રિક્ષાની શિક્ષા .
પહેલાં સાયકલ મૂકી રિક્ષા લીધી હવે રિક્ષા મૂકીને સાયકલ લીધી
ઠેઠ સરસપુરથી ધરણીધર આવેલા દીપકને મેં પૂછયું,' તું આવ્યો કેવી રીતે?' તેણે કહ્યું :' સાયકલ પર.'
હું ચોકીં ગયો : કેમ કે દીપક રિક્ષાવાળો છે. એની રિક્ષાના પૈડાં જ એના કુટુંબનું જીવન ચલાવે છે. ઘરની હાલતને ખાતર તે ઝાઝું ભણી શક્યો નથી. પણ દીકરા- દીકરીને હોંશથી ભણાવે છે. ઘરડાં માતાપિતાની સેવા તે સવાયા શ્રાવણની જેમ કરે છે.
વાંચવાનો શોખ હોવાથી સારા સંસ્કાર તેના જીવનમાં ઊતર્યા છે. આખુ કુટુંબ જે મળે તેમાં સચ્ચાઈથી જીવે છે.
રિક્ષામાં તેનું મુખ્ય કામ પુસ્તકોના પારસલની હેરાફેરીનું છે. પુસ્તકો શાળાએ પહોંચાડવાની સાથે દીપક ચોપડીઓના ઓર્ડર પણ મેળવી દે છે. રિક્ષામાં ક્યારેક નવરો પડે ત્યારે છાપાં કે બાળપુસ્તકો વાંચે છે.
બાકીના સમયમાં તે રિક્ષાની ફેરી ફરે છે. રિક્ષાનો જે ભાવ હોય તે જ લે છે. કદી વધારાના પૈસા લેતો નથી. ઘરડાં પ્રવાસીઓને બહુ રાહત કરી દે છે કે મફત સેવા આપે છે. અકસ્માતના દર્દીઓને છેક હોસ્પીટલ સુધી પહોંચાડે છે દર્દી પાસે પૈસા હોય તો ઠીક, નહિ તો પુણ્યકાર્ય માને છે.
આટલામાં દીપકની જીવનલીલા સમજી શકાય છે. દીપક અને રિક્ષાને છુટા પાડી શકાય તેમ જ નથી.
તે જ દીપકને સાયકલ પર આવેલો જોઈ નવાઈ લાગી.
મેં પૂછયું:' સાયકલ ક્યાંથી લાવ્યો ?'
તે કહે:' હતી જ. પડી રહી હતી. ઠોઠવાઈ ગઈ હતી. ગોઠવી, ખંખેરી ઝાપટીને ઉભી કરી. થોડોક ખર્ચ કરી ઠીક કરી. બસ હવે સાયકલ જ..'
રિક્ષા ?
નથી પોષાતી, દીપકે કહી દીધું : સવારે રિક્ષા બહાર કાઢીએ કે ગજવામાં સો, બસોથી ચારસો પાંચસો રૂપિયા હોવા જ જોઈએ. પેટ્રોલ, ગેસ, પોલીસ દંડ..'
તે કહે:' રિક્ષા પેટ્રોલ કે ગેસથી જ ચાલે છે. પણ રિક્ષાનું પેટ એટલે કે ટાંકી ભરેલી હોય છે, તો જ રિક્ષા દોડે છે.'
તેની આગળની વાત છે : ' દિવસભર સવારી મળે કે ન મળે ? સવારના સીંચેલા પૈસા પાછાં મળે કે નાંય મળે.' ક્રમશ : આજે વધતાં વધતાં પેટ્રોલના ભાવ એટલાં વધી ગયા છે કે પહેલાં રિક્ષાનું પેટ ભરવું પડે છે. કુટુંબ પછી. હરામખોરી કરવી નથી અને કરતાં આવડતી નથી. લોકોનેય હવે રિક્ષા પોષાતી નથી. બપોરના સમયે તો બેસી જ રહેવું પડે છે.
દૂર ગયા હોઈએ અને ઘરે પાછા ફરવાનું થાય તો સવારી ન યે મળે. ખાલી રિક્ષાય પેટ્રોલ તો ખાયજ ને. છેલ્લા કેટલાક વખતથી આવક સરભર થતી ન હતી. એટલે રિક્ષા મૂકી દીધી, સાયકલ શરૂ કરી. પહેલાં સાયકલ મૂકી રિક્ષા શરૂ કરી, હવે રિક્ષા મૂકી સાયકલ શરૂ કરી છે.
'પણ સાયકલથી કુટુંબનું જીવન ચાલશે ?' મેં પૂછયું.
એ કહે : દાદા પ્રગતિ કરતી સરકારને જ એ વિચારવા દો ને !''
- હરીશ નાયક