ જ સંતોષી તથા ભગવદ્ભક્ત હતો. તે પૂજાપાઠ માટે રાજા પાસે કોઈ વસ્તુની યાચના કરતો ન હતો. રાજા તેના સ્વભાવ તથા વ્યવહારથી ખૂબ પ્રસન્ન હતો.
બ્રાહ્મણને એ મંદિરમાં પૂજા કરતા વર્ષો વીતી ગયા. છતાં પણ તેણે રાજા પાસે કોઈ વસ્તુની માગણી ન કરી કે કોઈ પ્રશ્ન પણ ન કર્યો. વર્ષો પછી રાજાને એક સંતાનની પ્રાપ્તિ થઈ. રાજાએ પોતાના પુત્રનો સારી રીતે ઉછેર કર્યો. તેને સારું શિક્ષણ અપાવ્યું. પુત્ર મોટો થતાં તેનું લગ્ન એક સુંદર રાજકન્યા સાથે કરવામાં આવ્યું. તે કન્યા પડોશી રાજયની રાજકુમારી હતી. લગ્ન થયા એટલે તે પોતાના સાસરે આવી. એક દિવસ રાજકુમાર તથા રાજકુમારી બંને તેમના શયનકક્ષમાં આરામ કરી રહ્યા હતા. રાજકુમારને તો ઊંઘ આવી ગઈ, પરંતુ નવી જગ્યા હોવાથી રાજકુમારીને ઊંઘ ન આવી. તે મોડે સુધી જાગતી રહી અને વિચારે ચઢી ગઈ. અચાનક તેની નજર હીરા તથા ઝવેરાતથી જડેલી મૂઠવાળી એક તલવાર પર પડી.
જ્યારે રાજકુમારીએ એ તલવારને જોવા માટે મ્યાનમાંથી બહાર કાઢી તો તેની તીક્ષ્ણ ધાર જોઈને ડરી ગઈ. ડરના કારણે તેના હાથમાંથી તલવાર પડી ગઈ અને બાજુમાં સૂઈ રહેલા રાજકુમારની ગરદન પર પડી. રાજકુમાર ગંભીર રીતે ઘાયલ થવાના કારણે તેનું મૃત્યુ થયું. રાજકુમારી અત્યંત દુ:ખી થઈને પતિના મૃત્યુના કારણે શોક કરવા લાગી. તે વિચારવા લાગી કે હે પ્રભુ ! મારાથી અચાનક આ પાપ કેવી રીતે થઈ ગયું હું નિર્દોષ છું. મેં જાણી જોઈને આવું કર્યું નથી. પરંતુ મારાં સાસુસસરાને હું શું કહીશ ? મારી વાત કોણ સાચી માનશે ? મારા માતાપિતાને પણ કલંક લાગશે, તેથી હવે હું શું કરું ?
સવારે મંદિરનો પૂજારી જ્યારે કુવા પર સ્નાન કરવા આવ્યો ત્યારે તેને જોઈને રાજકુમારી વિલાપ કરવા લાગી અને કહેવા લાગી કે 'હે રામ ! મારા પતિને કોઈએ મારી નાખ્યો.' તેનું રુદન અને વિલાપ સાંભળીને આસપાસના લોકો ભેગા થઈ ગયા. રાજાને ખબર પડતાં તે પણ આવ્યો અને રાજકન્યાને પૂછયું કે 'રાજકુમારને કોણે માર્યો ?' તેણે કહ્યું કે ' એ મારનાર કોણ હતો એ હું જાણતી નથી. પરંતુ મેં તેને ઠાકોરજીના મંદિરમાં જતા જોયો હતો.
રાજા તથા બીજા કેટલાક લોકો મંદિરમાં ગયા, તો જોયું કે પેલો બ્રાહ્મણ પૂજારી ત્યાં પૂજા અર્ચના કરી રહ્યો છે. લોકોએ તેને પકડીને પૂછયું કે' તે' રાજકુમારને શા માટે માર્યો ? બ્રાહ્મણે કહ્યું કે મેં તો રાજકુમારનો ઓરડો પણ જોયો નથી, તો પછી હું ત્યાં જઈને કેવી રીતે મારી શકુ ?
ભગવાન તો જાણે છે કે મે 'આવું કોઈ પાપ કર્યું નથી', તો પછી જોયા વગર તમે મને શા માટે અપરાધી માનો છો ?'
રાજાને બ્રાહ્મણ પર સહેજે પણ શંકા ન હતી. કારણકે તેની પ્રામાણિકતા વિશે તે સારી રીતે જાણતો હતો, પરંતુ ત્યાં હાજર રહેલા લોકો તો બ્રાહ્મણને જ અપરાધી માનતા હતા. રાજાને અનેક લોકોએ બ્રાહ્મણને સજા કરવાનું કહ્યું આથી તેણે બ્રાહ્મણને કહ્યું કે 'હું તને મૃત્યુદંડ તો નહિ આપુ. પરંતુ જે હાથથી તેં મારા પુત્રને મારી નાખ્યો એ હાથને કાપી નાખવાનો આદેશ કરું છું.' રાજાના આદેશથી બ્રાહ્મણના હાથ કાપી નાખવામાં આવ્યા. આથી બ્રાહ્મણ ખૂબ દુ:ખી થયો. તે નિર્દોષ હોવા છતાં તેને સજા કરવામાં આવી. એના લીધે તેને અત્યંત દુ:ખ થયું, રાજાને અધર્મી માનીને તેણે રાજ્ય છોડી દીધું. અને બીજે ક્યાંક જતો રહ્યો.
દૂર જતા રહ્યા પછી પણ તે વારંવાર એવું જ વિચારતો હતો કે ખરાબ કામનું ફળ ખરાબ જ હોય. પરંતુ મેં કોઈ ખોટું કામ કર્યું નથી. મેં રાજકુમારને માર્યો નથી. છતાં એની સજા મને કેમ મળી ? તે કોઈ વિદ્વાન જ્યોતિષી કે સિધ્ધપુરુષને શોધી રહ્યો, જે તેને બતાવી શકે તે પોતે નિર્દોષ હોવા છતાં એના હાથ કેમ કાપી નાખવામાં આવ્યા ? જ્યોતિષીએ કહ્યું કે 'હે બ્રાહ્મણ દેવ ! આપ ખરેખર ખૂબ ઉદાર તથા ધર્માત્મા છો.
આ જન્મમાં ખરેખર તમે કોઈ ખોટું કામ નથી કર્યું, પરંતુ માણસની સાથે તેનો ભૂતકાળ પણ જોડાયેલો રહે છે. પૂર્વજન્મમાં કરેલાં કર્મોનું ફળ બીજા જન્મમાં પણ ભોગવવું પડે છે. દુનિયામાં આપણે જેવા લોકોની સાથે રહીએ છીએ તે બધુ આપણાં કર્મોનુ જ પરિણામ છે. ભાઈ, બહેન, સ્ત્રી, પુત્ર, સંબંધીઓ, ગુરુ વગેરે જે કોઈ મળે છે તે આપણાં કર્મોના પરિણામે મળે છે. આપણે જે કાંઈ શુભ અશુભ કર્મો કે પાપ-પુણ્ય કર્યા હોય તેનું સારું કે નરસુ ફળ આપણે ભોગવવું જ પડે છે.
બ્રાહ્મણે ફરી પૂછયું કે,' હે મહાત્મન ! હું નિર્દોષ હોવા છતાં રાજાએ મારા હાથ કેમ કાપી નાખ્યા ? મે એવું શું પાપ કર્યું હતું ? જ્યોતિષીએ કહ્યું કે' હે બ્રાહ્મણદેવ ! રાજાએ નહિ, પણ આપના કર્મે જ આપના હાથ કપાવ્યા છે.' બ્રાહ્મણે પૂછયું કે' એવું ક્યું કર્મ છે ?' જ્યોતિષીએ કહ્યું કે,' પૂર્વજન્મમાં આપ એક તપસ્વી હતા અને રાજકન્યા એક ગાય હતી તથા રાજકુમાર કસાઈ હતો. એ કસાઈ જ્યારે ગાયને મારવા લાગ્યો ત્યારે બીચારી ગાય જીવ બચાવવા આપની સામેથી જંગલમાં ભાગી ગઈ. પછી થોડી વારમાં કસાઈ આવ્યો અને તમને પૂછયું કે,' અહિં કોઈ ગાય આવી છે ?' ગાય જે તરફ ગઈ હતી તે તરફ ઇશારો કરીને આપે બતાવી દીધું.
કસાઈએ એ તરફ જઈને ગાયને મારી નાખી. એટલામાં ત્યાં એક વાઘ આવ્યો અને કસાઈ તથા ગાય બંનેને ખાઈ ગયો. વરસાદના પાણી સાથે તેમના અસ્થિ ગંગાજીમાં વહી ગયા. પાવન, ગંગાજીના પ્રતાપે કસાઈને રાજકુમાર તથા ગાયને રાજકન્યાનો જન્મ મળ્યો. પૂર્વજન્મના કરેલા કર્મો એ તે બંનેને એક રાત માટે સાથે લાવી દીધા. કસાઈએ તલવારથી ગાયને કાપી નાખી હતી. તેથી રાજકન્યાના હાથમાંથી આક્સ્મિક જ તલવાર છૂટી ગઈ અને રાજકુમારનું મૃત્યુ થઈ ગયું.આમ, કર્મ તેનું ફળ આપીને નિવૃત્ત થઈ ગયું. આપે હાથથી ઇશારો કરીને ગાય બતાવી હતી એ પાપકર્મના લીધે આપના હાથ કપાઈ ગયા.
ખરેખર કર્મનું ફળ મળવું અટલ છે, અફર છે. તેથી આપણે સદ્ગુરુ તથા ઇશ્વરના શરણમાં રહીને હંમેશા સચ્ચાઈ તથા ભલાઈના માર્ગે ચાલવું જોઈએ. જેનાથી આપણને અવશ્ય શાશ્વત સુખ તથા અપાર શાંતિ પ્રાપ્ત થશે.
- હરસુખલાલ સી.વ્યાસ