Get The App

સહિયર સમીક્ષા .

Updated: Sep 29th, 2025

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                    . 1 - image

- મારા પિતાના એક મિત્ર સાથે મારી મમ્મીને આડા સંબંધો છે. અમે એ બંનેને એક દિવસ કઢંગી હાલતમાં જોઈ ગયા છીએ. 

મારો મોટા ભાઈ મારી કોલેજમાં જ ભણતી એક યુવતી સાથે પ્રેમમાં છે. તે તેની સાથે લગ્ન કરવા માગે છે. પરંતુ કોલેજમાં આ છોકરીની આબરૂ સારી નથી. મેં મારા ભાઈને ખૂબ જ સમજાવ્યો. પરંતુ તે માનતો  નથી. મારે શું કરવું તે મને સમજ પડતી નથી.  યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.

એક યુવતી (મુંબઈ)

* બંને જણા પુખ્ત ઉંમરના છે. તેઓ પોતાનું સારું-નરસું સમજી શકે છે. આથી તમે આમાં કશું કરી શકો તેમ નથી.  તમે તમારા ભાઈને આ આગમાં કૂદી ન પડવા માટે ઘણું સમજાવ્યો પરંતુ તે માનતો નથી. ધીરે ધીરે એ છોકરીને તેનો પરિચય થશે ત્યારે તેનામાં આપોઆપ અક્કલ  આવી જશે. બીજી બાજુ એ યુવતી તમારા ભાઈને અંતઃકરણપૂર્વક ચાહતી હશે તો તે પોતાની આદત છોડી તમારા ભાઈને વફાદાર રહી નવેસરથી જિંદગી શરૂ કરી પણ શકે છે. કદાચ  તમે પણ તમારા ભાઈ માટે વધુ પડતા પઝેશીવ હોઈ શકો છો. આમ પણ કોઈપણ બહેનને પોતાના ભાઈ માટે કોઈ પણ યુવતી યોગ્ય જણાતી નથી. આ એક માનસિક સમસ્યા છે.  અત્યારના સંજોગો જોતા તો તમારે તેમના સંબંધમાંથી પોતાની જાતને અલિપ્ત જ રાખવી.

હું ૧૯ વર્ષની યુવતી છું. મને ચોવીસ વર્ષના એક યુવક સાથે પ્રેમ છે. છેલ્લાં એક વર્ષથી અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હવે મારા માતા-પિતાએ મને એ યુવકથી દૂર રહેવાની ચેતવણી આપી છે. મને ગર્ભ રહી ગયો હોવાનો ડર છે. કારણ કે મને ઉબકા આવે છે અને વજન પણ વધી ગયું છે. આથી મારે શું કરવું? યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (વડોદરા)

* તમે ગર્ભનિરોધક સાધનોના ઉપયોગ વગર જાતીય સુખ માણો તો ગર્ભ ન રહે તો બીજું શું થાય? માત્ર ઉબકા આવવાથી કે વજન વધવાથી ગર્ભ રહ્યો હોય  તેમ માનવાનું કારણ નથી. ગર્ભનો સંબંધ માસિક સાથે પણ છે. માસિક બંધ થઈ ગયું હોય તો ગર્ભ રહ્યો છે એમ સમજવું. આ માટે વધુ સમય ન ગુમાવતા તમારા માતા પિતાને વિશ્વાસમાં લઈ આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો. ગર્ભના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ગર્ભપાત કરાવવો સલામત છે. તમે સમજ્યા વિચાર્યા વગર પગલું ભર્યું છે. તમારા આ સમાચાર તમારા કુટુંબીજનોને આંચકો આપવા પૂરતા છે. તમારા પ્રેમીએ પણ પૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ. તમારા મમ્મી-પપ્પા કદાચ તમારા લગ્ન કરવાનું પણ નક્કી કરે. તમારો પ્રેમી આત્મનિર્ભર છે ખરો?

હું અને મારી બહેન કોલેજમાં  ભણીએ છીએ. અમે હંમેશાં માનતા હતા કે અમારું કુટુંબ સુખી કુટુંબ છે. અમે એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. પરંતુ હાલમાં અમને જાણવા મળ્યું છે કે મારા પિતાના એક મિત્ર સાથે મારી મમ્મીને આડા સંબંધો છે. અમે એ બંનેને એક દિવસ કઢંગી હાલતમાં જોઈ ગયા છીએ. મારી મમ્મીએ અમને ખાતરી આપી છે કે તે આ સંબંધ તોડી નાખશે. અમને અમારા સીધા-સાદા પપ્પાની ખૂબ જ દયા આવે છે અને અમારી મમ્મી પર વિશ્વાસ રાખવો કે ન રાખવો એ વાતની સમજ પડતી નથી.

એક યુવતી (અમદાવાદ)

* તમારી મમ્મીને તેની ભૂલ સુધારવાની તક આપવી જોઈએ. કદાચ આ એક ક્ષણિક આવેગ પણ હોય જે તક મળતા ઓગળી જાય. તમે આ વાત તમારા પિતાને જણાવી દેશો એ ડરથી પણ કદાચ તે આ સંબંધો કાપી નાખે. આ પ્રકારનું વર્તન માફીને લાયક તો નથી જ અને એક પત્ની અને માતા તરીકે તેનું આ પગલું ખૂબ જ નિંદનીય છે. તેણે પોતાના કુટુંબના સુખ અને ખુશીનો વિચાર કરવો જોઈતો હતો. પરંતુ એને માફ કરી નવેસરથી જિંદગી જીવવાની તક જરૂર આપવી જોઈએ. આથી હમણાં તમારા પિતાને આ અંગે કંઈ પણ કહેતા નહીં. તેના મનની શાંતિ અને ખુશી હણાઈ જશે અને આની અસર તમારા કૌટુંબિક જીવનમાં પડશે.

મારો પુરુષ મિત્ર મારી ખૂબ જ કાળજી રાખે છે. પરંતુ મને તે સેક્યુઅલી આકર્ષિત  કરી શકતો નથી. અમારી મુલાકાત છ મહિના પૂર્વે જ થઈ છે. પરંતુ એ મારી કાળજી રાખે છે એ મને ગમે છે આથી હું તેને મળું છું. તેની સાથે આ વાતની મેં નિખાલસતાથી ચર્ચા પણ કરી છે. આમ છતાં પણ તેને મારો સાથ પસંદ છે. તેણે હમણાં જ છુટાછેડા લીધા છે. આથી તે ખૂબ જ વ્યથિત છે.  મને ડર છે કે હું તેની સાથે સંબંધો તોડી નાખીશ તો તેની માનસિક તાણમાં વધારો થશે.

એક બહેન (રાજકોટ)

* પ્રેમ અને લાગણીત્મક સંબંધ વચ્ચે ઘણો ફરક છે. વળી તમે આ વ્યક્તિને છ મહિનાથી જ ઓળખો છો અને પ્રેમમાં પડવા માટે આ ખૂબ જ ઓછો ગાળો છે.  અત્યારના સમયે તો એવું જ લાગી રહ્યું છે કે તમને આ પુરુષની મૈત્રી પસંદ છે. સમય વિત્યે  તમને તમારી લાગણીનું ચોક્કસ સ્વરૂપ સમજાઈ જશે. જ્યાં સુધી ચોક્કસ રીતે તમારી લાગણી સમજી ન શકે ત્યાં સુધી તેની સાથે શારીરિક સંબંધ ટાળજો અને તમને  એમ લાગે કે આ સંબંધનું ચોક્કસ પરિણામ આવી શકે તેમ નથી  તો આ સંબંધનો અંત લાવવો જ યોગ્ય છે. 

- નયના