નહીં હમમેં કોઈ અનબન નહીં હૈ, બસ ઈતના હૈ કી અબ વો મન નહીં હૈ...

- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- જેને આપણે જેન ઝી અથવા તો જેન આલ્ફા કહીએ છીએ, તેમના મનમાં કોઈ પસ્તાવો નથી, કોઈ કડવાસ નથી, તેમને કોઈ અફસોસ નથી. તેમને લાઈફની જર્નીમાં જે અનુભવ થાય છે તેને ભેગા કરતા જાય છે. તેઓ મનમાં ભરીને કશું જીવતા જ નથી. તેમને તો મન ભરીને જીવવાની ઈચ્છા છે અને કદાચ એટલે જ તે ઝડપથી મુવ ઓન થઈ શકે છે.
સંબંધોમાં ઘસાઈ જવું, ઘસાયા પછી પણ કોઈ લાભ ન થવો, બીજી વ્યક્તિ દ્વારા પોતાનો ફાયદો ઉઠાવવો, સંબંધોમાં વર્ષો સુધી ખેંચાયા પછી, ઘસાયા પછી ખાલી હાથે રહી જવા જેવી ફરિયાદો એક સમયે થતી હતી. માણસોના મનમાં છેતરપિંડી, વિશ્વાસઘાત, મારો ઉપયોગ કર્યો જેવી ઘણી કડવાશ ભરેલી રહેતી હતી પણ હવે સ્થિતિ બદલાતી જાય છે. નવી પેઢીને આ બધાથી ખાસ ફરક જ નથી પડતો. તેઓ દરેક સંબંધમાં એટલા બધા કેઝયુઅલ થવા માંડયા છે કે, દિલ તૂટવા જેવી, છેતરાયા જેવી, મારો યૂઝ કર્યો, મને છોડી દીધો કે છોડી દીધી જેવી ફિલિંગ તેમના મનમાં ખાસ આવતી જ નથી. ક્યારેક આવી લાગણી ઊભી થાય છે તો લાંબો સમય ટકતી જ નથી. આ પેઢી પાસે કદાચ મજબૂત મનોબળ નથી પણ સંબંધોની સ્પષ્ટતા છે. તેમના મનમાં સ્પષ્ટ ભાવ છે કે, જે વ્યક્તિ સાથે નથી ફાવતું તેમાં એડજસ્ટ થવાની કે લાંબું ખેંચવાની કોઈ જ જરૂર નથી. જે રીતે અને જેમ થાય છે તેમ ચાલવા દેવું પણ તેમને પસંદ નથી. તેઓ ક્લેરિટી સાથે કનેક્ટ થાય છે અને છૂટા પણ એટલા જ સ્વાભાવિક રીતે પડી જાય છે.
નહીં હમમેં કોઈ અનબન નહીં હૈ,
બસ ઈતના હૈ કી અબ વો મન નહીં હૈ....
મૈં અપને આપ કો સુલઝા રહા હું,
તુમ્હેં લેકર કોઈ ઉલઝન નહીં હૈ...
મંગલ નશીમ સાબનો ઉપરોક્ત શેર કદાચ આ પેઢીને માનસિકતાને સુપેરે રજૂ કરે છે. જેને આપણે જેન ઝી અથવા તો જેન આલ્ફા કહીએ છીએ. જેમના સંબંધોને ખાસ ટકાઉ માનતા નથી તેમની પાસેથી જ આ નિખાલસતા આપણા સુધી પહોંચી છે. તેમના મનમાં કોઈ પસ્તાવો નથી, કોઈ કડવાસ નથી, તેમને કોઈ અફસોસ નથી. તેઓ લાઈફની એક પ્રોસેસમાં આગળ વધતા જાય છે. લાઈફની જર્નીમાં જે અનુભવ થાય છે તેને ભેગા કરતા જાય છે. તેઓ મનમાં ભરીને કશું જીવતા જ નથી. તેમને તો મન ભરીને જીવવાની ઈચ્છા છે અને કદાચ એટલે જ તે ઝડપથી મુવ ઓન થઈ શકે છે.
એક સમય હતો કે, આપણે બધા એકબીજા માટે મરીપરવારવા તૈયાર રહેતા હતા. એકબીજા વગર ચાલતું નહોતું. પ્રેમી, મિત્રો, પતિ-પત્ની અને નજીકની વ્યક્તિઓ માટે કંઈપણ કરી છૂટતા. આ લોકો પાસેથી દગો મળે ત્યારે આપણે પારાવાર પીડા થતી. મિલેનિયલ્સ હજી પણ આ પીડા ભોગવે છે. તેમની આગળની પેઢીને તો આ સ્થિતિ જીવલેણ બની જતી હતી. જૂની ફિલ્મોમાં જોયું જ હશે કે, વિશ્વાસઘાત થાય તો વ્યક્તિ મરી જાય અથવા તો હાર્ટ એટેક આવી જાય. આવી પીડા હવે નવી પેઢીને થતી નથી. તને માફ નહીં કરું, આખી જિંદગી તારું મોઢું નહીં જોવું, હું મરી જાઉં તો પણ દેખાતો નહીં, મને દુ:ખી કરીને તું ક્યારેય સુખી નહીં થાય, આખી જિંદગી તું હેરાન થઈશ જેવી ઘણી બાબતો આપણે બોલ્યા હોઈશું અને કદાચ સાંભળી પણ હશે. નવી પેઢીને આ બધાથી કોઈ ફરક પડતો નથી. તેઓ ઝડપથી ભુલીને આગળ વધવામાં માને છે.
આ મુવ ઓન થવાનો જે નવી પેઢીનો કોન્સેપ્ટ છે તે ખરેખર સમજવા જેવો અને ક્યારેક અનુસરણ કરવા જેવો છે. આપણા જીવનમાં ઘણી વખત બનતું હોય છે કે, કોઈ વ્યક્તિ સાથે લાંબા સમય સુધી સંબંધો હોય, તેમની સાથે જોડાયેલા હોઈએ અને જીવનના કોઈ એક તબક્કે એવું થાય કે, આપણી વચ્ચે વિખવાદ થાય, મનભેદ થાય. તે સમયે ખરાબ બાબતને ઉકેલવા પ્રયાસ કરવો જોઈએ પણ જો ગુંચ ઉકેલાતી ન હોય તો તેને છોડી દેવાની. જે ખરાબ ઘટના છે અને જેના કારણે સંબંધ બગડયો છે તેને ભુલીને આગળ વધી જવાનું. સંબંધની એક ખરાબ બાબતને મનમાં નહીં રાખવાની પણ જૂની હજાર સારી બાબતોને મનમાં રાખવાની જેથી ભવિષ્યમાં ફરી ક્યારેક મળીએ તો વાત કરવા જેટલો તો વ્યવહાર બાકી બચ્યો હોય. માણસ પોતાની જાતને આગળ વધારી તે અને સામેની વ્યક્તિને પણ આગળ વધવા તે તેનાથી ઉત્તમ બીજું કશું હોઈ જ ન શકે.
જીવનને સરળ બનાવવા આ મુવ ઓન ખૂબ જ જરૂરી છે. મુવ ઓન મનની પીડાનો મલમ છે. કોઈની સાથે વેર રાખવું, બદલો લેવો જેવી લાગણીઓ હકિકતે તો આપણને જ નુકસાન કરે છે. જ્યાં સુધી આપણે સામેની વ્યક્તિને નુકસાન ન પહોંચાડી દઈએ ત્યાં સુધી એ પીડાની આગમાં સળગ્યા કરવાનું, ચિંતા કરવાની, આયોજનો કરવાના, શક્તિનો વ્યય કરતા રહેવાનું. આ બધું કરવું તેના કરતા એ વ્યક્તિને જ છોડીને ભુલી જવાની. તે આપણા માટે ક્યારેક ખાસ હતી પણ હવે તેની કોઈ વિસાત જ નથી. દુનિયામાં કરોડો માણસો છે જે આપણા માટે સામાન્ય છે કે, આપણે જેને જાણતા જ નથી તેના જેવી જ આ વ્યક્તિ થઈ ગઈ તેમ સ્વીકારી લેવાનું.
નવી પેઢીની રિલેશનશિપ પણ નવી છે. તેમના માટે રિલેશનશિપ ક્યારેય લાઈફ રહી જ નથી. તેમના માટે રિલેશનશિપ, સિચ્યુએશનશિપ કેપછી હેંગઆઉટ જેવી બાબતો લાઈફનો એક ભાગ રહી છે. તેના કારણે જ તેઓ સ્પષ્ટ પણે માને છે કે, પ્રેમ જીવન માટે જરૂરી છે પણ પ્રેમ જીવન નથી. એક સમય હતો કે કોઈ વ્યક્તિ ગમતી હતી પણ હવે એ સાથે નથી. મનને ખાલી કરો, મગજને ખાલી કરો અને તે વ્યક્તિની જગ્યા પણ જીવનમાંથી ખાલી કરો. આપણે અલગ થઈ ગયા છીએ તે ભાવનાને સમજીને આગળ વધો અને આનંદ કરો. હવે તું લાઈફનો પાર્ટ નથી, તું સ્પેશિયલ નથી, મારે કંઈ જોતું નથી, મારે કંઈ આપવાનું નથી. જીવનમાં કોઈ તબક્કે મળીશું તો એકબીજાને ગ્રીટ કરવા જેટલી સભાનતા રાખીશું.
વર્તમાન સમયમાં જોઈએ તો ત્રણ પેઢીઓ સાથે રહે છે. એક પેઢી જે જિંદગીના છઠ્ઠા અને સાતમા દાયકામાં પહોંચેલી છે. તેમના સમયમાં પ્રેમ કરવો ખૂબ જ મુશ્કેલ હતો. પ્રેમ થયા પછી ટકાવવો અને તેમાંય પ્રેમ થનાર પાત્ર સાથે લગ્ન થવા તે તો અતિશય કપરું કામ હતું. તેમ છતાં કેટલાક કિસ્સા અદ્વિતિય બની જતા હતા. તે સમયે તો પ્રેમ થાય તો નિષ્ફળતાના ચાન્સિસ ૯૫ ટકા રહેતા હતા. તેમાંય તેમના પરિવારને તો ખબર ન જ પડવી જોઈએ. છોકરીનો પરિવાર પ્રયાસ કરતો તે છોકરીના પ્રેમની વાત આજીવન તેના પતિને કે તેના ઘરનાને ખબર ન પડે. આવો પણ એક સમય હતો. ત્યારબાદ આવે છે એ પેઢી તે હાલમાં ૩૫ થી ૫૦ની વચ્ચે જીવે છે. આ પેઢીએ પ્રેમ કર્યો, લગ્ન કર્યા, બ્રેકઅપ પણ કર્યા અને તેની પીડામાં જિંદગી પણ પસાર કરી. તેમની પાસે મિક્સ ઈમોશન હતા. આ પેઢીની એક પીડા એવી પણ હતી કે, ઘરનાને ખબર પડી જાય કે છોકરો અથવા છોકરી કોઈની સાથે પ્રેમમાં છે તો પહેલાં તેને તોડવાનો પ્રયાસ થતો નહીંતર તેને પરણાવી દેવાનો પ્રયાસ થતો.
હવે આખી જુદી જ પેઢી આવી છે. તેમના માટે પ્રેમ રોજિંદા જીવનનો એક ભાગ છે. તેમના માટે કોઈપણ સંબંધ ભારરૂપ છે જ નહીં. તેમને કશું જ સંતાડવું નથી અને પોતે પણ ક્યાંય સંતાવું નથી. હજી એવા ઘણા ઘર છે જેમાં પતિ કે પત્નીના જૂના પ્રેમની વાત બહાર આવે તો ઘરમાં કંકાસ ચાલે છે. વાત છૂટાછેડા સુધી પહોંચી જાય છે. તેમને કોઈની સાથે કારણ વગર કનેક્ટેડ રહેવાની આદત જ નથી અને ઈચ્છા પણ નથી. તેમના માટે રિલેશનશીપમાં જે ટ્રાન્સપરન્સી છે તે હકિકતે જૂની પેઢીને નફ્ફટાઈ લાગે છે. તેનું કારણ છે કે, આ લોકો પોતાના એક્સ પ્રેમી, એક્સ પ્રેમિકા કે પછી એક્સ પતિ અથવા પત્નીની મુલાકાત પોતાના વર્તમાન સાથી જોડે કરાવી શકે છે. તેઓ ખૂબ જ કેઝયુઅલી એકબીજાને મળી શકે છે. સમાજના જજમેન્ટલ બિહેવિયરની તેમને કોઈ પડી જ નથી. તેઓ માત્ર એટલું જ માને છે કે, વર્તમાન સમયમાં મારી સાથે અને મારી પડખે જે વ્યક્તિ ઊભી છે તે મારા માટે મહત્ત્વની છે. મારી જિંદગીને મારે મારી રીતે જીવવી છે અને તેના માટે મારે બીજાના વેલિડેશનની કોઈ જરૂર જ નથી.
સમાજ અને જૂની પેઢી એવું માને છે કે, આજની પેઢીમાં સ્વચ્છંદતા આવી ગઈ છે. કેટલાક અંશે માની લઈએ કે તેને સ્વચ્છંદતા કહી શકાય પણ તેમ છતાં તેમનામાં સ્વતંત્રતાની ભાવના વધારે પ્રબળ છે. તેઓ પોતે કોઈના ઉપર ભારણ બનવા માગતા નથી અને બીજાને પોતાનું ભારણ બનાવવા માગતા નથી. આજે ફાવ્યું તો સાથે છીએ અને કાલે નહીં ફાવે તો જુદા થઈ જઈશું. તેમની આ સ્વતંત્રતા સમાજના નિયમો તોડવા, માતા-પિતાની અવગણના કરવી કે વડીલોને માન ન આપવા જેવી સ્થૂળ બાબતો સાથે જોડાયેલી નથી. તેઓ પોતાની લાઈફ, પોતાના વિચારો, પોતાના સંબંધો, પોતાની લાગણીઓ માટે વિચારે છે અને તેના આધારે જ નિર્ણય કરે છે. તેમને સંબંધમાં હિંસા કરવી, હત્યા કરવી, દારૂ કે ગાંજાના નશામાં જીવન બરબાદ કરી નાખવું ગમતું નથી. હવેની પેઢીને ગમે છે કે, જરૂર છે, ઈચ્છા છે, ઈમોશન છે ત્યાં સુધી સાથે રહો અને જે દિવસે લાગે કે હવે નથી ફાવતું તે દિવસથી રામ રામ કહી દો. જેમ એકબીજાને સહજતાથી અને સરળતાથી મળ્યા હતા તેવી જ સહજતા અને સરળતાથી છૂટા પડી જાઓ. પોતાના મનમાં કોઈ ગિલ્ટ રાખવાની જરૂર નથી કે સામેની વ્યક્તિને પણ અનુભવ કરાવવાની જરૂર નથી.








