પ્રિયંકાના ફ્લોપ બોયફ્રેન્ડથી સફળ પ્રોડયુસર સુધીની હર્મનબાવેજાની સ્ટોરી

- સુખી દાંપત્યજીવન ગાળતા હર્મન અને શાશાને બે બાળકો પણ છે. બાય ધ વે, ઈન્ટરનેશનલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરાએ આજે પણ બાવેજા સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળ થવા તમને નિષ્ફળતા પચાવતા આવડવી બહુ જરૂરી છે. તમે પ્રોડયુસર હો, ડિરેક્ટર હો, રાઈટર હો કે એક્ટર હો - એક યા બીજા તબક્કે તમને નિષ્ફળતા મળવાની જ છે. એ તબક્કો હિંમતથી પસાર કરી તમે આત્મવિશ્વાસ સાથે ફરી પુરુષાર્થ કરવા મચી પડો એટલે વહેલી-મોડી તમને સક્સેસ મળે જ. એક્ટર-પ્રોડયુસર હર્મન બાવેજાનો દાખલો આપણી સામે છે. હર્મને બે દાયકા પહેલા પોતાના પ્રોડયુસર પિતા હેરી બાવેજાની બિગ બજેટ સાયંસ ફિક્શન ફિલ્મ 'લવ સ્ટોરી ૨૦૫૦'થી એક્ટર તરીકે ડેબ્યુ કર્યું. કમનસીબે, પ્રિયંકા ચોપરા સાથેની એની ફિલ્મ ફ્લોપ ગઈ. ત્યાર બાદ એણે પ્રિયંકા ચોપરા સાથે 'વ્હોટ ઈઝ યોર રાશિ' (૨૦૦૯) ઉપરાંત 'વિકટરી', 'ઢિશ્કિયોં' અને 'ઈટ્સ માય લાઈફ' જેવી ફિલ્મોમાં એક્ટર તરીકે નસીબ અજમાવી જોયું પણ નિષ્ફળતાએ એનો સાથ ન છોડયો.
છ ફૂટ ઊંચો હર્મન એ વખતે બોલિવુડના એક હેન્ડસમ સ્ટાર તરીકે જાણીતો હતો. દેખાવમાં એ હૃતિક રોશનને ઘણો મળતો આવતો હતો. એને લોકો પહેલા પ્રિયંકા ચોપરા (પીસી) અને પછી બિપાશા બાસુના બોયફ્રેન્ડ તરીકે વધુ ઓળખતા. હર્મનનું એની કો-સ્ટાર પીસી સાથે લગભગ બે વરસ અફેર ચાલ્યું. પીસી સાથેના બ્રેકઅપ બાદ બાવેજાનો અમિતાભ બચ્ચનના ૭૦મા બર્થ ડેની ઉજવણી દરમિયાન બિપાશા બાસુ સાથે ભેટો થઈ ગયો. બાસુ પોતે કબુલી ચુકી છે કે એણે બાવેજા સાથે લગભગ છ મહિના ડેટિંગ કર્યું હતું. ઇન્ડસ્ટ્રીમાં કોઈ કોઈનો કાયમી મિત્ર નથી હોતો. એક્ટર નિષ્ફળ જાય તો એ ઝડપથી પોતાના મિત્રોનો સંગાથ ગુમાવે છે. એ ન્યાયે હર્મનની બંને જાણીતી ગર્લફ્રેન્ડસ પણ એને છોડી ગઈ. એક્ટર તરીકે એણે થોડા વરસો ઘરે બેસવાનો વારો આવ્યો. પરંતુ હિંમત હારે એ બીજા. હર્મને તાજેતરમાં સાન્યા મલ્હોત્રાની ઓટીટી પર રિલિઝ થયેલી મૂવી 'મિસીસ' સાથે પ્રોડયુસર તરીકે સફળ પુનરાગમન કર્યું. એ ઉપરાંત વેબ સીરિઝ 'સ્કૂપ'માં એક્ટર તરીકે એના પરફોર્મન્સની પણ નોંધ લેવાઈ.
બીજી ઈનિંગમાં બાવેજાને કાર્તિક આર્યન અને રાજકુમાર રાવ જેવા યુવાન ડિપેન્ડેબલ એકટર્સનો પણ સાથે મળ્યો છે. એ કાર્તિક સાથે 'કપ્તાન ઈન્ડિયા' નામની ફિલ્મ બનાવી રહ્યો છે, જેમાં ટી-સીરિઝ જેવી જાયન્ટ મ્યુઝિક કંપની એની પાર્ટનર છે. જ્યારે રાજકુમાર રાવ સાથે હર્મન કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ સાથે મળીને ૬૦ કરોડના બજેટમાં એક બીજી મૂવી બનાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છે.
આ બધી વાતોથી માહિતગાર હર્મનના એક શુભેચ્છક પ્રોડયુસર-ડિરેક્ટર અનામ રહેવાની શરતે કહે છે, 'હર્મનના ડેડી હેરી બાવેજા ઈન્ડસ્ટ્રીના એક સફળ અને ખુશમિજાજ પ્રોડયુસર હોવાથી બોલિવુડમાં એની ઘણી ગુડવિલ છે. હેરી સર દિલવાલે અને દિલજલે સહિત અજય દેવગન જેવા મોટા સ્ટાર સાથે ૫ ફિલ્મો બનાવી ચુક્યા છે. ૭૦ વરસના હેરીજી હવે સ્વાસ્થ્યના કારણોસર લગભગ નિવૃત્ત જેવા છે. એટલે હર્મને પરિવારના પ્રોડક્શન હાઉસ બાવેજા સ્ટુડિયોઝનો ચાર્જ સંભાળી લીધો છે. ઈન શોર્ટ, એના કરિઅરનો બીજો અધ્યાય શરૂ થઈ ગયો છે અને એ ખાસ્સો સફળ પણ છે. અંગત જીવનમાં પણ ૪૫ વરસનો હર્મન બાવેજા કોલકત્તાની વેલનેસ કોચ શાશા રામચંદાની સાથે લગ્ન કરીને ઠરીઠામ થઈ ગયો છે. સુખી દાંપત્યજીવન ગાળતા હર્મન અને શાશાને બે બાળકો પણ છે. બાય ધ વે, ઈન્ટરનેશનલ સ્ટાર બની ચુકેલી પ્રિયંકા ચોપરાએ આજે પણ બાવેજા સાથે સારા સંબંધો જાળવી રાખ્યા છે.








