માનવીની કિંમત .
જે માનવીએ માનવતા ગુમાવી છે એની તો કિંમત કરવી પણ પાપ કરવા બરાબર છે
તૈમૂર લંગ જાતે લંગડો હતો, કાણો હતો, બટકો હતો, કદરૂપો હતો. લડાઈમાં તેને ભારે જખમો થયા હતા. તેની કુરૂપતાનો પાર ન હતો. ઉપરથી તે ભારે નિર્દયી, ખૂની, ઘાતકી અને દુષ્ટ હતો.
તે આખી દુનિયાને જીતવા માંગતો હતો. ને તે જીતતો પણ હતો. જ્યાં જ્યાં તે આક્રમણ કરતો ત્યાં તે ઘોર કત્લેઆમ ચલાવતો. પોતાની ધાક બેસાડવા તે કંઈ કેટલાય માનવીઓનાં માથાં ઉડાવી દેતો.
એક વખતે તેણે એક લાખ માનવીઓનાં માથાં કપાવી તેનો ગંજ ખડો કર્યો હતો. આવા ક્રૂર તૈમૂરે તુર્કસ્તાન જીતી લીધું તો ત્યાંના માનવીઓ ઉપર જુલમો શરૂ કર્યા. તેણે એ તુર્કી માનવીઓને ગુલામ તરીકે વેચવા માંડયા.
તે કેદીઓમાં મહાન તુર્કી કવિ અહમદી પણ હતા.
તૈમૂરે કવિને આગળ બોલાવીને કહ્યું,' સાંભળ્યું છે કે કવિલોકો અચ્છા પારખુઓ હોય છે. સત્યવક્તા અને સ્પષ્ટ ભાષી પણ હોય છે. ચાલો એક પછી એક આ ગુલામોની કિંમત જોઈએ. જોજો, સાચી કિંમત કરજો હો.'
કવિએ ગુલામોની કિંમત કહેવા માંડી. કોઈની ચારસો, કોઈની સાડા ચારસો, કોઈની એથીય વધારે.
એવામાં ટીળખી તૈમૂરને મજાક સૂઝી. તેણે કવિને પૂછયું,' અને કવિ ! જ્યારે તમે માનવીની કિંમતના આટલા નિષ્ણાત છો ત્યારે જરા મારી કિંમત તો કહો.'
તૈમૂરના મનમાં કે કવિ તેની પોતાની કિંમત ગણી જ શકશે નહિ અથવા તો તે એટલો ડરી જશે કે પગે પડશે. તેને બદલે કવિએ તો કિંમત જ જાહેર કરી દીધી. 'ચોવીસ અશરફી'.
સમ્રાટ તૈમૂર સજ્જડ જ થઈ ગયો. તેણે ગર્જના કરતાં કહ્યું,' કવિ ! ચોવીસ અશરફી તો એકલા મારા દેહ પરના પોશાકની છે.
કવિ કહે, 'મેં એની જ કિંમત ગણી છે. બાકી આપના દેહની કિંમત તો શૂન્ય પણ નથી.'
તૈમૂરે ત્રાડ નાખી, 'શું કહો છો કવિ ? જીવવું છે કે પછી ?
કવિ કહે, 'સાચું જ કહું છું. એક તંદુરસ્ત માનવીની કિંમત આપણે ચારસો જેટલી અંદાજીએ છીએ. તેમાંથી એક આંખ જતાં કિંમત બસો, એક પગ જતાં સો, એક એક જખમની દશ દશ અશરફી ઓછી કરીએ તો માંડ વીસ અશરફી કિંમત થાય. તેમાંથી ઉદ્દંડતા અને ધૃષ્ટતા બાદ કરીએ તો કંઈ જ રહે નહિ. અને સમ્રાટ ! જે માનવીએ માનવતા ગુમાવી છે એની તો કિંમત કરવી પણ પાપ કરવા બરાબર છે.
કવિનો આવો રોકડો અને સણસણતો જવાબ સાંભળી તૈમૂર અવાક બની ગયો પણ તે કવિની કતલ પણ કરી શક્યો નહિ. કદાચ સત્યવાદીથી બધાં ડરતાં હશે. તૈમૂરે માત્ર એટલો જ હુકમ આપ્યો, ' લઈ જાવ આ પાગલને મારી પાસેથી ઘણે દૂર.. કહો વાચકમિત્રો, આજના આપણા નેતાઓની કિંમત કેટલી ?