હતા કર્મયોગના કર્મી ને માનવધર્મના મર્મી
દુનિયાભરને કોરી ખાનાર કોરોના માટે જો એક હાફકિન મળી જાય !
કોલેરાને મૂળથી જાણવા વૈજ્ઞાાનિક હાફકિને જાતે જ દૂષિત ઇંજીકશન લઈ લીધું
હાફકિનનું જીવન એક સાચા કર્મયોગીનું જીવન હતું. માનવકલ્યાણના ઉચ્ચ આદર્શોને તેઓ વરેલા હતા. જીવનની પ્રત્યેક ક્ષણનું મૂલ્ય તેઓ સમજતા હતા. સમયને જેમ તેમ વેડફી નાખવાનું તેમને જરાય પસંદ નહોતું.
સ્વભાવે તેઓ અતિ નમ્ર અને નિરાડંબરી હતા. રોગપીડિતો પ્રત્યે તેમને અપાર હમદર્દી હતી. દુઃખીઓનાં દુખો સમજવાની શક્તિ તેમનામાં ગજબની હતી. ઉચ્ચકક્ષાની વ્યકિતઓને તેઓ માન આપતા. તેમની વાતચીતમાં મધુરપ હતી. ધીર-ગંભીર ચહેરો ધરાવતા હાફકિન પોતાના સહકાર્યકર્તાઓ સાથે સ્નેહભર્યો વ્યવહાર કરતા. સાથે કામ કરતા સૌ કોઈની તેઓ યોગ્ય કદર કરતા.
આ મહાન વૈજ્ઞાાનિક તેમની પાછલી જિંદગીમાં ફ્રાન્સ ખાતે સ્થાયી થયા. શારીરિક ક્ષીણતાને કારણે વૈજ્ઞાનિક સંશોધનનું કામ હવે થઈ શક્તું નહોતું. પણ વૈજ્ઞાનિક સંસ્થાઓ સાથેનો તેમનો સંપર્ક ચાલુ રહ્યો. દેશમાંથી પ્રસિધ્ધ થતાં જુદાં જુદાં સામયિકો તેમજ દૈનિકપત્રોમાં તેઓ અવારનવાર લેખ આપતા.
એક વસવસો મનમાં વર્ષોથી રહ્યો હતો. તેમની રશિયા પાછા ફરવાની ઇચ્છા તીવ્ર હતી. સૌથી પહેલાં પ્રથમ વિશ્વયુધ્ધને કારણે અને પછી રશિયામાં થયેલી ક્રાન્તિને કારણે, એમ લાંબા સમય સુધી તેઓ રશિયામાં જઈ ન શક્યા, તેથી તેઓ વ્યથિત હતા.
આખરે રશિયા જવાનો મનોરથ પાર પડયો.
ઇ.સ.૧૯૨૭ની સાલમાં હાફકિન ઓડેસા પહોંચ્યા.
ત્યાં જઈને જુનાં સંસ્મરણો તાજાં થયાં. પોતાનાં ખાસ સગાં સંબંધીઓને તેઓ મળ્યા અને બાલ્યકાળના ગોઠિયા મિત્રોને પણ હેતથી મળ્યા. ભાવ-વિભોર દૃશ્યો સર્જાયાં. પણ હાફકિને જોયેલું રશિયા કાળાન્તરે બદલાઈ ચૂક્યું હતું. આજનું રશિયા નવાં રૂપ ધારણ કરીને ઉભું હતું. રશિયામાં આવ્યાનો સંતોષ હૃદયમાં સવિશેષ હતો.
વૃદ્ધાવસ્થા આગળ વધતી હતી.
અંગો શિથિલ બનતાં હતાં. પોતે કુંવારા હતા. જીવન એકાકી બન્યું હતું. સ્વભાવ ચિંતનશીલ હતો. પોતે હવે સ્વાસ્થ્ય સંભાળીને જીવવા માગતા હતા. કાળજીપૂર્વકનું જીવન જીવવા માગતા હતા.
જીવનની ઉત્તરાવસ્થામાં હાફકિન ધાર્મિક બન્યા.
યહુદી ધર્મ માટે તેઓ ઊંડો ભાવ ધરાવતા હતા.
તેમને એમ લાગ્યું કે ધાર્મિક નિયમો પાછળ તંદુરસ્તીને લગતા વૈજ્ઞાાનિક સિદ્ધાંતો છૂપાયેલા છે. જેથી ધર્મનું અનુસરણ કરવું હિતાવહ છે. ધર્મ પ્રત્યેનો તેમનો અનુરાગ વધ્યો. સ્વધર્મને વધુ સુદૃઢ જોવાની તેમને ઇચ્છા પ્રક્ટ કરી. યહુદી ધર્મ માટે યથાશક્તિ કામ પણ કર્યું. ધાર્મિક પુસ્તક બાઈબલનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો અને ચર્ચામાં જઈને નિયમિત પ્રાર્થના કરી.
યહુદીઓ પ્રત્યેની લાગણી તેમનામાં ઉત્કટ હતી. યહુદી ધર્મમાં માનનારાઓને તેઓ ઉદાર હાથે સહાય કરતા. તેમનાં બાળકો માટે શાળાઓ સ્થાપવામાં તેઓ મદદ કરતા. પોતાની પાસેની થોડીક બચેલી મૂડીને હાફકિને કેળવણી વિષયક હેતુઓ પાર પાડવામાં વાપરી સમાજ પ્રત્યેનું બાકી રહેતું ઋણ અદા કર્યું.
કાયા હવે પૂર્ણ રીતે જર્જરિત થઈ ચૂકી હતી.
હાફકિન સ્વિટ્ઝર્લેડમાં આવેલા લોસેન્જમાં ગયા . ત્યાં તેઓની તંદુરસ્તી એકદમ બગડી. તેઓ માંદા પડયા. તારીખ ૨૬મી ઓક્ટોબર, ૧૯૩૦ના રોજ સિત્તેર વર્ષની વયે તેમનો દેહાંત થયો.
આ મહામાનવને દુનિયાભરનાં અખબારોએ માનવજાતના તારણહાર તરીકે ઓળખાવી શ્રદ્ધાંજલિ અર્પી. આરોગ્યક્ષેત્રે પ્રદાન કરનાર મહાન વિજ્ઞાાનીઓ, શીતળાની રસીના શોધક ડો. જેનર, જીવાણું વિદ્યાના જનક ડો.પાશ્વર અને શસ્ત્રક્રિયાને ભયમુક્ત કરનાર ડો.લિસ્ટરની સમકક્ષ ડો.હાફકિનને ગણવામાં આવ્યા.
પ્લેગ-કોલેરા- જેવા મહાભયનાક રોગોનાં જીવાણુંઓ સામે જીવનભર ઝઝૂમનાર અને તેઓના અસ્તિત્વને ભૂંસનાર, સમર્થ યોદ્ધા તરીકે ડો. હાફકિનનું નામ અમર રહેશે.
ધન્ય છે માનવકલ્યાણના આ સહાયાત્રિકને !
ધન્ય છે તેમની વિરલ સિદ્ધિઓને ! આજે કોરોના અસાધ્ય છે. ત્યારે કોલેરાય અસાધ્ય રોગ મનાતો. હાફકિને જાનની બાજી લગાવી એ રોગને ધરતી પરથી હટાવી દીધો.
- હરીશ નાયક