Magazines

હેન્ડસમ હર્ષવર્ધન રાણેને માત્ર એક કમાઉ એક્ટર બનવું છે

By GS TEAM
16 Apr 20263 mins read
હેન્ડસમ હર્ષવર્ધન રાણેને માત્ર એક કમાઉ એક્ટર બનવું છે

- 'અમને 'સનમ તેરી કસમ'ની રી-રિલીઝ માટે આખા દેશમાં ફક્ત ૨૫ થિયેટરો મળ્યાં હતાં, પણ 24 કલાકમાં ફિલ્મ એવી જોરદાર ચાલી કે બીજા જ દિવસે અમે ૧૫૦૦ થિયેટરોમાં ફિલ્મ રિલીઝ કરી શક્યા. ' 

હર્ષવર્ધન રાણેએ બોલિવુડમાં લીડ એક્ટર તરીકે જમાવટ કરી દીધી છે. ગયા વરસે એને હીરોના રોલમાં ચમકાવતી ફિલ્મ 'એક દીવાને કી દીવાનિયત'એ સવાસો કરોડનો બિઝનેસ કરી બધાને ચોંકાવી દીધા છે. ૩ કરોડની પ્રાઈસમાં આ ફિલ્મ કરનાર રાણે હવે ૧૨થી ૧૫ કરોડની ડિમાંડ કરે છે. વિપુલ અમૃતલાલ શાહની ફોર્સ ફ્રેન્ચાઈસીની ત્રીજી ફિલ્મ 'ફોર્સ-૩'માં જોન અબ્રાહમ સાથે પેરેલલ રોલ કરવા હર્ષવર્ધને પોતાની મોંમાગી પ્રાઈસ મેળવી હોવાનું કહેવાય છે.

તેલુગુ અને તમિળ ફિલ્મોથી પોતાની એક્ટિંગ કરિઅર શરૂ કરનાર રાણેએ પાંચ વરસ પહેલા ંરિલઝ થયેલી ફિલ્મ થ્રિલર-મિસ્ટ્રી મૂવી 'હસીન દિલરુબા'માં પોતાનું હીર બતાવી દીધું હતું. વીતેલા વરસ દરમિયાન રાણેની નવી ફિલ્મ 'એક દિવાને કી દિવાનિયત' ઉપરાંત 'સનમ તેરી કસમ' (૨૦૧૬)ની રી-રિલિઝ પણ ફળી હતી. 

હમણાં 'ફોર્સ-૩'ના સેટ પર હર્ષવર્ધન 'સન તેરી કસમ' વિશે મીડિયા સાથે વાત કરતા કહ્યું, 'રી-રિલીઝનો એક ફેઝ આવતા ઘણી ફિલ્મો થિયેટરોમાં ફરી રિલીઝ થઈ. પરંતુ એમાંથી અમુક જ સારી ચાલી. એટલે કેવી મૂવીઝ ચાલે છે એનો લોકોને ચોક્કસ અંદાજ નહોતો આવ્યો. પરંતુ ઓનેસ્ટલી, મને એનો અણસાર આવી ગયો હતો. એટલા માટે કે પછીનાં ૮ વરસો દરમિયાન હું જ્યાં પણ ગયો ત્યાં મેં લોકોની આંખોમાં એક ચમક જોઈ. પોતાને ગમી ગયેલા એક્ટરને જોઈને લોકોની આંખમાં એવી ચમક આવે છે. મારા પ્રોડયુસર 'સનમ તેરી કસમ' રી-રિલિઝ કરવા બાબતમાં અવઢવમાં હતા. મેં એમને કહ્યું, 'આપ કુછ મત કરો, બસ મૂવી રિલીઝ કરવા દો. હું ઇન્સ્ટાગ્રામ પર એની જાહેરાત કરીશ. અમને રી-રિલીઝ માટે આખા દેશમાં ફક્ત ૨૫ થિયેટરો મળ્યા. બીજા દિવસે મૂવી ૧૫૦૦ થિયેટરોમાં રિલીઝ થઈ. ૨૪ કલાકમાં જ ટિકિટોનું જોરદાર વેચાણ થયું.'  

પોતે પ્રોજેક્ટસની પસંદગીમાં કેવા ધોરણો અપનાવે છે તેના વિશે રાણે કહે છે, 'બોલિવુડ એક કમર્શિયલ ફિલ્ડ છે અને મારો એક્ટર તરીકે મુખ્ય ઉદ્દેશ દર્શકોને થિયેટરોમાં લાવવાનો છે. મને ક્યારેક ઊંડા અંગત વિચારો વ્યક્ત કરવાનું મન થાય તો એ માટે ઇન્સ્ટાગ્રામ છે જ. મારી ઇચ્છાઓ હું કોઈના પર લાદવા નથી માગતો. મારે તો જે ચાલે એ જ આપવું છે. મીડિયામાંથી મને અવારનવાર મારા ડ્રીમ રોલ વિશે પૂછાય છે. ત્યારે હું એમને કહું છું કે મારું સપનું એક પ્રોફિટેબલ (કમાઉ) એક્ટર બનવાનું છે. એવો એક્ટર જે ફિલ્મને સફળતા અપાવે.'

હર્ષવર્ધન મોટાભાગે ફિલ્મોમાં ઉત્કટ અને અમુક અંશે ઉદાસીન લાગે એવા વિચારમગ્ન પાત્રો ભજવવા માટે જાણીતો છે. ૪૨ વરસનો આ એક્ટર કહે છે, 'મારી રોલ્સની પસંદગી મારી અંગત પસંદગીઓને બદલે દર્શકોને શું ગમે છે એના  આધારે થાય છે.' 

આજે ટોપના એકટર્સ પણ ઓટીટી પ્રોજેક્ટ્સ કરવા તલપાપડ છે. આ વિશે પૂછાતાં રાણે જવાબ આપે છે, 'મને અત્યારે ફિલ્મોમાં સારું કામ મળી રહ્યું છે એટલે મગજમાં આવેલી કોઈ તરંગને સંતોષવા એ પ્રવાહમાં શામેલ થવાની મારી કોઈ ઇચ્છા નથી. આમેય કોઈને સારી તકો મળતી હોય ત્યારે એનો આદર કરવો અગત્યનો બની જાય છે.' 

વા તો સાચી.