જાકફૂડી કરંર .
- તમને ખબર છે, આ પિઝા, બર્ગર, સેન્ડવિચ જેવું જંકફૂડ ખાવાથી પેટની સમસ્યા થાય છે?
- પીના પટેલ 'પિન્કી'
સ્કૂલ શરૂ થઈ ગઈ તે વાતને ઘણાં અઠવાડિયાં થઈ ગયાં હતાં. મોન્ટુ અને તેના મિત્રો સેન્ડવિચ, બર્ગર, પિઝા તૈયાર પેકેટનો નાસ્તો લાવતા હતાં, પણ તેમના વર્ગમાં ભણતો મીત શાક -રોટલી , ફણગાવેલા કઠોળ , સુખડી, પુરી જેવો પૌષ્ટિક નાસ્તો લઈને આવતો. તો પણ આ જોઈને બધા તેની મજાક ઉડાવતા હતા.
આજે તો મીતનો નાસ્તાનો ડબ્બો મોન્ટુએ લઈ લીધો. તે ડબો ખોલીને મોઢું બગાડતાં બોલ્યો, 'મીત, ભીંડાનું શાકને રોટલી લાવ્યો છે. આપણે તો પિઝા અને બર્ગર ખવાય.'
આમ કહીને એણે ડબો ઊંધો વાળી દીધો.
મીત રડવા લાગ્યો. વર્ગ શરૂ થયાં તો પણ રડી રહ્યો હતો. તેને રડતો જોઈને વર્ગશિક્ષકે પૂછયું, 'શું થયું, બેટા? કેમ રડે છે?'
'મેડમ, ક્લાસમાં બધા નાસ્તામાં પિઝા, સેન્ડવિચ, બર્ગર એવું લાવે છે અને હું શાક-રોટલી લાવું છું. એ જોઈને સૌ મારી મજાક ઉડાવે છે.'
મેડમે બધાં બાળકોને ઊભા કર્યાં અને કહ્યું, 'તમે લોકો મીતની મજાક ઉડાવો છો?'
'મેડમ, એ દરરોજ શાક-રોટલી, ફણગાવેલા કઠોળ, સુખડી, પુરી એવો નાસ્તો લાવે છે. તે અમારી જેમ બર્ગર, પિઝા, સેન્ડવિચ નથી લાવતો એટલે અમે તેનો ડબ્બો ઢોળી દીધો, કે જેથી આવતીકાલથી એ પણ પિઝા, બર્ગર કે સેન્ડવિચ લઈ આવે,' મોન્ટુએ કહી દીધું.
'ઓહો! આ તો જંક ફૂડની તકરાર છે. મીત પૌષ્ટિક આહાર ખાય છે અને તમે બધા જંક ફૂડ ખાઓ છો. તમને ખબર છે, આ પિઝા, બર્ગર, સેન્ડવિચ જેવું જંકફૂડ ખાવાથી પેટની સમસ્યા થાય છે? તમને ઘણી વાર ખાધા પછી પેટમાં દુખે છેને? મોન્ટુ, તને જ ગઈ કાલે પેટમાં દુખતું હતું. તું સ્કૂલે પણ નહોતો આવ્યો...અને આર્યન, તું પણ બે દિવસ બીમાર જ હતો.
'હા, મેડમ...' મોન્ટુ અને આર્યન ઢીલા અવાજે બોલ્યો
'હવે તમે જ કહો, તમે રોટલી-શાક જેવો પૌષ્ટિક આહાર ખાઓ તો પેટમાં દુખે?'
'ના, મેડમ...' બધા એક સાથે બોલ્યાં
'આપણે પૌષ્ટિક આહાર જ ખાવો જોઈએ. આપણે પૌષ્ટિક આહાર ખાઈએ તો તેમાંથી શરીરને શક્તિ મળે છે. લીલાં શાકભાજી અને ફળોમાંથી વિટામિન અને ખનીજ ક્ષારો મળી રહે છે. તે આપણા શરીરને પોષણ આપે છે અને મગજને તેજ બનાવે છે. એટલે દરરોજ આપણે ખોરાકમાં પાલક, ગાજર, ટામેટાંનો સૂપ લેવો જોઈએ અને ભોજનમાં દાળ, ભાત, રોટલી, લીલાં શાકભાજી, કઠોળ, સલાડ, તાજાં દહી-છાશ લેવાં જોઈએ. આપણે આવો પૌષ્ટિક આહાર ખાઈશું તો તંદુરસ્તી જાળવી શકીશું. મીત દરરોજ પૌષ્ટિક આહાર લાવે છે તેથી તે વર્ષ દરમિયાન ક્યારેય બીમાર પડતો નથી એેની સો ટકા હાજરી હોય છે.'
વર્ગશિક્ષકની વાત બાળકોના ગળે ઉતરી ગઈ. તેમણે મીતની માફી માગી અને આવતીકાલથી લંચબોક્સમાં જંક ફૂડને બદલે પૌષ્ટિક આહાર લાવવાનો નિશ્ચય કર્યો.