સહિયર સમીક્ષા .
- મારા પતિનો એક મિત્ર મને માતા ન બનવાનું કારણ પૂછેે છે અને મારા પતિમાં ઉણપ હોય તો પોતે મદદ કરવા તૈયાર છે, શું માત્ર સંતાન ખાતર બીજા પુરુષ સાથે સંબંધ બાંધવો યોગ્ય છે?
* મારી ઉંમર ૩૫ વર્ષની છે. હું નિ:સંતાન છું. મારા પતિમાં ખામી છે. મારામાં કોઇ ખામી નથી. મારા પતિનો એક મિત્ર મને માતા ન બનવાનું કારણ પૂછ્યા કરે છે અને મારા પતિમાં ઉણપ હોય તો પોતે મદદ કરવા તૈયાર છે એમ પણ તે કહે છે, શું માત્ર સંતાન ખાતર બીજા પુરુષ સાથે સંબંધ બાંધવો યોગ્ય છે?
એક બહેન (મુંબઇ)
* નૈતિક દ્રષ્ટિએ વિચાર કરતા આમ કરવું યોગ્ય નથી. સંતાન માટે તમે બીજા રસ્તા પણ અપનાવી શકો છો. આજે તો વિજ્ઞાાન ઘણું આગળ વધી ગયું છે. કોઇ પણ ઉપાય કારગત ન નીવડે તો તમે કોઇ બાળકને દત્તક લઇ શકો છો.
* મારી વય ૨૭ વર્ષ છે. મારા લગ્ન થયે ચાર વર્ષ થયા છે. છેલ્લા છ મહિનાથી અમે સંતાન માટે પ્રયત્ન કરીએ છીએ. પરંતુ હજુ સુધી હું ગર્ભવતી બની નથી. ગર્ભાવસ્થા માટે શ્રેષ્ઠ ગણાતા દિવસો દરમિયાન પણ અમે પ્રયત્ન કર્યો છે. પરંતુ આજ સુધી અમને અમારા પ્રયાસોમાં સફળતા મળી નથી. મને યોનિમાં ફંગલ ઇન્ફેક્શનની સમસ્યા સતાવે છે. આ માટે મેં એક ગાયનેકોલોજીસ્ટ પાસે સારવાર કરાવી છે. હું ગર્ભવતી કેમ બનતી નથી? યોગ્ય સલાહ આપવા વિનંતી. કારણ કે આની અસર અમારા લગ્નજીવન પર પણ પડે છે.
એક યુવતી (સુરત)
* સંતતી નિયમનનું સાધન વાપર્યા વિના તમે છ મહિનાથી જ સંભોગ કરો છો. આથી તમારે ચિંતા કરવાની જરૂર નથી. સંતતી નિયમનનું સાધન વાપરવાનું બંધ કરતા બીજે જ મહિને ગર્ભ રહી જશે એમ માનતા હો તો એ તમારી ભૂલ છે. કેટલીક સ્ત્રીઓને ગર્ભવતી બનતા વાર લાગે છે. તમે હજુ એકાદ-બે મહિના રાહ જુઓ પછી કોઇ સારા ગાયનેકોલોજીસ્ટની સલાહ લો. કેટલાક ડોક્ટરોની સલાહ મુજબ એકાદ વર્ષ રાહ જોવામાં વાંધો નથી. હા, ઇન્ફેક્શનને કારણે વંધ્યત્વ આવતું નથી. તમારા ગર્ભવતી ન બનવા માટે આ કારણ જવાબદાર નથી.
* મારી ઉંમર ૩૨ વર્ષની છે. મારા બેવાર લગ્ન થયા અને બેવાર છૂટાછેડા થયા છે. પ્રથમવાર અમારા બંનેની મરજી મુજબ લગ્ન થયા હતા પરંતુ બીજીવાર અમારા બે કુટુંબ વચ્ચેના આપસી મતભેદને કારણે તેમજ મારા વીર્યમાં ઝીરો કાઉન્ટિંગ હોવાને કારણે અમારા છૂટાછેડા થયા હતા. તેમણે મને આ બાબતે ઘણો બદનામ કર્યો છે. હવે મારે શું કરવું તે સમજાતું નથી. ત્રીજીવાર લગ્ન કરું અને બાળક ન થાય તો સમાજમાં મારી વધુ બદનામી થાય. શું કરવું તે સમજ પડતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક ભાઇ (મુંબઇ)
* તમારે કોઇ સારા સેક્સોલોજીસ્ટની સલાહ લેવાની જરૂર છે. ફરી એકવાર કાઉન્ટ ચેક કરાવો. એ જ પરિણામ આવે તો કોઇ નિષ્ણાત મનોચિકિત્સકની સલાહ લઇ તે પ્રમાણે આગળ વધો.
* મારી ઉંમર ૧૮ વર્ષની છે. હું કોલેજમાં ભણું છું. મને ૧૯ વર્ષના એક યુવક સાથે પ્રેમ છે. પરંતુ તે મને પ્રેમ કરે છે કે નહીં એ હું જાણતી નથી. મેં તેની સમક્ષ મારી લાગણી પણ જાહેર કરી નથી. યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (વડોદરા)
* આ પ્રકારના પ્રશ્નોના ઉત્તર અમે અવારનવાર સહિયર સમીક્ષામાં આપી ચૂક્યા છીએ. ખેર, તમારે કોઇ પણ રીતે તેને તમારા મનની લાગણીઓ જણાવવી જ રહી. તમારી લાગણીની જાણ એને નહીં થાય ત્યાં સુધી તમારી સમસ્યાનો ઉકેલ મળવાનો નથી. એ યુવક તમારા પ્રેમમાં ન પણ હોય. એની સાથે મૈત્રી બાંધવાની શરૂઆત કરો. એ તમારા પ્રેમમાં હશે તો જરૂર તમારી મૈત્રી સ્વીકારી લેશે અને ન સ્વીકારે તો નાસીપાસ થવાની કોઇ જરૂર નથી. તમારી ઉંમર હજુ નાની છે. અભ્યાસમાં ધ્યાન પરોવો. ભવિષ્યમાં એના કરતા પણ વધુ સારો જીવનસાથી મળશે અને મુગ્ધાવસ્થાનો આ પ્રેમ આપોઆપ ભૂતકાળમાં વિલિન થઇ જશે.
- નયના