પકોડીવાળો રાજુ .
મારી આશ્કાને આમાં રહેવું ફાવશે કે નહીં ? તે વિચારી રોજ તે રૂમમાં ટાપટીપ કર્યા કરતો. બુઢી મા વિચારમાં પડી જતી કે આ દિવસે કોના વિચારોમાં ખોવાયેલો રહે છે?
'મને દશ રૂપિયાની પાણીપુરી આપજો. મીઠી ચટણી અને બટાકા વધારે નાખજો.' સુંદર સ્વરમાં વીસ વરસની સુંદરીએ કોલેજથી છુટી સામે જ ઊભેલા યુવાન પાણીપુરીવાળાને ઓર્ડર કર્યો.'
'હા, મેડમ હું તમારે માટે સ્વાદિષ્ટ પાણીપુરી સ્પેશિયલ બનાવું છું.' કહેતા રાજુ મુડમાં પાણીમાં ચમચો હલાવવા લાગ્યો.
તેની ભેળપુરીની લારી એમ.વી. કોલેજ ઓફ આર્ટસની સામે જ વર્ષોથી ઊભી રહેતી. છ મહિના પહેલા જ તેના પિતાશ્રીનું અચાનક એટેકથી અવસાન થતાં તેણે કોલેજનું ભણતર છોડી ગુજરાન ચલાવતા લારી સંભાળી લેવી પડી હતી. ચોવીસ વરસનો યુવાન રાજુ યુ.પી. સાઇડનો હોવાથી રૂપાળો અને માચોમેન જેવો દેખાતો, તે કોઇ પણ યુવતીને આકર્ષી જતો હતો. આર્ટસ કોલેજમાં મોટાભાગે છોકરીઓ જ વધારે હતી, છોકરીઓને ચટાકેદાર પાણીપુરી અને ચટણીપુરી પહેલેથી આકર્ષી રહ્યા છે.
વીસ વરસની આશ્કા સેકન્ડયરમાં ભણતી સુંદર યુવતી હતી. તેને પોતાની પાછળ છોકરાઓ લબડાવવાનું બહુ ગમતું. પુરૂષોને તેની આગળ પાછળ ભમતા રાખવાનો શોખ હતો. પાણીપુરીવાળાનો મુડ જોઇ તેને પણ લબડાવવા, પુરી લેતી વખતે તેના કોમળ હાથથી રાજુને સ્પર્શ કરી દીધો. રાજુ રોમાંચિત થઇ ગયો. પહેલી વખત સુંદર યુવતીના સ્પર્શથી તેના રોમરોમમાં રક્તપ્રવાહ વધી ગયો. સામે આશ્કાએ ધીમેથી સ્માઇલ આપ્યું અને રાજુ થઇ ગયો ઘાયલ.
પછી તો રાજુ તેનાજ વિચારોમાં ખોવાઇ જવા લાગ્યો. ઘરે પણ દિવસરાત તેનાજ વિચારોમાં બેસી રહેતો. સુંદર મોંઘુ પરફયુમ અને ફેર એન્ડ લવલી ક્રીમ પહેલી વખત લાવીને ઉપયોગમાં લેવા માંડયો. કપડાં અપટુડેટ બનાવાની ફિરાકમાં ફાટેલું શર્ટ માને સાંધવા આપી દીધું અને મોંઘા ભાવનું જીન્સનું પેન્ટ ખરીદી લીધું. તેની મા આટલા બધા ખર્ચા રાજુ કેમ કરે છે, તે સમજી શકતી નહોતી. તે વિચારવા લાગી, હવે મારે યૂ.પી.ના ગામમાં જઈ સારી વહુ શોધવી પડશે, પણ તેને ક્યાં ખબર હતી તેનો દીકરો અહીંની કોલેજની લલના પાછળ પાગલ બની ગયો છે.
પછી તો તેમનો રોજનો ક્રમ થઇ ગયો. રાજુ તેની સાથે ભવિષ્ય ગાળવાના સોનેરી સપનામાં ખોવાઇ જવા લાગ્યો. તેના સપનામાં હવે આશ્કા સિવાય કોઇ નહીં. તેની વિધવા માતાને રાજુમાં આવેલા પરિવર્તનની નવાઇ લાગી. રાજુ, આખો દિવસ કોના વિચારમાં ખોવાયેલો રહે છે ? તેને ક્યાં ખબર હતી, તેના બેટાને લવેરિયા થઇ ગયો હતો. તેને ધંધામાંથી પણ રસ ઊડી ગયો હતો.
દરરોજ આશ્કા પાણીપુરી ખાવા કોલેજથી છુટીને પહોંચી જતી. રાજુ તેને માટે સ્પેશિયલ રસ લઇને પાણીપુરી અને ચટણીપુરી બનાવતો, અને પૈસા લેવાના જ નહીં. આશ્કાને તો મફતમાં રોજ પાણીપુરી, ચટણીપુરી ને પેટીસ રગડા ખાવાની મજા પડી ગઈ. પછી તો તેની ખાસ બહેનપણી અનુને પણ લઇ જવા લાગી. રાજુ જોડે થોડી મજાક અને જાણી જોઇને હાથનો સ્પર્શ તથા સ્માઇલથી રાજુ ઘાયલ હતો.
રાજુ રોજ રાત્રે સૂતા પહેલા પોતાની માશુકાને લગ્ન પછી કઇ રીતે સાચવવી તેની ચિંતામાં હતો. એક રૂમની ખોલીમાં બુઢીમાને તો યુ.પી.ના ગામડે મોકલી એકાંત મળી જશે, પણ મારી આશ્કાને આમાં રહેવું ફાવશે કે નહીં ? તે વિચારી રોજ તે રૂમમાં ટાપટીપ કર્યા કરતો. બુઢી મા વિચારમાં પડી જતી કે આ દિવસે કોના વિચારોમાં ખોવાયેલો રહે છે ? તેને ક્યા ખબર હતી તેની માશુકાની સાથેના સુખી ભવિષ્યના વિચારોમાં તેનો બેટો ખોવાઇ ગયો છે.
વેલેન્ટાઇન ડે નજીક આવી રહ્યો હતો. રાજુ પંદર હજારનો નવો સેમસંગ મોબાઇલ ભેટ કરી પોતાના પ્યારનો એકરાર કરવા તૈયારીમાં લાગી ગયો. પોતાના નવા કપડાં દિવાળી પર લાવવાને બદલે પૈસા ભેગા કરતો ગયો. મા એ પૂછયું, 'બેટા, દિવાળી પર નવા કપડાં અને બુટ નથી લેવા ?'
'ના મા, હું તો મહિના પછી નવો મોબાઇલ લઇશ.' કહેતા તેના મોંમાં લાળ ઝરવા લાગી. બુઢી મા તેના જવાન બેટામાં બદલાતા લક્ષણોથી ખુશ થવું કે ચિંતિત તે નક્કી નહોતી કરી શકતી.
દશમી ફેબુ્રઆરીની સાંજે માંડ રાજુની બચત ચૌદ હજાર રૂપિયા હતી, તેમાથી સુંદર, નવા જ મોડલનો સેમસંગ મોબાઇલ ખરીદતા રાજુ ભવિષ્યના સુંદર સપનામાં ખોવાઇ ગયો.
વેલેન્ટાઇન ડે ની સવારે નવા મોબાઇલનું બોક્ષ લઇ તે પોતાની પ્રેમીકાને સરપ્રાઇઝ આપવા કોલેજના કંપાઉન્ડમાં ઘુસ્યો. મોટા ઝાડના ઓટલે આશ્કા અને અનુ બેઠા હતા. પીઠ પાછળ ધીમે પગલે રાજુ આવી તેની વાતચીત સાંભળવા લાગ્યો. અનુએ કહ્યું, 'અલી, આજે તો તને કેટલાય લબડું ગિફ્ટ દેવા આવશે, પેલો પકોડીવાળો પણ તારા ઉપર લબડે છે.'
આશ્કા હસી પડી, 'એ ગાંડીયો છે, હું તેની પાસેથી મફતમાં પાણીપુરી ખાવા દરરોજ લબડાવીને લાઇન મારવાનો દેખાવ કરું છું. બાકી મને આપણી કોલેજનો માશુક બહુ ગમે છે.'
આ સાંભળતા જ રાજુના હાથમાંથી મોબાઇલ પડી ગયો. અવાજ સાંભળી પાછળ જોતાં બંને ચમકી ગયા.
રાજુની આંખોમાં ઝળઝળિયા સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. બંને સખીઓ પોતાની વાત રાજુ સાંભળી ગયો, જાણી ભોઠાં પડી નીચું જોઇ ગયા.
'રાજુ, હું તો મજાક કરતી હતી, તારો ને મારો લગ્ન માટે મેળ પડે તેમ જ નથી, આ તો ટાઇમ પાસ કરતી'તી, તું મને ભૂલી જજે.' કહેતા આશ્કાએ સફાઇ પેશ કરી.
રાજુના ચુર થઇ ગયેલા અરમાનોના ટુકડા નીચે પડેલા મોબાઇલના તૂટેલા કાચમાં પ્રતિબિંબ થતાં હતા, તે રાજુના આંસુમાં ધોવાઈ ગયા.
- હર્ષદ કામદાર