વિયેટનામમાં આવેલી હાંગ સોન ડૂંગ ગુફા વિશ્વની સૌથી મોટી ગુફા
પહાડો અને ગુફાઓ કુદરતી ભૌગોલિક રચના છે. પૃથ્વી પર અનેક પર્વતો અને ગુફાઓ છે. દરેકની વિશેષતા અલગ અલગ છે. હવા અને પાણીના ઘસારા અને પૃથ્વીના પેટાળની ઉથલપાથલ ની ઘણી અજાયબ ભૌગોલિક રચના બને છે. વિયેટનામની હાંગ સોન ડૂંગ ગુફા ૨૦૦૯માં પ્રથમ વાર જોવા મળી ત્યારે વિશ્વભરને આશ્ચર્ય થયું હતું.
પાંચ કિલોમીટર લાંબી, ૨૦૦ મીટર ઊંચી અને ૧૫૦ મીટર પહોળી ટનલ જેવી આ ગુફામાં નદી વહે છે. સ્થાનિકો તેમાં પ્રવેશતાં ડરતાં હતાં. ૨૦૦૯માં બ્રિટીશ સંશોધકોએ તેના સર્વે કરી માહિતી મેળવી હતી. આ ગુફામાં એક લાંબી દીવાલ છે. તે ગ્રેટ વોલ ઓફ વિએટનામ તરીકે ઓળખાય છે. ગુફામાં બે સ્થળે છત તૂટી પડીને વિશાળ બાકોરા પડયા છે.
તેમાંથી સૂર્યપ્રકાશ ગુફામાં આવે છે અને વૃક્ષો અને વનસ્પતિ ઊગે છે. આ ગુફામાં વહેતી નદી ભારે ઝડપી અને તોફાની હોવાથી માણસ માટે પ્રવેશ દુર્ગમ છે. વિશ્વની અજાયબી જેવી આ ગુફા ચૂનાના પથ્થરોની બનેલી છે. આ ગુફા ૨૦ થી ૫૦ લાખ વર્ષ પૂર્વે બનેલી હોવાનું મનાય છે.