Get The App

સંત અને અસંત .

Updated: Feb 5th, 2020

GS TEAM

Google News
Google News

સંત અમૃત સમાન છે તે આ મૃત્યુરૂપી સંસારમાં આપણને તારે છે. જ્યારે અસંત વ્યકિત મદિરાની જેમ આપણામાં મોહ, પ્રમાદ તથા જડતા પેદા કરે છે.

માનવ સમાજમાં સંત અને અસંત એમ બંને પ્રકારના લોકો રહે છે. સંતનું વ્યકિતત્વ ઉત્કૃષ્ટ હોય છે. જ્યારે અસંતનું વ્યકિતત્વ નિકૃષ્ટ જોવા મળે છે. સંત કે અસંત હોવાની ઓળખ તેમના ગુણો કે અવગુણોની આધારે થાય છે. સંતના 

કપડાં પહેરીને કે ટીલાંટપકાં કરીને કોઈ ભલે સંત હોવાનો આડંબર કરે, પરંતુ તેનો એ આડંબર ઝાઝું ટકતો નથી. ગમે ત્યારે તેની પોલ ખૂલી જાય છે.

શ્રીરામચરિત્માનસમાં અનેક જગ્યાએ સંત તથા અસંત મનુષ્યના લક્ષણો તથા ગુણોનું વર્ણન કરવામાં આવ્યું છે. તુલસીદાસજીએ બાલકાંડની શરૂઆતમાં જ સંત અને અસંત વ્યકિતનાં ચરણોની વંદના કરતા કહ્યું છે કે,' હવે હું સંત અને અસંત બંનેના ચરણોની વંદના કરું છું કારણકે તેઓ બંને દુઃખ આપનારા છે, પરંતુ તેમના દુઃખ આપવામાં થોડું અંતર છે. તે અંતર એ છે કે સંતોનો વિયોગ મરવાની જેમ દુઃખદાયક હોય છે. અસંતોનું મિલન દારૂણ દુઃખ આપનારું હોય છે. તેઓ મરતી વખતે આપણાં જીવનને દુઃખદ બનાવી દે છે.

આ સંસારમાં સંત તથા અસંત બંને પ્રકૃતિના લોકો પેદા થાય છે. પરંતુ કમળ અને જળોની જેમ તેમના ગુણ જુદા જુદા હોય છે. કમળ સિત કરે છે, જ્યારે જળો શરીરને અડકતા જ લોહી ચૂસવા માંડે છે. સંત અને અસંત વ્યકિતના વ્યવહારમાં આટલો તફાવત હોય છે.

સંત અમૃત સમાન છે તે આ મૃત્યુરૂપી સંસારમાં આપણને તારે છે. જ્યારે અસંત વ્યકિત મદિરાની જેમ આપણામાં મોહ, પ્રમાદ તથા જડતા પેદા કરે છે. નવાઈની વાત એ છે કે તેઓ બંને આ એક જ જગતમાં 

પેદા થાય છે. જે રીતે સમુદ્રમાંથી અમૃત અને મદિરા બંને ઉત્પન્ન થયા હતા એજ રીતે આ સંસારમાં સંત તથા અસંત બંને પ્રકૃતિના લોકો પેદા થાય છે.

સંત હંસની જેમ આ સંસારમાં દોષ રૂપી જળને છોડીને ગુણરૂપી દૂધ જ ગ્રહણ કરે છે. આ સંસારમાં સાધુ સંતોનો વેશ ધારણ કરેલા ઠગો ઘણા  છે. લોકો તેમનો વેશ જોઈને છેતરાઈ જાય છે અને તેમને પૂજે છે, પરંતુ વહેલી મોડીે લોકોની પોલ ખૂલી જાય છે. કાલનેમિએ ઋષિનો વેશ ધારણ કર્યો અને હનુમાનજી સાથે છળ કર્યું હતું, રાવણે સાધુનો વેશ ધારણ કરીને સીતાજી સાથે છળ કર્યુ હતું, રાવણે દેવતાનું રૂપ ધારણ કરીને દેવો સાથે છળ કર્યુ હતું. 

પરંતુ એ ત્રણેયને એ છળકપટનો ભયંકર દંડ ભોગવવો પડયો હતો. સાધુ કે સંત ભલે ગમે તેવા કપડાં પહેરે છે. છતાં તેનું સન્માન થાય છે. જેમકે જાંબુવાનનું શરીર રીંછનું હતું એમ છતાં તેઓ સન્માનને પાત્ર છે. હનુમાનજીને વાનરના રૂપમાં પણ સંસાર પૂજે છે. આપણને ખરાબ સંગથી હંમેશા હાનિ થાય છે, જ્યારે સારા સંગથી હંમેશા લાભ થાય છે. પવનના સંગથી તુચ્છ ધૂળ પણ આકાશમાં પહોંચી જાય છે. પરંતુ તે જો નીચેની તરફ વહેતા જળનો સંગ કરે તો કાદવ બની જાય છે. સંતના ઘરે પોપટ પણ રામરામ બોલે છે. જ્યારે દુષ્ટ વ્યકિતને ઘેર રહેતો પોપટ ગાળો બોલતો થઇ જાય છે.

કુસંગના કારણે ધુમાડો કાળાશ પેદા કરે છે. પણ એ ધૂમાડો સારા સંગથી શાહી બની જાય છે. અને લખવાના કામમા આવે છે. એજ ધૂમાડો જળ, અગ્નિ અને 

પવનના સંગથી વાદળ બનીને જગતને જીવન આપનાર વર્ષા બની જાય છે. એ જ રીતે ગ્રહો, ઔષધિ, જળ, વાયુ અને વસ્ત્રો આ બધાય કુસંગ તથા સુસંગના કારણે ખરાબ કે સારા બની જાય છે.

જે રીતે મહિનામાં બંને પખવાડિયાં સમાન હોય છે. પરંતુ વિધાતાએ તેમના ગુણ તથા કર્મમાં ભેદ કરી દીધો છે. એકને શુકલપક્ષ એટલે કે ચંદ્રના ધવલ પ્રકાશનો વધારનાર કહીને તેને યશ પ્રદાન કર્યો છે, જ્યારે કૃષ્ણપક્ષને ચંદ્રમાના પ્રકાશને ઘટાડનારો માનીને તેને અપયશપ્રદાન કર્યો છે. આ જ રીતે સાધુસંતો તેમના સદ્ગુણોને કારણે સન્માન મેળવે છે. જ્યારે દુષ્ટ લોકો તેમના દુર્ગુણોને કારણે અપયશને પાત્ર બને છે.

સાચાં સંતના હૃદયમાં ભગવાનનો વાસ હોય છે, જ્યારે દુષ્ટ માણસના મનમાં શેતાનનો નિવાસ હોય છે. શ્રી રામચરિત માનસના અરણ્ય કાંડમાં નારદજીના આગ્રહથી ભગવાન રામે સંત વ્યકિતના લક્ષણોનું વર્ણન કરતા કહ્યું છે કે સંત છ વિકારો (કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર ) પર વિજય મેળવીને પાપરહિત, કામના રહિત, સ્થિર બુધ્ધિવાળા, અકિંચન (સવંત્યાગી) બહાર તથા અંદરથી પવિત્ર, સુખનું ધામ, અસીમ જ્ઞાાનવાળા, ઇચ્છારહિત, મિતાહારી, સત્યનિષ્ઠ, કવિ, વિદ્વાન અને યોગી હોય છે. 

તેઓ સાવધાન, બીજાઓને માન આપનાર, અભિમાન રહિત , ધૈર્યવાન, ધર્મના જ્ઞાાન અને આચરણમાં અત્યંત નિપુણ હોય છે. તેમનું વ્યકિતત્વ ગુણોની ખાણ જેવું હોય છે. તેઓ સંસારના દુઃખોથી રહિત તથા સંદેહથી સાવ પર હોય છે. ભગવાનના ચરણો સીવાય તેમને આ દેહ પ્રિય હોતો નથી કે ઘર પણ પ્રિય લાગતું નથી.

સાચા સંત પોતાના જ ગુણોની પ્રશંસા સાંભળતા સંકોચ પામે છે, જ્યારે બીજાઓના ગુણ સાંભળીને તેમને ખૂબ આનંદ થાય છે. તેમના મનમાં હંમેશા સમતા તથા શીતળતાનો વાસ હોય છે. તેઓ હંમેશા ન્યાયનું પાલન કરે છે. તેઓ સરળ સ્વભાવના હોય છે અને બધાને પ્રેમ કરે છે. 

સંત વ્યકિત હંમેશા જપ, તપ, વ્રત, દમ, સંયમ તથા નિયમોનું પાલન કરે છે. તેઓ પોતાના ગુરુ, ગોવિંદ તથા બ્રાહ્મણોના ચરણોમાં નમન વંદન કરે છે. તેમના મનમાં શ્રદ્ધા, ક્ષમા, મૈત્રી, દયા, પ્રસન્નતા અને ભગવાન પ્રત્યે નિઃસ્વાર્થ પ્રેમ હોય છે. તેમનામાં વૈરાગ્ય, વિવેક, વિનય અને પરમતત્વનું જ્ઞાાન હોય છે. તેઓ વેદપુરાણોના જ્ઞાાતા હોય છે. તેઓ કદાપી દંભ, અભિમાન કે મદ કરતા નથી અને ભૂલેચૂકેય કુમાર્ગે પગ મૂકતા નથી.

સંત વ્યકિત હંમેશા ભગવાનના ગુણગાન કરે છે અને કોઈ પણ જાતના સ્વાર્થ વગર બીજાઓના હિતનાં કાર્યો કરે છે. આમ, સંત વ્યકિતના બધા ગુણોનું ગાન તો માતા સરસ્વતી તથા વેદો પણ કરી શક્તા નથી.

આ રીતે ઉત્તર કાંડમાં પણ હનુમાનજીએ ભગવાન શ્રીરામને સંત અને અસંતના ભેદ વિશે અને તેમનાં લક્ષણો વિશે પૂછયું હતું. એના જવાબમાં ભગવાન શ્રીરામે કહેલું: સંત અને અસંતના કર્મો કુહાડી અને ચંદનના જેવા હોય છે. કુહાડી ચંદનના ઝાડને કાપે છે, એમ છતાં ચંદન તેને પોતાનો ગુણ 

આપીને સુવાસિત કરી દે છે. આ ગુણના કારણે જ ચંદનને દેવતાઓના મસ્તકે લગાડવામાં આવે છે અને તે બધાને સુગંધ તથા પ્રસન્નતા આપે છે, જ્યારે કુહાડીને ભઠ્ઠીમાં ગરમ કરી હથોડાથી ટીપવામાં આવે છે.

તેઓ આગળ કહે છે કે,' સંત વ્યકિત વિષયોમાં લિપ્ત થતી નથી. તે શીલ તથા સદ્ગુણોની ખાણ હોય છે. તેઓ બીજાઓના દુઃખે દુઃખી થાય છે અને બીજાના સુખે સુખી થાય છે. તેઓ બધા પ્રત્યે સમાન ભાવ રાખે છે. તેમના મનમાં કોઈના પ્રત્યે શત્રુતા હોતી નથી. તેઓ મદથી રહિત અને વૈરાગ્યવાન હોય છે તથા લોભ, ક્રોધ, હર્ષ અને ભયનો ત્યાગ કરી દે છે. તેમનું ચિત્ત ખૂબ કોમળ હોય છે. તેઓ દીન દુઃખી પર દયા કરે છે તથા મન, વચન અને કર્મથી ભગવાનની ભક્તિ કરે છે. તેઓ બધાને સન્માન આપે છે. પરંતુ પોતે માન મેળવવાથી દૂર રહે છે. આવા સંતો મને પ્રાણીની જેમ વહાલા છે.'

ભગવાન શ્રીરામ હજુ આગળ હનુમાનજીને કહે છે કે સંત વ્યકિતને કોઈ કામના હોતી નથી. તેઓ ભગવાનમાં જ રત રહે છે. તેઓ શાંતિ, વૈરાગ્ય, વિનય તથા પ્રસન્નતા જેવા ગુણોથી યુક્ત હોય છે. તેમનામાં શીતળતા, સરળતા, બધા પ્રત્યે મિત્રભાવ અને બ્રાહ્મણો પ્રત્યે પ્રેમભાવ હોય છે. જેનામાં આવાં લક્ષણો હોય તેને જ સાચો સંત માનવો જોઈએ.

જે રાજા (મનનો નિગ્રહ), મદ (ઇન્દ્રિયોનો નિગ્રહ) નિયમ તથા નીતિમાથી કદાપિ વિચલિત થતા નથી અને મૂખથી કદાપિ કઠોર વચન બોલતા નથી. જેમના માટે નિંદા તથા સ્તુતિ બંને એક સમાન છે અને જે ગુણોનું ધામ હોય છે. એવા સંતો મને પ્રાણથી પણ પ્રિય છે.'

સંત વ્યકિતની સાથે સાથે અસંતોના સ્વભાવને પણ જાણવો જરૂરી છે. ભૂલમાં પણ અસંતનો સંગ ન કરવો જોઈએ. કારણકે તેમનો સંગ હંમેશા દુઃખદાયક હોય છે.

દુષ્ટોના મનમાં હંમેશા સંતાપ રહે છે. તેઓ બીજાઓનું સુખ જોઈને હંમેશા બળતા રહે છે. તેઓ બીજાઓની નિંદા સાંભળીને ખૂબ ખુશ થઈ જાય છે. જાણે કે એમને સાકરની ખાણ મળી ગઈ હોય. તેઓ કામ, ક્રોધ, મદ અને લોભમાં હંમેશાં રચ્યા પચ્યા રહે છે. તેઓ દયાહિન કપટી, કુટિલ અને પાપાચારી હોય છે. તેઓ અકારણ બીજાઓ પ્રત્યે વેર રાખે છે. જે લોકો તેમનું ભલું કરે તેમની સાથે પણ તેઓ બૂરાઈ કરે છે.

અસંત એટલે કે દુષ્ટ વ્યકિત લેવડ દેવડમાં જૂઠનો આશરો લઈને બીજાઓના હક્કનું છીનવી લે છે અને ડીંગ હાંકતા રહે છે. મોર બહારથી બહુ સુંદર દેખાય છે, પરંતુ તે ઝેરી સાપોલિયાને પણ ખાઈ જાય છે. એજ રીતે અસંત લોકો બહારથી ગમે એવાં મીઠાં વચનો બોલતા હોય, પરંતુ હૃદયથી તેઓ સાવ નિર્દય હોય છે.

અસંત મનુષ્ય બીજાઓનો દ્રોહ કરે છે અને પારકી સ્ત્રી, પારકું ધન અને પર નિંદામાં આસક્ત રહે છે. આવા પામર અને પાપી મનુષ્યો નરતન ધારણ કરેલા રાક્ષસો જ છે. તેઓ હંમેશા લોભ તથા મોહથી ઘેરાયેલા જ રહે છે. તેઓ હંમેશા પશુઓ જેવો આહાર લે છે અને મૈથુન પરાયણ હોય છે. તેમને યમપુરીનો ભય લાગતો નથી. તેઓ કોઈની પ્રશંસા સાંભળીને અંદરથી બહુ દુઃખી થઈ જાય છે તથા બળી ઉઠે છે.

જ્યારે તેઓ બીજા કોઈને વિપત્તિમાં ફસાયેલો જુએ છે. ત્યારે ખુબ ખુશ થઈ જાય છે. તેઓ સ્વાર્થ પરાયણ , પોતાના સ્વજનોના પણ દ્રોહી, લોભી, લંપટ અને અત્યંત ક્રોધી હોય છે. તેઓ પોતે પતન તરફ જાય છે અને સાથે સાથે પોતાના સંગથી બીજાઓને પણ પતનની ખાઈમાં પાડે છે. તેમને સંતોનો સંગ ગમતો નથી કે ભગવાનની કથામાં રસ પડતો નથી.

તેઓ અવગુણોની ખાણ, મંદબુધ્ધિવાળા, કામી, વેદોની નિંદા કરનારા અને બીજાઓનું ધન છીનવી લેનારા હોય છે. તેઓ સજ્જનનો પણ દ્રોહ કરે છે. તેમના મનમાં કપટ અને દંભ હોય છે. પરંતુ બહારથી તો તેઓ સુંદર વેશ ધારણ કરે છે. એવા લોકોની સંખ્યા દ્વાપરમાં ઓછી હતી, પરંતુ આ કળિયુગમાં તો એવા લોકો ઠેરઠેર જોવા મળે છે.

ભગવાન રામ હનુમાનજીને કહે છે કે 'બીજાઓની  ભલાઈ કરવા સમાન કોઈ ધર્મ નથી અને બીજાઓને દુઃખ પહોંચાડવા સમાન કોઈ પાપ નથી. જે લોકો મનુષ્ય અવતાર મળ્યા છતાં બીજાઓને હંમેશા દુઃખ દે છે એવા અસંત પ્રકૃતિવાળા લોકોને અંતે ભયંકર કષ્ટો સહન કરવાં પડે છે. જે મનુષ્ય મોહવશ તથા સ્વાર્થ પરાયણ થઈને પાપ કરે છે. એનો આ લોક તથા પરલોક નષ્ટ થઈ જાય છે. એવા લોકો માટે હું ભયંકર કાળરૂપ છું અને તેમના સારાં કે ખરાબ કર્મોનું યોગ્ય ફળ આપુ છું. જે લોકો ચતુર તથા બુદ્ધિશાળી હોય છે તેઓ સંસારનો મોહ છોડીને ભગવાનને ભજે છે.

આ રીતે ભગવાન શ્રીરામે સંત તથા અસંત લોકોના સ્વભાવનું વર્ણન કર્યું છે. સંત વ્યકિત હંમેશા પરમ કલ્યાણકારી હોય છે. ખૂબ સૌભાગ્યથી આપણાં શુભકર્મોના પરિણામ સ્વરૂપે એવા સાચા સંતોના સંગનો આપણને લાભ મળે છે. જો અસંતોનો સંગ થઈ જાય તો તે આપણું દુર્ભાગ્ય છે. વિવેકશીલ લોકો હંમેશાં સંતોનો સંગ કરે છે અને પોતાના જીવનને ઉન્નત બનાવીને ધન્ય બની જાય છે.

- હરસુખલાલ સી.વ્યાસ

Tags :