સુખ હોય શરતી પણ આનંદ તો સ્વયંભૂ...
સુખની સરખામણીમાં આનંદની સર્વોચ્ચ સ્તિથિ જીવનને હંમેશાં પ્રસન્ન રાખે છે. જ્યાં સુખ-દુ:ખનો અનુભવ ન ગણ્ય બનતો હોય છે.
માનવીઓનો પ્રસન્નતા ભર્યો સ્વભાવ. અંતરનાં આનંદમાંથી જન્મતો હોય છે. આવા આનંદ પાછળ કોઈ ખાસ કારણ હોતું નથી. જ્યારે બાહ્ય સુખમાં કોઈને કોઈ શરત હોય છે. સુખની લાગણી ક્યારે ઉદ્ભવે છે ? જ્યારે કંઈ મનને ગમતું બને. ધાર્યું નિશાન પાર પડે. સુખ જ્યારે કોઈ સ્થુળ ચીજ-વસ્તુ આધારિત હોય, ત્યારે જો તે આધાર ખસી જાય, તો દુ:ખ અને પીડા આવી પડે છે. આનંદ બિન શરતી હોય છે, કેમકે આનંદ આપણો મૂળ સ્વભાવ છે. સુખ તો હંમેશાં ટુંકું આયુષ્ય લઈને આવે છે, જ્યારે આનંદની અવધિ આજીવન હોય છે. આપણે પોતે અંતરથી જ આનંદ સ્વરૂપ છીએ. સ્વયં પરમાત્મા સત્ , ચિત્ત, આનંદરૂપ છે, તેના જ આપણે અંશ છીએ.
માનવી સતયુગનો ક્યારે કહેવાય ? જેનામાં ભરપુર સત્વગુણ હોય. અંત:કરણ શુધ્ધ હોય, સૌ જોડે સમતાનો ભાવ હોય, ઇશ્વર પ્રત્યે તીવ્રભક્તિ હોય, તેનું મન સદાય પ્રસન્ન રહેતું હોય, ત્યારે તે માનવી સતયુગમાંનો ગણી શકાય. આમાં સત્વ સ્તિથિ છે, સ્વસ્થતા છે, પણ અધિરાપણું નથી, એટલે ત્યાં રજોગુણ છે. રતિકર્મમાંજ જો સુખનો અનુભવ થતો હોય, તો તે ત્રેતાયુગમાં જીવી રહ્યો છે.
ત્રીજી સ્થિતિમાં રજોગુણ ખુબ વધી ગયા હોય, પણ ત્યાં સત્વગુણ સાથે તમોગુણ પણ હોય, એ વખતે માનસિક સ્તિથિ સુખ-દુ:ખની, હર્ષશોકની રહે તો તે માનવી દ્વાપર યુગમાં જીવી રહ્યો છે.
અંતિમ તામસિક સ્થિતિમાં મોટે ભાગે તમોગુણનું પ્રાધાન્ય હોય છે, અહીં રજોગુણ ઓછી માત્રામાં છે. બધા તરફ વિરોધભાવ, અને નકારાત્મક આચાર વિચાર હોય, ત્યારે આવી માનસિકતા સ્વભાવવાળા કળિયુગમાં જીવી રહ્યા છે, એવું માનવું.
સતયુગ, કળિયુગ એ કાલખંડનાં વિવિધ સમયગાળા ગણવામાં આવ્યા છે, પણ જો બીજા અર્થમાં વિચારવામાં આવે તો તે માનવ સંસ્કૃતિ, સંસ્કારનાં વિભિન્ન ખંડો છે. એટલે કે એક વ્યકિત જો શુભ વિચારોને પોષી, સતકર્મો આચરે તો તે સતયુગી છે. પણ જો તે કનિષ્ટ પ્રકારનાં મલિન વિચારોથી પ્રેરાઈને દુષ્ટ કર્મો આચરે તો તે કળિયુગી છે. આમ પોતાનાં પૂર્વ સંસ્કારોને પ્રતાપે, એક જ યુગમાં માનવીનાં મનમાં, ચારેય યુગો ફરતા રહે છે. આને સંત તુલસીદાસ યુગધર્મ કહે છે.
સદ્દવિચારો, હંમેશા શુભ- સત-કર્મોમાં પરિણમતા હોય છે, જે હૃદયમાં પ્રસન્નતાનું સર્જન કરે છે, આ વિષે શાસ્ત્રમાં કહેવાયું છે ને કે :-
ચેતન અમલ સહજ સુખ રાસી : અર્થાત જે મનુષ્ય સદાય પ્રસન્ન રહીને આનંદ અનુભવે છે, તે સતયુગમાં છે માણસનાં સ્વભાવમાં છે તે બાહ્ય ભૌતિક સુખને આનંદ સમજી તેને પામવા માટે વલખાં મારે છે. પણ આને લીધે તે અંદરથી અશાંત અને જીવનની સાચી ખુશીથી દૂર રહે છે.
વાસ્તવમાં હૃદયમાંથી વહેતી પ્રસન્નતા એ માણસ માટે પવિત્ર લાગણી છે. પણ જ્યારે તેમાં તે સંયમ ગૂમાવે છે. ત્યારે તે મુશ્કેલીમાં મુકાતો હોય છે. વિવેક શૂન્ય માનસ સાચા આનંદને પામી શક્તો નથી. આવા આનંદને ભોગવવાને બદલે તેને જ આનંદ ભોગવી જાય છે !
ખરેખર આનંદ તો સ્થુળ પદાર્થોમાં હોતો નથી. પણ તેને પારખવાની માણસની સકારાત્મક દ્રષ્ટિમાં છે. માણસ જાતે ખુશ રહેવાને બદલે, એ સતત બીજાને પોતે ખુશ છે, તેનો દેખાડો કરતો રહે છે. આનાથી ભલે તેના અહંકારને સંતોષ મળતો હશે, પણ તેનો આત્મા સાચા અર્થમાં પ્રફુલ્લીત થતો નથી.
સુખની સરખામણીમાં આનંદની સર્વોચ્ચ સ્તિથિ જીવનને હંમેશાં પ્રસન્ન રાખે છે. જ્યાં સુખ-દુ:ખનો કોઈ પણ જાતનો અનુભવ ન ગણ્ય બની જતો હોય છે.
- પરેશ અંતાણી