Magazines

'ગુરુજી, મારે મારું નામ બદલવું છે' .

By GS TEAM
10 Jun 20264 mins read
'ગુરુજી, મારે મારું નામ બદલવું છે'                             .


- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા

દોલતસિંહને ત્યાં બેલડું આવ્યું. બેલડું એટલે એમની પત્નીએ પ્રસૂતિ સમયે બે પુત્રોને જન્મ આપ્યો. ઘરમાં બે ઘોડિયાં રાખવાનું જગા કે પહોંચ ન હોવાને કારણે તેની પત્ની શ્યામા એક ઘોડિયામાં બે ખોયા રાખી બન્ને પુત્રોને સુવરાવતી. એક પુત્રને રડવાનું નહિવત્ અને હસે ઝાઝું અને બીજો પુત્ર હસવાનું નહિવત્ અને રડે ખૂબ. દોલતસિંહ શ્યામાને કહે કે, 'આણે રડીરડીને રાતના મારી ઊંઘ હરામ કરી નાખી છે. આને શેનું દુ:ખ છે, આનો કાંઈક ઉપાય કર.' અનેક ઉપાયો છતાં બાળક રડતો હતો. દોલતસિંહ એ બાળકને દુ:ખીરામ કહીને બોલાવતો. જોતજોતામાં બન્ને પુત્રો મોટા થયા. બન્ને પુત્રોની ઓળખ શાળામાં સુખીરામ અને દુ:ખીરામ નામ તરીકે નોંધાયાં. દુ:ખીરામને એનું નામ ખૂંચતું. પોતાના નામ પ્રત્યે ભારોભાર અણગમો હતો. રસ્તામાં કોઈ મિત્ર મળે તો તેને પૂછે કે, 'દૂ:ખી તું કેમ છો ? દુ:ખી, તું ક્યાં ગયો હતો ? તારી પાસે સારા સમાચારની આશા ન રખાય, તું તો દુ:ખીરામ જ છે.' આમ તો તે સુખી હતો પણ માત્ર પોતાના નામને કારણે દુ:ખી હતો. એક દિવસ તે પોતાના શિક્ષક પાસે જઈને કહે છે કે, 'ગુરુજી, મારે મારું નામ બદલવું છે. તમારા રજિસ્ટરમાં મારું જે નામ છે દુ:ખીરામ તે નામને કમી કરો અને મારે મારું નવું નામ રજિસ્ટર કરાવવું છે. આ નામથી તો મિત્રોમાં હું હાંસીપાત્ર બની રહ્યો છું.'

ગુરુજી કહે, 'ભાઈ, નામમાં શું રાખ્યું છે ? નામ ગમે તેવું હોય પણ વ્યક્તિમાં કેવા ગુણ છે. તેનો કેવો આચાર-વિચાર છે તેનું જ મહત્ત્વ છે. ભણવામાં તું હોશિંયાર છે, વળી બુદ્ધિશાળી છે. તો તારું નામ ગમે તે હોય તેથી તારા જીવનમાં કશો ફરક પડતો નથી. તું નામ માટે નાહકનો દુ:ખી થાય છે. તું જ તેનો ઉપાય કર.' દુ:ખી કહે, 'ગુરુજી, તમે જ ઉપાય બતાવો.લ્લ ગુરુજી કહે, 'ભાઈ, તું નામના દુ:ખને વિસારે પાડી દે, પણ જે કોઈને દુ:ખી જુએ તેનું દુ:ખ દૂર કરવાનો પ્રયત્ન કર એટલે તને પ્રસન્નતા મળશે અને એ પ્રસન્નતા તારા જીવનમાં ટકી રહેશે.' દુ:ખી કહે, 'ગુરુજી, પ્રસન્નતા વિશે તો હું પછી વિચારીશ. હાલમાં તો તમે મારું નામ રજિસ્ટરમાં બદલી આપો.' ગુરુજી કહે, 'ઠીક છે, તારો આટલો આગ્રહ છે અને નામ બદલવાથી તને સુખ મળતું હોય તો હું જરૂર નામ બદલીશ, પરંતુ તું મને તારું નવું નામ આપ. તેને માટે તું ગામમાં ફર. અલગ અલગ જગાએ જઈ નામ જાણ અને પછી તને જે નામ ગમે, અનુકુળ લાગે તે કાલે મને જણાવજે એટલે હું જરૂર તારું નવું નામ રજિસ્ટર કરીશ.' બહાર નીકળ્યો તો રસ્તામાં 'રામ બોલો ભાઈ રામલ્લ કહેતા કેટલાક માણસો નનામી લઈને જઈ રહ્યા હતા. તેણે પૂછયું, 'આમાં કોણ છે ?' પેલા કહે, 'શેઠ અમરચંદ મૃત્યુ પામ્યા છે.'  દુ:ખીરામ વિચારે છે કે, 'નામ છે અમરચંદ, નામમાં અમરતા છે, છતાં મૃત્યુ તો આવ્યું જ છે. આમાં નામની સાર્થકતા ક્યાં રહી ?'

આગળ જોયું કે એક માણસ જોરજોરથી રાડો પાડે છે. તેની બાજુમાં ઊભેલા તેના મિત્રને પૂછયું કે, આ કેમ રાડો પાડે છે ? પેલો કહે કે, 'આ મારા પડોશમાં રહેતા મંગુમાસીનો મનસુખ છે. જ્યારે જ્યારે તેનું મન અશાંત થઈ જાય ત્યારે તે આવી રીતે રાડો પાડવા માંડે. પછી થાકીને શાંત થઈ જાય.' દુ:ખી વિચારે છે કે, 'નામ મનસુખ છે પણ મનનું સુખ જ નથી. આવા નામનો શું અર્થ ?'

આગળ જતાં એક સ્ત્રી એક ખૂણામાં ડૂસકાં ભરતી આંસુ સારતી જોતાં પૂછે છે કે, 'માજી, કેમ રડો છો ?' માજી કહે, 'કાલનું કાંઈ ખાધુંપીધું નથી. ઘરવાળાએ ઘરમાંથી કાઢી મૂકી છે. સાંજ પહેલાં ઘરે આવવા નહીં દે. સખત ભૂખ-તરસ લાગી છે.' દુ:ખી પોતાના પોકેટમનીમાંથી એક બિસ્કિટનું પેકેટ લાવીને માજીને ખવડાવે છે ને સ્કૂલની વોટરબેગમાંથી વધેલુ પાણી પીવડાવે છે. માજી આશીર્વાદ આપે છે. તે પૂછે છે, 'માજી, તમારું નામ શું ?' માજી કહે ધનલક્ષ્મી! દુ:ખી વિચારે છે કે, 'નામમાં ધન અને લક્ષ્મી બંને છે. ધન વિના ખાવાના સાંસા છે એવા નામની સાર્થકતા ક્યાં રહી?' ઘરે પહોંચે છે ને પોતાના પિતાના નામનો વિચાર કરે છે. પિતાનું નામ દોલતસિંહ છે. દોલત એટલે ધનસંપત્તિ અને સિંહ એટલે પરાક્રમનું પ્રતીક. પિતાજી તો બગીચાના માળી છે અને બગીચાની ખૂણાની ઝૂંપડીમાં તેમના પરિવારનો વાસ છે, તો તેમના જીવનમાં સંપત્તિ અને પરાક્રમ ક્યાં છે ? ભાઈ સુખીરામનું સ્વાસ્થ્ય સારું રહેતું નથી. મોટેભાગે માંદગીમાં જ રહે છે. માતાનું નામ શ્યામા. વિચારે છે કે શ્યામા એટલે શ્યામ-કાળી, પણ મારી મા તો કેટલી રૂપાળી છે! એ લગીરે કાળી નથી છતાં નામ શ્યામા!

દુ:ખીરામ સવારે ગુરુજી પાસે જઈને ગઈકાલના અનુભવનું વૃત્તાંત કહે છે કે, 'ગુરુજી, મારે નામ બદલવું નથી. આ દુ:ખીરામ સુખી છે અને જીવનમાં શક્ય હશે તેટલાં અન્યનાં દુ:ખો દૂર કરવાનો હું પ્રયત્ન કરીશ.' ગુરુજી કહે, 'આમ કરવાથી તને તો સુખ મળશે જ પણ તને મળવાવાળા લોકોને પણ સુખ મળશે !'