Get The App

દાખે દલપતરામ .

Updated: Nov 8th, 2019

GS TEAM

Google News
Google News
દાખે દલપતરામ                                  . 1 - image


ઊંટભાઈ બોલે રાખે છે, ત્યારે દલપતરામ દાખે છે, દાખવે છે, શિયાળની વાણીમાં: ''અલ્યા ઓ ઊંટ, બીજાંઓનું તો એક એક અંગ જ વાંકું છે. પણ તારા પોતાના દીદાર તો જો. તારા એક નહિ, પૂરા અઢારે અઢાર અંગો વક્ર

ઊંટ કહે: આ સભામાં, વાંકાં અંગવાળા ભૂંડા, 

ભૂતળમાં પક્ષીઓને પશુઓ અપાર છે, બગલાની ડોક વાંકી, પોપટની ચાંચ વાંકી, કૂતરાની પૂંછડીનો, વાંકો વિસ્તાર છે. વારણની સૂંઢ વાંકી, વાઘના છે નખ વાંકા, ભેંસને તો શિર વાંકાં, શિંગડાનો ભાર છે. સાંભળી શિયાળ બોલ્યું, દાખે દલપતરામ, ''અન્યનું તો એક વાંકું, આપનાં તો અઢાર છે.''

આ પણાં જૂના કવિઓની શબ્દ ઉપર પકડ રહેતી. તેઓ નવા શબ્દો રચી શકતા. એ શબ્દો જ પછી શબ્દકોશ આકર્ષણ બની જતાં.

કવિશ્રી દલપતરામે ઉછાળેલો શબ્દ 'દાખે' એવો જ કવિ-શબ્દ છે.

'દા' અક્ષર સંપૂર્ણ છે. 'દા' એટલે દાતા, દેનાર, આપનાર, આપી દેનાર. 'દા' સાથે બીજો ગમે તે અક્ષર બંધ-બેસી શકે દાન દઈ શકે પણ કવિશ્રીએ સાથે 'ખ' જોડી દઈને કમાલ કરી. 'દાખે દલપતરામ' એટલે કવિ કહે છે જે કવિ દાખવે છે, બતાવે છે, કહે છે, તે. સાંભળી લો. મનમાં નોંધી લો. કવિ જે કંઈ કહે છે તે ઊંટની ભાષામાં કહે છે. ઊંટને બધું વાંકું જ દેખાય છે. આખું ભૂતળ, ભૂંડું નજરે પડે છે. જેવી જેની દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ.

આયનામાં કે દર્પણમાં તો તે શું જુઓ. રણમાં પડછાયો જરૂર જોયો હશે. રાજીરાજી થઈ ગયું હશે ઊંટ. અરીસામાં જોનારને પોતાનું રૂપ હંમેશા ગમે જ છે. ગમી ગયેલા એ માનના તાનમાં ઊંટ ગાઈ ઊઠે છે: ઓહોહોહો! આ દુનિયા તો જુઓ કેટલી વક્રાકાર છે. અને તેમાંના જીવો ! બગલાની ડોક જોઉં ? પોપટની ચાંચ કેવી વળેલી છે ! કૂતરાની પૂંછડીનો વળાંક કદી સીધો થઈ શકે ? અને હાથીની સૂંઢ, ઊંધો એકડો કે સીધો ? વાઘના નખ જોયા, સાવ વાંકા અને અણિદાર ! ભેંસના શિંગડાની વક્રતા તો એવી ચક્રતા કે ચકરી ચઢે.

ઊંટભાઈ બોલે રાખે છે, ત્યારે દલપતરામ દાખે છે, દાખવે છે, શિયાળની વાણીમાં: ''અલ્યા ઓ ઊંટ, બીજાંઓનું તો એક એક અંગ જ વાંકું છે. પણ તારા પોતાના દીદાર તો જો. તારા એક નહિ, પૂરા અઢારે અઢાર અંગો વક્ર, ચક્ર, છક્ર, જક્ર, ઝક્ર, તક્ર થક્ર, દક્ર, બક્ર, ભક્ર, મક્ર, હક્ર, શક્ર, કક્ર, ખક્ર, ગક્ર, ઘક્ર, જ્ઞાક્ર, કે ક્ષક્ર છે કે નહિ ?''

વાચક મિત્રો, કવિએ આ કથા કહેવત કાવ્ય ભલે ઊંટ અને શિયાળની પંચતંત્ર બોલીમાં રચ્યું હોય ! પણ તેઓ દાખવે છે માણસને. વિચારી જોજો, શું તમે એટલે કે માણસ જ આવું ઊંટ નથી ? એક આંગળી બીજે તાકો તો તમારી જ ત્રણ આંગળી તમારી તરફ તકાઈ રહેશે.

- હરીશ નાયક

Tags :