Get The App

સહિયર સમીક્ષા .

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
સહિયર સમીક્ષા                                               . 1 - image

- મારા પતિને બહારનાં સંબંધો છે  પરંતુ ઘણા લડાઈઝઘડા અને મનામણાં પછી તેણે સંબંધ તોડવાની તૈયારી બતાવી, પરંતુ મને હજુ પણ લાગે છે કે તે  ચોરીછૂપીથી મળવા જાય છે. 

હું ૩૦ વર્ષની છું. શાળામાં શિક્ષિકા છું. મારા પતિ એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. છ મહિના પહેલાં તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ત્યારથી બેકાર છે. મારા મા-બાપ અને ભાઈ ઈચ્છે છે કે મારા પતિ અને હું તેમની પાસે જયપુર ચાલ્યાં જઈએ. ત્યાં તેમની સારી ઓળખાણ છે. તેઓ મારા પતિને સારી નોકરી અપાવશે અને મને શાળામાં નોકરી મળી જશે, કારણ કે લગ્ન પહેલાં પણ હું ત્યાં શાળામાં શિક્ષિકા હતી.

પતિ વાત સ્વીકારે છે, પરંતુ મારાં સાસુસસરા અને દિયર ઈચ્છતા નથી કે અમે ત્યાં જઈને રહીએ છીએ.  કહે છે કે નજીક રહેવાથી આબરૂ અને પ્રેમ ઘટી જાય છે. તોે મારે શું કરવું?

એક સ્ત્રી(સૂરત) 

* તમારા પતિ ઘણા સમયથી બેકાર છે. જો તમારા ઘરનાંઓ તેને કામ અપાવી દેવા માટે આશ્વાસન આપે છે તો તમારે વધુ વિચારવું જોઈએ.  જ્યાં સુધી તમારી સાસરીવાળાને ડર છે કે નજીક રહેવાથી પ્રેમ અને સન્માન ઓછું થઈ જશે તો તમે જુદું ઘર લઈને પણ રહી શકો છો. સંબંધોની મર્યાદા રાખવાનું કામ તમારા હાથમાં છે.

હું ૩૦ વર્ષની યુવતી છું. લગ્નને ત્રણ વર્ષ થયાં છે. એક વર્ષનો પુત્ર પણ છે. જ્યારથી પુત્રનો જન્મ થયો છે   ત્યારથી મારા પતિ મારા પર નારાજ રહેવા લાગ્યા છે. કહે છે કે હું તેને સમય આપતી નથી. હંમેશાં લડવાના મૂડમાં હોય છે. એક દિવસ ઝઘડો એટલો વધી ગયો કે મારા પર હાથ ઉપાડયો. આ વાતની જાણ મારાં મા-બાપને થઈ ત્યારે તેમણે મારા પતિને આ વિશે પૂછ્યું ત્યારે તેમણે વાત ટાળી દીધી. ત્યારથી અમારી વચ્ચે અબોલા ચાલે છે. આવું ક્યાં સુધી ચાલશે? મન તો થાય છે કે આત્મહત્યા કરી લઉં. પણ મારા બાળકનું પછી શું થાય?

એક સ્ત્રી(નાસિક) 

* તમારું બાળક  નાનું છે. તમે તેના ઉછેરમાં વધુ પડતાં વ્યસ્ત થઈ ગયાં હો તેવું લાગે છે. એટલે તમારા પતિ ઉપેક્ષિત થયો હોય  તેવું બને. ઝઘડાનું મુખ્ય કારણ આ જ છે. બાળકની અને તમારી દિનચર્યા એવી બનાવો કે રાત્રે પતિને તમે પૂરો સમય આપી શકો. તેમને પણ એવું લાગવું જોઈએ નહીં કે તમે તેના તરફ નજર સરખી કરતા નથી.

અંદરના ઝઘડાની વાત મા-બાપોને કરવી જોઈએ નહીં. તમારા પતિને આ વાતથી ખોટું લાગ્યું છે. જો તમારી સાથે વાત નથી કરતા તો તમે જાતે તેની સાથે વાત કરવા લાગો.

હું ૪૦ વર્ષની પરિણીત સ્ત્રી છું. અમારે ત્રણ બાળકો છે. તેમ છતાં પતિને બહારનાં સંબંધો છે તે વાત મારી સામે આવી. તેણે સાફ ના કહી, પરંતુ ઘણા લડાઈઝઘડા અને મનામણાં પછી તેણે સંબંધ તોડવાની તૈયારી બતાવી, પરંતુ મને હજુ પણ લાગે છે કે તે  ચોરીછૂપીથી મળવા જાય છે. એટલે અમારો ઝઘડો થતો રહે છે, પરંતુ શું કરું, મને સમજાતું નથી. લડયા પછી હું તેમને મનાવી લઉં છું. શું કશો ઉપાય છે, જેનાથી મારા પતિ એ છોકરીને ભૂલી જાય?

એક સ્ત્રી(અમદાવાદ) 

* તમે તમારા પતિને સમજાવી શકો છો કે તમારાં ત્રણ સંતાનોને ઉછેરવાની જવાબદારી તેના પર છે. બાળકો માટે મા-બાપ આદર્શ હોય છે.  એટલા માટે આપણે એવું કોઈપણ કામ ન કરવું જોઈએ, જેનાથી બાળકો પર ખરાબ અસર પડે.

પરંતુ દરેક સમયે શંકા કરવી, ઉપદેશ આપવો, ઝઘડો કરવો  તેનાથી પ્રશ્નનો ઉકેલ નહીં આવે. એટલા માટે  શાંત રહો. જો તે કહે છે કે તેણે એ યુવતી સાથેનો સંબંધ તોડી કાઢેલો છે તો વિશ્વાસ કરવા સિવાય તમારી પાસે બીજો કશો માર્ગ નથી.

વહુને જ્યારે તેની સાસરીના લોકો ત્રાસ  આપે છે ત્યારે તેની મદદ કાનુન કરે છે, પરંતુ જ્યારે વહુ દ્વારા સાસુ અને નણંદને ત્રાસ આપવામાં આવે છે ત્યારે તેનો ન્યાય કોણ કરશે? અમે અમારી વહુથી ખૂબ જ પરેશાન છીએ શું કરીએ?

એક સ્ત્રી(પૂના) 

* તમે સ્પષ્ટ કશું લખ્યું નથી. જો તમે આર્થિક રીતે સક્ષમ હો, દીકરાવહુ પર આધારિત ન હો તો સારું એ રહેશે કે તમે જુદા થઈ જાઓ. જો ઘર તમારું હોય તો તમે તેમને તેમની અલગ વ્યવસ્થા કરી લેવાનું કહી દો. ઘણીવાર દૂર રહેવાથી સંબંધોમાં મધુરતા રહે છે.

- નયના