માનવતાનું કામ .
આજે પહેલી વખત તખુભા જમાદારને પણ દિલમાં ટાઢક વળી. તેણે મનમાં વિચાર્યું, ''વાહ ! આજે એક સારૂ માનવતાનું કામ મારા હાથે થયું.''
આખી રાતના ઉજાગરા અને ચિંતાથી તખુભા જમાદાર આજ સવારથી બેચેન હતા. તેના એકના એક ચાર વરસના મુન્નાને પાંચ દિવસથી તાવ ઉતરતો જ ન હતો. હસતો રમતો મુન્નો પાંચ દિવસના તાવથી સાવ લેવાઈ ગયો હતો. છેલ્લા બે દિવસથી તો તેણે ખાવા, પીવાનું પણ બંધ કરી દીધું હતું. તખુભા અને તેમના પત્ની રમાબા આખી આખી રાત મુન્નાને લઈને બેસી રહેતા હતા.
પાંચ દિવસ પહેલા શરદી, કફ અને તાવ ચાલુ થયા, એટલે તેમના ફેમિલી ડૉક્ટરે સાદો શરદીનો તાવ કહી દવા ચાલુ કરી હતી. પરંતુ તાવે મચક ના આપતાં બે દિવસ પહેલા જ બાળકોના ડૉક્ટરને કન્સલ્ટ કરવા લઈ ગયા. લોહીની તપાસ, છાતીનો એક્સરે, વિગેરે રિપોર્ટ કરાવીને દવાઓ ચાલુ કરી, છતાં તાવ મચક આપતો ન હતો.
આગલી રાતે તખુભાએ કન્સલ્ટિંગ ડૉક્ટરને ફોન કરતાં, તેમણે હવે સ્વાઇન ફલ્યુ, ડેન્ગ્યુ વિગેરે ગંભીર રોગ પણ હોઈ શકેની શક્યતા દર્શાવી જરૂર પડે દાખલ થઈ, સારવાર અને વધારાની તપાસ પણ કરાવવી પડશે એમ સલાહ આપી. તખુભા અને તેમના પત્ની રમાબા આ સાંભળી ઢીલાઢફ થઈ ગયા. તખુભા મનમાં બબડયા પણ ખરા, ''કેવા નવાનવા રોગો વધતા જ જાય છે !''
રમાબાએ તેમના પતિને કહ્યું ''તમારે હજુ બીજી રજા લેવી પડશે.'' તખુભા તેમના પોલીસ સ્ટેશન પર ગયા, અને ઈન્સ્પેક્ટર સાહેબ પાસે વધારાની રજા માગી.'' હજુ ચાર રજા તો હમણા જ લીધી, હજુ કેટલી રજા આપું ? કહીને સાહેબે જમાદારને ખખડાવી નાખ્યા.
''સાહેબ બાબાને તાવ હજુ ઉતરતો જ નથી. રજા આપો તો સારૂ'' જમાદાર કરગરતા બોલ્યા. ''જુઓ, એક વાર ના પાડીને ! શહેરની હાલત તો જુઓ. ચારે તરફ અકસ્માતો અને આંધાધૂંધી ફેલાયેલા છે, એમાં તમારી રજા મંજૂર ક્યાંથી કરૂ ?'' હવે સાહેબ બરાબરના બગડયા હતા.
જમાદાર લાચારીથી સાહેબ સામે જોઈ રહ્યા. પરાણે ફરજ પર હાજર તો થયા પણ તેમનું ધ્યાન તો મુન્નાની બીમારીમાં જ હતું. ગઈકાલે જ તેમની માતાના કહેલા શબ્દો તેમણે યાદ આવ્યા.
''તખુભા બેટા, તમે પોલીસવાળા આખો દી મારામારી, બળાત્કાર અને ચોરીની જ વાતો કરો છો, એમાંય પાછા ગરીબ હોય કે પૈસાદાર પૈસા તો લેવાના જ, પછી ક્યાંથી તારો છોકરો સારો થાય ? કોઈક તો માનવતાનું, ભલાઈનું કામ કરો.''
તખુભા મનમાં ગરમ થયા. ''મારી માને તો ધરમ કરમ સિવાય કંઈ સૂઝતું જ નથી. પોલીસવાળાને બન્ને પાર્ટી સામેથી રૂપિયા આપે તો ના થોડી પડાય ? તેને કાંઈ સમજ તો પડતી નથી. આમાં હું શું માનવતાનું કામ કરૂં ??''
વિચારોના વમળમાં અને ચિંતાના ઉદ્વેગમાં જમાદાર ચોકીમાંથી ડંડો લઈને ફરજ ઉપર બહાર નીકળ્યા. મુન્નાની બીમારીની ચિંતામાં તેમણે કાંઈ સૂઝતું ન હતું. જો મોટી હોસ્પીટલમાં દાખલ કરવો પડે તો બીજા પૈસા ક્યાંથી આવશે, પગાર તો આ બીમારીમાં ખલાસ થઈ ગયો હતો. કોઈ સારો કેસ હાથમાં આવી જાય તો સારા પૈસા મળશે, તેની લાલચ અને ચિંતામાં તે ચાલી રહ્યાં હતા. થોડુક ચાલ્યા હશે, અને દુરથી બૂમ સંભળાઈ, ''ચોર ચોર, પકડો, પકડો.''
દુરથી એક આધેડ સ્ત્રી દોડતી આવતી હતી. તેના થીંગડા મારેલા કપડાં, તૂટલા ચંપલ, લઘરવઘર દેખાવ તેની ગરીબીની ચાડી ખાતાં તા, તે હાથમાં મેલી થેલીમાં કંઈક દબાવીને ભાગતી હતી.
જમાદારે તેને જોતા જ તેને પકડવા ડંડો લઈને દોડયા. તેણે વિચાર્યું ''આ ભિખારણ કોઈકનો દાગીનો ચોરીને ભાગતી લાગે છે.''
જમાદારે દોડતા દોડતા બૂમ મારી ''એય ઊભી રહે, નહિતર આ દંડો તારો સગો નહિ થાય.''
પણ બાઈ તો દોડતી જ રહી. હવે જમાડના મનમાં ખુન્નસ ચડી ગયું. તેણે વિચાર્યું ''આ દાગીના ચોરને હું પકડી પાડું તો સાહેબ ખુશ થશે, અને મારી રજા મંજૂર કરશે.'' વાત તે સાચી હતી, આ ઉપરાંત પૈસા પણ મળે તેમ હતું.
ગુસ્સામાં તેમણે દંડો જોરથી તેના પગ ઉપર ફેંક્યો. ભિખારણને વાગતા જ આહ બોલીને તમ્મર ખાઈને પડી જમીન ઉપર.
તેના હાથ ખૂલી ગયા. થેલીમાંથી એક દવાની બાટલી બહાર ફેંકાઈ ને તુટી ગઈ. અંદરથી દવાનો રેલો આલ્યો રસ્તા ઉપર !
જમાદારે ભિખારણને પકડી જોરથી દંડો પછાડયો. ''શું ચોરીને જતી
હતી ?''
ભિખારણ હાથ જોડીને રડી પડી સાહેબ, મારો ત્રણ વરસનો લાલો ચાર દિવસથી તાવમાં વલવલી રહ્યો છે. તેને માટે આ તાવની દવા સામેની દુકાનથી ચોરીને ભાગતી હતી.
''તો વેચાતી ના લેવાય ?'' જમાદાર ગુસ્સામાં બરાડયા.
''સાહેબ મારા લાલાથી વધારે શું છે ? પણ ફક્ત ચાલીસ રૂપિયાની દવા જેટલાય રૂપિયા મારી પાસે હોત તો ચોરી શું કામ કરત ?'' ભિખારણે રડતાં રડતાં ખુલાસો કર્યો.
જમાદારને તેની લાચારી અને ગરીબીનો ખ્યાલ આવી ગયો. તેમણે પસ્તાવો થવા લાગ્યો. ''અરે ! આટલી નાની ચોરી માટે મે તેને દંડાથી ફટકારી આટલી મોટી સજા કરી ?''
રડતાં રડતાં ભિખારણ જમાદાર સામે કરગરી પડી. ''સાહેબ, હવે મારાથી તો ઊભા થવાય તેમ નથી પણ મારૂ એક કામ કરશો ?''
''શું છે ? ચોરી કરીને પાછું કામ કરાવવું છે ?'' જમાદારને નવાઈ લાગી.
''સાહેબ સામેની ચાલીમાં ત્રીજું ઝપડુ મારૂ છે. તેમાં મારો લાલો તાવથી ફફડી રહ્યો છે. આ તાવની દવા લઈને એક ચમચી તેને પીવડાવી આવોને, ભગવાન તમારું ભલું કરશે.''
જમાદારને એકદમ માતાના શબ્દો યાદ આવી ગયા. ''કંઈક તો માનવતાનું કામ કરો.''
જમાદારને પણ તાવમાં ફફડતો તેમનો મુન્નો યાદ આવી ગયો. તેમણે ભેગા થયેલા ટોળાને વિખેરી સામેની દવાની દુકાને ગયા. તાવની દવા, બિસ્કિટ અને ચા લાવીને ભિખારણના ઝૂપડામાં પહોંચી ગયો. ઝૂપડાની હાલત જોઈ તે પણ ચક્તિ થઈ ગયો. એક બે વાસણ અને ફાટેલા બે કપડાં સિવાય ત્યાં કાંઈ નહતું. ફાટેલી શેતરંજી ઉપર લાલો તાવમાં ફફડી રહ્યો હતો. તેનું શરીર તાવથી ધગધગી રહ્યું હતું, આંખો ખૂલતી નહતી, બિલકુલ નબળે પડી અર્ધ બેભાન જેવો થઈ ગયો હતો. તખુભાએ શાંતિથી લાલાને બેઠો કરી ચા બિસ્કિટ ખવડાવ્યા, અને એક ચમચી તાવની દવા પીવડાવી. મુન્નાના જીવમાં જીવ આવ્યો. પાંચ મિનિટમાં તેને તાવમાં આરામ પડવા લાગ્યો. ચા અને બિસ્કિટ ખાવાથી તેનામાં તાકાત આવી.
આજે પહેલી વખત તખુભા જમાદારને પણ દિલમાં ટાઢક વળી. તેણે મનમાં વિચાર્યું, ''વાહ ! આજે એક સારૂ માનવતાનું કામ મારા હાથે થયું.'' રોજ લોકો પાસેથી પૈસા પડાવતા જમાદાર આજે પોતાના સારા કામથી ખુશ હતા.
જિંદગીમાં પહેલી વખત તેમણે પોતાના પૈસે તહોમતદારના બાળકને મદદ કરી હતી, તેનો આનંદ અને ચમક તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાતા હતા. તેમણે મનમાં વિચાર્યું, ''આજે હું વટથી માને કહીશ કે મે એક માનવતાનું કામ કરેલ છે. તેનો આનંદ કંઈક જુદો આવે છે.'' આમ વિચારતાં વિચારતાં જમાદાર ઝુપડાની બહાર નીકળ્યાં ત્યાં તો તેમનો મોબાઈલ રણક્યો, તેમની પત્ની રમાબાનો અવાજ હતો. ''સાંભળો, હમણાં પાંચ મિનિટથી જ આપણા મુન્નાનો તાવ ઉતરીને નોર્મલ થઈ ગયો છે. અને હવે તે ખાવા બેઠો છે ?''
''શું વાત કરે છે ??'' જમાદાર ઉછળી પડયા. ખરેખર તેને તેની માની વાતમાં તથ્ય જણાયુ.
બહાર દૂર ઊભી રહેલી માનવભીડ પહેલી વખત પોલીસનું આવું માનવતાભર્યું કામ જોઈ ચકિત થઈ રહી હતી. બધા વિચારતા હતા, આ જમાદાર સાવ નરમ કેમ થઈ ગયા ?
દુર પડેલી લંગડી ભિખારણ જમાદાર ઉપર મનથી આશીર્વાદ વરસાવી રહી હતી.
- હર્ષદ કામદાર