ગુરુ કૃપા હી કૈવલમ, શિષ્ય પરમ મંગલમ : અષાઢ સુદ પૂનમ : ગુરુ પૂર્ણિમા
સદ્ગુરુનાં દિવ્યો વચનો દ્વારા શિષ્યોમાં જ્ઞાાનની જ્યોત પ્રગટાવતું પર્વ એટલે 'ગુરુ પૂર્ણિમા. સામે પક્ષે શિષ્યોને શ્રધ્ધા સાથે સમર્પણ કરવાનો સંદેશ આપતું પર્વ એટલે 'વ્યાસપૂર્ણિમા'. ગુરુ જ્ઞાાન પિપાસુઓમાં અધ્યાત્મિક જ્યોત જણાવવાનું કાર્ય પણ કરે છે. આ પવિત્ર દિવસે શિષ્યો પોતાનાં ગુરુ પ્રત્યેની કૃતજ્ઞા તા અને પોતાની નિષ્ઠા વ્યક્ત કરવા તેમની પાદ્ય પૂજા કરે છે. આ સાથે તેઓ ગુરુને યથાશક્તિ ગુરુદક્ષિણા પણ અર્પણ કરતા હોય છે.
ભારતિય સંસ્કૃતિમાં ગુરુ પૂનમનાં પાવન, પ્રભાતે વ્યાસપીઠનું પૂજન કરવાની આગવી પરંપરા છે. ભાવિકોમાં એક એવી માન્યતા છે કે મહર્ષિ વ્યાસે, શંકરાચાર્યજીનાં પ્રતીક રુપે વ્યાસપીઠનું પૂજન કરે છે.
દુઃખી, પીડિત, અભાવનાં દર્દોથી પીડાતો સંસારી જીવ જ્ઞાાનરુપી ધર્મનાં આચરણનાં માર્ગે ચાલશે, તો જ તેને જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થશે. આનું માર્ગદર્શન આપવા ઇશ્વર જ ગુરુનાં સ્વરૃપમાં માનવ સમાજ વચ્ચે જન્મ લે છે. એ ઉપરાંત ધર્મત્ત્વની હાનિ રોકવા, ફરી ધર્મ તેજનો પ્રકાશ લોકોમાં ફેલાવવા ઇશ્વર ગુરુરુપે જ્ઞાાનનું દાન કરે છે.
સ્થુળ તત્ત્વ કરતાં, સુક્ષ્મતત્ત્વ શ્રેષ્ઠ છે. તે જ રીતે ગુરુકૃપા સ્થુળ કરતા સુક્ષ્મ પણે વધારે અસરકારક બનતી હોય છે. ઘણીવાર આર્દશ ગુરુની પ્રત્યક્ષ હાજરી કરતાં એમણે ઉચ્ચારેલી વાણીનું મનોમન મનન-ચિંતન કરવાથી વધુ બુધ્ધિલાભ થતો હોય છે. જો સદ્ગુરુની કૃપા વરસે તો અધ્યાત્મ ઉન્નતિનો માર્ગ સરળ બને છે.
માતા-પિતા બાળકને જન્મે પછી પોષણ આપીને ઉછેરે છે. પણ તેનાં આત્મભાવનું સીંચન કરીને તેને સાચા અર્થમાં એક મનુષ્ય બનાવવામાં એક સદ્ગુરુ મહત્ત્વનો ફાળો આપતા હોય છે. જે પ્રમાણે એક કુશળ શિલ્પી એક પથ્થરને કંડારીને એક સુંદર મજાની પ્રતિમાં તૈયાર કરે છે. તે જ પ્રમાણે સદ્ગુરુ શિષ્યને આત્મજાગૃતિનું શિક્ષણ આપી એમને એક સારા ઇન્સાન બનાવવા પોતાનું ઉત્તમ જ્ઞાાન આપે છે. જેના લીધે શિષ્યને ઉત્તમ માર્ગદર્શન, મળતાં તે કારકિર્દીનાં ઉચ્ચ શિખરો સર કરે છે. એમાંય માનવમનમાં વ્યાપેલું બુરાઈરૃપી વિષને દૂર કરવામાં ગુરુનો વિશેષ ફાળો હોય છે.
' ગુરુ જહાં જહાં પ્રભુ વહાં વહાં,
ઐસે ગુરુ બિના જ્ઞાાન કહાં ?
આ પ્રમાણે સદ્ગુરુ સ્વયંનું જ્ઞાાન આપીને શિષ્યને ઇશ્વરાભિમુખ બનાવે છે. સાથે તેમને બ્રહ્મનિષ્ઠાનો ઉપદેશ આપીને તેમનું પરમ અસ્તિત્વ સાથે મિલન કરાવે છે.
જગદ્ગુરુ શ્રી વલ્લભાચાર્યજી જણાવે છે કે જે જીવ જોડે જગદિશનું અનુસંધાન કરાવે તે ગુરુ. જે શિષ્યનાં ભીતરનાં ભોગ અને મોહને હટાવીને પ્રેમ અને સમર્પણનો ભક્તિમાર્ગ ચીંધે તે સદ્ગુરુ.
આવા પાવનકારી ગુરુનું આ 'ગુરુપુર્ણિમા'ના પવિત્ર પર્વે પૂજન કરવું એ પુણ્ય કમાવવાનું કારણ બની જાય છે. ગુરુ એ માનવ લક્ષ્યનું સાકાર સ્વરુપ છે. એટલે જ ગુરુનું પૂજન એટલે સાક્ષાત પરબ્રહ્મનું પૂજન છે.
આવી પુરાતનકાળથી ચાલી આવતી શિષ્ય-ગુરુની પરંપરાનું સરળ શબ્દોમાં વર્ણન શક્ય નથી. એટલે જ તો સંત શ્રી કબીર એમનાં સુવિખ્યાત દોહામાં કહે છે,
સબ ધરતી કાગજ કહું, લેખન સબ વનરાજે, સત સમુદ્ર કી શ્યાહી કરું.
ગુરુ ગુણ લીખા ન જાય.
- પરેશ અંતાણી