મનના ખોટા વિચારો અટકાવી સુખી બનો
માનવીનું મન કેટલીક વખત અંધ શ્રદ્ધા અને અનુકરણોમાં એટલું દોરવાઇ જાય છે કે, પછી પોતાની વિચારવાની કે નિર્ણયશક્તિ બંધ થઇ જાય છે
મનનો કંટાળો કાઢી એકાંત માણતા પણ શીખવું જોઇએ. દરેક વખતે બીજાની હાજરી ના પણ મળે. એકાંતમાં કુદરતના સાંનિધ્યમાં ઝરણાનો અવાજ, પંખીઓનો કલરવ, વહેતા પાણીનો ખળખળ અવાજ, પહાડોની વચ્ચે, લીલોતરીની વચ્ચે, જંગલમાં વગેરે માણવાનો આનંદ અને સુખ અનેરાં છે
મન હંમેશાં સુખ-સગવડો માટે તલસતું રહે છે. મર્યાદિત માત્રામાં આ સુખ-સગવડો વાપરીને આનંદ કરવાનો કોઇ વાંધો નથી. વિષયસુખ પણ ભગવાને જ નિર્મિત કરેલ છે
માનવ મન આ દુનિયાની સહુથી અદ્ભુત રચના છે. બુદ્ધિ અને મનની લડાઇ યુગોથી ચાલી આવે છે. બુદ્ધિ એટલે કે મગજ પાસે યાદશક્તિ, નિર્ણયશક્તિ, કૌશલ્ય, વગેરે બધું જ છે. જ્યારે મન પાસે અદ્ભુત લાગણીઓ, અને વિચારશક્તિ રહેલા છે, જે આ દુનિયામાં બીજા કોઇ પ્રાણી પાસે નથી. માનવમન સાચા, ખોટા અનેક વિચારોથી હંમેશાં ઘેરાયેલું જ રહે છે, તે એક સેકન્ડમાં ઊડીને લાખો માઈલનો પ્રવાસ ખેડી લે છે.
ઘડીકમાં ભારતમાં રહેલું મન, બીજી જ સેકંડે ઊડીને અમેરિકા જતું રહે છે, તેની ખબર જ નથી પડતી. વર્ષો જૂના ભૂતકાળમાંથી ક્યારે વર્ષો પછીના ભવિષ્યકાળમાં જતું રહે છે, તે પણ અદ્ભુત છે. માનવી સુખ અને દુ:ખનો અનુભવ મન દ્વારા જ કરે છે. જો મનના વિચારો સુખી બનાવનારા હશે તો સુખનો અનુભવ થશે, અને બીજી જ પળે જો મનમાં કોઇ દુ:ખદ વિચાર આવી જશે તો માણસ દુ:ખીદુ:ખી થઇ જશે. મન ક્યારેય ખાલી રહેતું જ નથી, તેમાં વિચારો આવ્યા જ કરે છે, તે હવા ભરેલા વાસણ જેવું છે, જે ક્યારેય ખાલી રહેતું જ નથી.
માટે જ હંમેશાં મનને સારા સુખદ વિચારો કર્યા કરે તે પ્રમાણે સેટ કરવું તમારા હાથમાં જ છે. જો કે કહેવું સરળ છે, પણ તેનો અમલ કરવો મુશ્કેલ છે. ફક્ત લાંબા ગાળાના પ્રયાસ પછી જ તેમાં સફળતા મળે છે. મનની એ નબળાઇ છે, કે તે હંમેશાં દુ:ખદ વિચારોને પહેલા યાદ કરી ચિંતા કર્યા કરે છે. માટે બને ત્યાં સુધી તે દુ:ખદ કારણનો પહેલાં ઉકેલ લાવવો જરૂરી છે. જો તે ઉકેલ શક્ય જ ના હોય તો શું કરવું ?
આપણું મન હંમેશાં ભવિષ્યમાં શું થશે તે જાણવા બહુ જ ઉત્સુક હોય છે. તેને માટે આપણે જ્યોતિષીઓ અને ભવિષ્યવેત્તાઓ, હસ્તરેખાશાસ્ત્રીઓ વગેરેને મળી સમય અને પૈસાનો બગાડ કરીએ છીએ, તેમાં વર્તમાનનો આનંદ પણ ગુમાવી દઇએ છીએ. જિંદગીમાં ભવિષ્યમાં શું થશે, તે કોઇ કહી શકતું નથી.
જે થવાનું છે, તે તો થઇને જ રહેશે, પછી તેની ચિંતા શા માટે ? તેનો ઉકેલ શું છે ? વર્તમાનને માણો. ભવિષ્યમાં જે થવાનું છે, તેનો સ્વીકાર કરો. ભવિષ્ય હંમેશા વર્તમાન વડે જ ઘડાય છે, માટે વર્તમાનને જ માણો. વર્તમાનકાળ જ ભવિષ્યકાળ બનીને રહેતો હોય છે.
જો હરિદ્વાર દર્શન માટે જતી બસને અકસ્માત થવાનો છે, તે ખબર પડી જાય તો કોઇ તેમાં બેસે ખરું ? પરંતુ તે માટેની સાવચેતી જરૂર લઇ શકાય. કોઇને ખબર પડી જાય કે મહિનામાં તેનું મોત થવાનું છે, તો તેનો મહિનો કેવો જાય ? આખો મહિનો તે મરી મરીને જીવે કે નહીં ? જૂનું જાણીતું મૂવી ''૧૦૦ ડેઝ''માં માધુરીને તેના ભવિષ્યનો અણસાર આવી જતો હતો, જેમાં તેનું મોત ખૂની વડે ૧૦૦ દિવસ પછી દેખાતું હતું, પણ તેને ખૂનીના સાથે ઘોડો, સિગાર, મૂર્તિ વગેરે દેખાતું હતું, તે ચિંતામાં ને ચિંતામાં બેહાલ થઇ જાય છે, પણ અંતે તો જે થવાનું છે, તે જ થાય છે. માટે જ મનને ભવિષ્યના બૂરા વિચારોમાં રાખી ચિંતા કર્યા કરવાની જરૂર નથી.
જે થવાનું છે, તે તો થઇને જ રહેશે, હા, તેને માટે સાવચેતી જરૂર રાખી શકાય. પાંચ પાંડવોમાં સહદેવને ભવિષ્યનો લાંબો ખ્યાલ આવી જતો હતો, પણ તેને કંઇ પણ કહેવાની મનાઇ હતી. આપણે ત્યાં તો વેધર ફોરકાસ્ટમાં આવે કે, આ વર્ષે વરસાદ પુષ્કળ થશે, આપણે ખૂબ જ આશાવાદી બની જઇએ, પણ તેને બદલે દુકાળ પડી જાય, તો કરવું શું ? તેને બદલે જેમ ચાલે છે, તેમ નિયમિત કરતાં રહેવું એ જ સાચો નિર્ણય કહેવાય.
આપણું મન બીજાઓ પાસેથી અપેક્ષાઓ બહુ જ રાખે છે, બીજાઓ પાસેથી આપણે કરેલા કામની કે, પછી આપણે આપેલા ભેટ, બક્ષિસ વગેરેને પરત લેવાની અપેક્ષા રાખવી, એ જીવનમાં દુ:ખ ઉત્પન્ન કરવાનું મોટું કારણ છે. આપણે કોઇ સગાનાં દરેક પ્રસંગે હાજર રહીને બધું જ કર્યું હોય, પછી આપણે પણ તે હાજર શહી બધું જ કરે, તેવી અપેક્ષા રાખતા થઇ જઇએ છીએ. કોઇ કારણસર તે આવી ના શકે, કે પછી મોડા આવે તો પણ આપણે ગુસ્સે થઇ જઇએ છીએ.
આપણે તેના લગ્ન પ્રસંગે પાંચ હજારની ભેટ આપી હોય, તો આપણે પણ આપણા લગ્ન પ્રસંગે તેટલી જ અપેક્ષા રાખીએ છીએ. જો તેને પોષાય તેમ ના હોય, અને ઓછી ભેટ આપે તો આપણે ગુસ્સે થઇ સંબંધો બગાડી, દુ:ખી થઇ જઇએ છીએ. ખરેખર જોવા જઇએ, તો આવી અપેક્ષા રાખવી તે એક પ્રકારનો સોદો જ છે. સામી વ્યક્તિ આપણે કરેલો વ્યલહાર ના પણ કરી શકે, દરેકને પોષાય તેટલું જ આપી શકે, કે કરી શકે, પણ તેની અપેક્ષાઓ રાખી દુ:ખી થવા જેવું નથી.
મનમાં એક વખત લઘુતાગ્રંથિના વિચારો ચાલુ થાય પછી માણસ તેનાથી પીડાવા લાગે છે અને સુખ દૂર થઇ જાય છે. પેલા કરતાં મારો પગાર ઓછો કેમ છે, મારો ફ્લેટ પેલા કરતાં નાનો કેમ છે, પેલાની પત્ની કેટલી સુંદર છે, મારા કરતાં સુરેશને વધારે માર્કસ કેમ આવે છે, આમ સરખામણી કરતાં મનમાં જ લઘુતાગ્રંથિ બંધાવા લાગે છે.
પણ ખરેખર તો સરખામણી કરવા જેવી નથી. દરેક પોતપોતાની આગવી વિશિષ્ટતા ધરાવે છે, તેમાં જ તેની સફળતા છે, તેથી આવી લઘુતાગ્રંથિથી દુખી થવાની જરૂર નથી. આવી જ રીતે કેટલીક વખત ગુરુતાગ્રંથિ આવી જતાં માણસમાં અભિમાન અને અહંકાર આવી જાય છે. મારો પગાર આખા કુટુંબમાં સહુથી વધારે છે, આખા ગામમાં મારા જેટલો પૈસાદાર કોઇ નથી, હું કરું તો જ આ કામ થઇ શકે, નહીંતર નહીં, મનમાંથી હું કરું એ અહંકાર કાઢવો જ રહ્યો. કારણ કે, હું કરું હું કરું, એજ અજ્ઞાાનતા, સંકટનો ભાર જે શ્વાન તાણે.
ગાડાની નીચે ચાલતા કૂતરાને એમ થાય છે કે, ગાડાનો ભાર હું જ વહન કરું છું, પણ હકીકત કંઇક જુદી જ છે. આ દુનિયા ક્યારેય તમારા વગર રોકાઇ નથી, આજે નહીં ને કાલે કોઇ તો તમારા કરતાં વધારે પગારવાળો આવવાનો જ છે, કોઇ તો વધારે પૈસાદાર થવાનો જ છે, ત્યારે દુ:ખી જ થવાનું ને ! તેથી કોઇની સાથે સરખામણી કરવાનો કે, લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિથી પીડાવાનો કોઇ જ અર્થ નથી. મનનો આ ભાવ જ અંતે તમને સુખી અને દુ:ખી બનાવે છે.
માનવીનું મન કેટલીક વખત અંધ શ્રદ્ધા અને અનુકરણોમાં એટલું દોરવાઇ જાય છે કે, પછી પોતાની વિચારવાની કે નિર્ણયશક્તિ બંધ થઇ જાય છે. આપણે ત્યાં નાના-મોટા ચમત્કારો કરીને બાવાઓ, ગુરુઓ, બાપુઓ એટલો પ્રભાવ જમાવે છે કે, મન તેની પાછળ સાચી વાત માનવા પણ તૈયાર થતું નથી.
ખોટા ગુનાહિત કાર્યોને પણ આપણે બાબાનો આદેશ પાળવા અનુસરીએ છીએ, અંતે છેતરપિંડી, બળાત્કાર વિગેરે ગુનાઓ બાબા આચરે પછી આપણને ભાન થાય છે, અને આપણે દુ:ખી થઇ જઇએ છીએ. તેને બદલે મનમાં ખોટી અંધશ્રદ્ધા કે અનુસરણને પેસવા જ ના દઇએ, તો દુ:ખી થવાનો વખત જ ના આવે. ગુરુને રાખવાનું મુખ્ય ધ્યેય ઈશ્વરપ્રાપ્ત છે, બાબાની પૂજા નહીં, આ બાબત ના ભૂલાય. આપણે બાબાના પ્રભાવમાં આવી જઇ અંતે દુ:ખી જ થઇએ છીએ.
મનમાં એક વખત બદલો લેવાની ભાવના મક્કમ બને પછી, બદલો લેવાય ના જાય ત્યાં સુધી માણસ સુખને ભૂલી જ જાય છે. પોતાને થયેલ અન્યાયનો બદલો લેવો તે સારી બાબત છે, પણ પછીથી તેમાં જ રચ્યાપચ્યા રહેવાથી મન બીજા કોઇ આનંદમાં લાગતું જ નથી. સમાજમાં થતાં ગુનાઓ જેવાકે ખૂન, બળાત્કાર, મારામારી વગેરે સામે અવાજ ઊઠાવી, કેસ કરી બદલો લેવા સારી વાત છે.
જેથી સમાજમા ગુનાખોરી ઘટે અને ગુનેગાર જેલમાં જાય. પણ પછી તેની લાયમાં કાયદો હાથમાં લઇ ખોટી મારધાડ કરવી પણ યોગ્ય નથી. આપણે ત્યાંની કાયદાકીય કાર્યવાહી એટલી લાંબી અને કંટાળાજનક છે, કે કેટલીક વખત માણસ બદલો લેવાની લાયમાં આખી જિંદગીનું સુખ ગુમાવી બેસે છે. તેને બદલે એક વખત કેસ થઇ જાય પછી કાયદાને કાયદાનું કામ કરવા દો. તમે તે બાબત પરથી મન હટાવી દો. તો જ સુખી થવાશે. એકનો બદલો, તેની જ જાતિના કે ધર્મના માણસને મારવાથી મળતો જ નથી.
મન હંમેશાં સુખ-સગવડો માટે તલસતું રહે છે. મર્યાદિત માત્રામાં આ સુખ-સગવડો વાપરીને આનંદ કરવાનો કોઇ વાંધો નથી. વિષયસુખ પણ ભગવાને જ નિર્મિત કરેલ છે, અને આનું દમન કરવાનો કોઇ જ અર્થ નથી, ઉપરથી તેનાથી તો દુ:ખી થવાશે. પણ તેમાં જ રચ્યાપચ્યા રહી મન તેમાં જ ખેંચાયા કરે, અને જરાક અગવડ આવતાં કે શારીરિક સુખ ના મળતાં મન દુ:ખી થઇ જાય તે નકામું છે.
ભૌતિક સુખ વર્તમાનમાં રહી, માણી લેવાનો કોઇ જ વાંધો નથી. પણ તેના અતિરેકથી અંતે નુકસાન થઇ દુ:ખી થવાશે. નશાકારિક દવાઓ, વ્યસનો, દારૂ, ધૂમ્રપાન વગેરે બધું જ શરૂઆતમાં સુખ આપનારું લાગે છે, પણ પછીથી મનમાં તે જ છવાઇ જાય, તો અંતે મન અને શરીરને નુકસાન કરી દુ:ખી જ થવાય છે. સુખ સગવડો હોય, ત્યાં સુધી ભોગવો, પણ તેના વગર ચાલે જ નહીં, તો મન દુ:ખી દુ:ખી થઇ જશે. તેને બદલે ફાવશે, ચાલશે, ગમશે, અને ભાવશેની નીતિ અપનાવવા જેવી છે. તો મન ક્યારેય દુખી નહીં થાય.
એકાંતમાં કુદરતના સાંનિધ્યમાં ઝરણાનો અવાજ, પંખીઓનો કલરવ, વહેતા પાણીનો ખળખળ અવાજ, પહાડોની વચ્ચે, લીલોતરીની વચ્ચે, જંગલમાં વગેરે માણવાનો આનંદ અને સુખ અનેરાં છે. કંટાળો અને એકલતા દૂર કરી એકાંત માણવાની મજા પણ માણવા જેવી છે. માણસ આ દુનિયામાં એકલો જ આવ્યો છે, અને એકલા જ જવાનું છે, તે વાત યાદ રાખવાથી, ક્યારેય એકલતાનો કંટાળો નહીં આવે.
લાસ્ટ સ્ટ્રોક
મન ખોટા વિચારોમાં ચડી કંટાળો કે એકલતા અનુભવે, ભૌતિક સુખો પાછળ ગાંડુ થઇ જાય, બદલો લેવા પ્રેરાય, લઘુતાગ્રંથિ કે ગુરુતાગ્રંથિ અનુભવે, અંધશ્રદ્ધામાં આવી જાય, ખોટી અપેક્ષાઓ રાખે, ભૂતકાળમાં કે ભવિષ્યમાં પહોંચી ખોટા વિચારે દુ:ખી થાય, તે તમામ કારણોને સમજી વિચારીને દૂર કરી શકાય, તો સુખી થવું સહેલું છે.
- હર્ષદ વી. કામદાર