કાલે નહિ, કદી નહિ .
ચુલામાં જાય તમારું ઇનામ, તમારા એવા સો ઇનામો પણ અમારી આઝાદીની તોલે આવી શકે છે ?
ગોરાઓને દેશમાંથી હાંકી કાઢવાની ચળવળ ચાલી. કેટલાક નવજુવાનો હિંસક બન્યા. ગોરાઓને મારી હટાવીને દેશમાંથી ભગાડવા લાગ્યા. એમાં એક આખી ટોળકી પકડાઈ ગઈ. કેસ ચાલ્યો મનમોહન ગુપ્તાની ટોળકી પર. તેનો જ એક સાથી હરીન્દ્ર પોલીસમાં ભળી ગયો. તાજનો સાક્ષી બની ગયો.
ચિંતાની સીમા ન હતી. મનમોહનને પોતાનો ડર ન હતો. હરીન્દ્ર જો બધી વાતો કહી દે તો ઘણા પકડાઈ જાય અને બધી જ વાતો ગોરી સરકારના હાથમાં પડી જાય !
કોર્ટ શરૂ થઈ, મનમોહનને હાજર કરવામાં આવ્યો. પોતાના મિત્રને જોઈ હરીન્દ્ર માથું નમાવી ગયો. મનમોહનનું નામ બોલતાં જ તેણે અવાજ કર્યો,' કોર્ટને મારી વિનંતિ છે કે મારી હાથકડી દૂર કરો. હું રાજદ્વારી કેદી છું, કોઈ ભાગેડુ નથી.'
ગોરા ન્યાયાધીશે બેડી દૂર કરવાનો હુકમ આપ્યો. હાજર રહેલા હજારો લોકો તાળી પાડી ઉઠયા.
કેસ આગળ ચાલ્યો. મનમોહનને પ્રશ્ન પુછાયા તો મનમોહને કહ્યું,'કેસ લાંબો ચાલશે એ વાત તો હકીકત છે. શું મારે એ બધા સમય સુધી ઉભા ઉભા જ સવાલોના જવાબ આપવા પડશે ?'
ગોરા જજે તેને માટે ખુરસીની ગોઠવણ કરી દીધી.
ફરીથી કોર્ટ તાળીઓથી ગુંજી ઊઠી. પ્રેક્ષકો બધા જ આ વીર જવાનોની તરફેણમાં હતા.
દેશને ખાતર મરવાનો આવો મોકો જતો જોઈ હરીન્દ્ર ખમચાઈ ગયો. દેશદ્રોહી બનતો મટી ગયો. તેને થઈ આવ્યું કે 'દેશને દગો દઈ સો વર્ષ જીવવા કરતાં દેશને ખાતર એક ઘડી જીવીને મરવું સારું.
જ્યારે સરકારી વકીલે તેને પ્રશ્નો પૂછયા ત્યારે તે ચૂપ જ રહ્યો.
સરકારી વકીલે કહ્યું,'ગભરાવાની જરૂર નથી. તબિયત સારી ન હોય તો કાલે જવાબ આપજો.'
હરીન્દ્રે ગર્જના કરીને કહ્યું,'કાલે નહિ, પરમ દિવસેય નહિં. હું મારા મિત્રો વિરુધ્ધ સાક્ષી કદી નહિ આપું.'
'તમને મોટું ઇનામ..' ગોરા ન્યાયાધીશે કહ્યું.
'ચૂલામાં જાય તમારું ઇનામ.' હરીન્દ્રે સંભળાવી દીધું,' તમારાં એવાં સો ઇનામો પણ શું આઝાદીની તોલે આવી શકવાનાં છે ?'
મનમોહન તો હરીન્દ્રનું આ પરિવર્તન જોઈ છક થઈ ગયો. બંને મિત્રો હોંશેથી ભેટયા. સાથે જ જેલમાં ગયા.
હરીન્દ્ર કહે, 'મને માફ કરજે મિત્ર ! હું દ્રોહ કરવા જતો હતો.'
'વાત છોડ' મનમોહને કહ્યું, 'મન પર જીત મેળવી છે એ જ મોટું છે. તું તો અમારા કરતાંય મોટો શૂરવીર સાબિત થયો છે.'
એ બંને મિત્રોને કારાવાસ તરફ જતા જોઈ જનતા હર્ષનાદ પોકારતી હતી.
- હરીશ નાયક