ભલાઈનાં બી ઝૂમતાં ડૂંડલાં
ભલા વિચારો તથા સારાં કામો પણ ખેડૂતનાં બી જેવાં છે. તે યોગ્ય રીતે, બુદ્ધિપૂર્વક અને ચીવટથી થવાં જોઈએ. નહિ તો ચકલીઓ દાણા ચણી જાય છે, પથ્થર અને ખડક હેઠળ તે દબાઈ જાય છે, કાંટા ઝાંખરાંમાં તે અટવાઈ જાય છે, રેતી કાંકરામાં તે સુકાઈ જાય છે
'ખેડૂત હાથમાંથી બી નાખતો જતો હતો.' ઇસુ ખ્રિસ્તે વાર્તા માંડી હતી, લોકો ધ્યાનથી તે સાંભળતા હતા.
'ખેડૂતના એક હાથમાં બિયારણની ટોપલી હતી. એ ટોપલીમાંથી તે બી લેતો, જમીન પર નાખતો અને આગળ વધી જતો.'
ઇસુએ વાત આગળ વધારી.
તે કહે: ' ખેડૂત તો બી નાખતો નાખતો આગળ વધી જાય. બસ નાખ્યે જ જાય. આગળ વધે જ જાય.'
લોકોએ પૂછયું: 'એ બીને આમ તેમ વેરાતાં જોઈ પક્ષીઓ દોડી આવ્યાં, એમાંના બહાર પડેલાં બી પક્ષીઓ ચણી ગયા.'
'પછી...?' લોકોની અધીરાઈ વધી.
'બીજાં બી પથ્થરો અને ખડક હેઠળ પડયાં. એ બીમાંથી ઊગતા છોડને એ ખડક પથ્થરે દબાવી દીધા.'
'પછી...?' સાંભળનારની ઉત્સુકતાનો પાર ન હતો.
'બીજાં થોડાંક બી કાંટા-ઝાંખરાંમાં પડયાં અને વળી કેટલાંક નકામા છોડવાઓ સાથે ભળી ગયા. કેટલાંક વળી સુક્કી, વેરાન અને કાંકરાવાળી જમીન ઉપર પણ પડયાં અને નકામાં ગયાં..'
શ્રોતાઓની અધીરાઈનું તો પૂછવું જ શું?
ઇસુ કહે: ' એમાંના માત્ર થોડાક, ખેડૂતે ખેડેલી જમીનમાં પડયાં. પોચી, કૂણી, નરમ, ભીની એ માટીમાં પડેલાં એ બીમાંથી સરસ મજાના છોડવાઓ ઊગી નીકળ્યા. તેની ઉપર અન્નનાં વજનદાર ડૂંડલાં ઝૂમવા લાગ્યાં અને ખેડૂતને તેમાંથી અન્ન મળ્યું.'
શ્રોતાઓ હજીય ધરાયા ન હતા.
ઇસુએ ધીર ગંભીર રીતે હસીને કહ્યું:' ભલા વિચારો તથા સારાં કામો પણ ખેડૂતનાં બી જેવાં છે. તે યોગ્ય રીતે, બુદ્ધિપૂર્વક અને ચીવટથી થવાં જોઈએ. નહિ તો ચકલીઓ દાણા ચણી જાય છે, પથ્થર અને ખડક હેઠળ તે દબાઈ જાય છે, કાંટા ઝાંખરાંમાં તે અટવાઈ જાય છે, રેતી કાંકરામાં તે સુકાઈ જાય છે. ભલાઈનાં બીને પણ નરમ, પોચી, ભીની, કુમળી માટીનો સાથ મળવો જોઈએ, ત્યારે જ તેમાંથી મનોહર ડૂંડલાં ઝૂમી ઉઠે છે..'
ઇસુની આવી કીમતી વાત સાંભળી અન્નનાં ભર્યા ભર્યાં ડૂંડલાંની જેમ જ લોકો ઝૂમી ઊઠયા.
- હરીશ નાયક