Magazines

વાચકની કલમ .

By GS TEAM
16 Jun 20253 mins read
વાચકની કલમ                                                   .

પહેલો વરસાદ

તપી ધરતીને

માથે પડયો તાપ

અંગે અંગ દાઝે છે

વધી ગયો તાપમાન

મેહૂલા તને વિનવું રે

વરસજે તું મુશળધાર

નદીઓ નાળા વ્હેતાં થશે

ગંદગીઓ થઈ જશે સાફ

લૂં ફેલાયો છે ચૌ તરફ

મનુય કરે છે સંતાપ

મેહૂલા તને વિનવું રે

વરસજે તું ધોધમાર

કલરવ કરશે પંખીઓ

કોયલ ગાશે મધુરગાન

લીલી થશે વનરાઈઓ

મોરલો કરશે થનગનાટ

મેહૂલા તને વિનવું રે

વરસજે તું બેશુમાર

સૂકાય ગયાં છે ખેતરો

જાણે પડયો રે દુષ્કાળ

ઋત કેરી રાવી કરે પુકાર

વિજ ચમકે ને કર મેઘનાદ

મેહૂલા તને વિનવુ રે

ધીમે ધીમે પણ આવરે વરસાદ

વિનવે તને સૌ સૃષ્ટિના બાળ

આવરે વરસાદ ........

આવરે વરસાદ........

રામજી ગોવિંદ કુંઢડિયા 

(વિદ્યાવિહાર, મુંબઈ)


શિવઉવાચ 'હું'

ગંગામાં હું હોઉ છું ને 

જમનામાં હું હોઉ છું 

તારામાં હું હોઉ છું ને

એનામાં હું હોઉ છું

મારે શેનો ભેદભાવ

બધાંમાં હું હોઉ છું

બધા સાથે પ્રેમ મને

બધા સાથે દોસ્તી

આ દોસ્તી ને પ્રેમના

નશામાં હું હોઉ છું

તોય તારી રગે રગ

મને ખબર હોય છે

ભલે આડા પડદા હોય

પણ પડદામાં હું હોઉ છું

મારા ચહેરે કદી પણ

ઉદાસી હોતી નથી

આઠેય પહોર આનંદમાં

મઝામાં હું હોઉ છું

તને નથી દેખાતો 

આજુ બાજુ ક્યાં પણ

તારા દરેક મુદ્દામાં

ચર્ચામાં હું હોઉ છું

બારી પાસે, બારણે,

બારસાખ કે ઊંબરમાં

તારા ઘરના નાનાએવા

ફળિયામાં હું હોઉ છું

દોસ્ત, 

આમ તો સૌ સૌની

શ્રદ્ધાનો હું વિષય છું

ને શ્રદ્ધામાં હું હોઉં છું

એમ શંકામાં હું હોઉ છું

જગદીશ ગોહેલ 'દોસ્ત' 

(ગારિયાધાર)


સાસ્વત પ્રેમ

પ્રેમ કરવો એકને

ચાહવું અનેકને

રસમ તારી મને મંજુર નથી

તને ચાહી છે મેં હજી પણ

કહું એ જ તૂજને સનમ

તિખારા ધીખે છે હજુ પણ

જુના એ પ્રણયના

મિલન આપણું હાલનું

હવે રહ્યું નથી પ્રીયે

તારી ચમકતી આંખોની સામે

ચમકતા તારા તો કંઈ જ નથી

કમનીય કાયા ને મલકતી ચાલે

હૈયુ મારું હરખાઈ રહ્યું

છોડ ડર જગનો પ્રીયે

સત્કાર કરવા તડપી રહ્યો

સી. જી. રાણા (ગોધરા)

ઈશ્વર તારી માયા અપરંપાર

કાગળનાં ફૂલો કદી ખિલતાં નથી

ઘોડા વિચારોનાં કદી દોડતાં નથી

મિથ્યાગુમાનમાં રાચે છે લોકો ઘણાં

વર્ષાના વાદળો કદી ગરજતાં નથી

ફૂલો કરતાંય 

દિલ નાજુક હોય છે

પત્થર દિલ માનવ કદી રોતાં નથી

શેખીખોરોનો આ જગમાં તોટો નથી

ભરેલાં વાસણો કદી ખખડતાં નથી

નવાઈ છે કે ઝેર ઘણાં લોકો પીવે

ઝેર પીનારાં બધાં 

શંકર હોતાં નથી

ઈશ્વર તારી માયા અપરંપાર છે

ઉપર જાનારા કદી પાછાં ફરતાં નથી

જીવન એવું જીવો કે સૌ યાદ કરે

મર્યા બાદ જેને લોકો ભુલતાં નથી

યોગેશભાઈ આર. જોશી (હાલોલ)

પ્રિયાને...

પ્રતીક્ષા તારી સરસ સરસ

મિલન તારું મધુર મધુર

નજર તારી જબર જબર

વાસના તારી અનલ અનલ

અંગે અંગ તારાં સુંદર સુંદર

મળવું મને તારું સરસ સરસ

ભાગ્ય મારું-તારું બરફ બરફ

જિંદગી એક સારી સફર સફર

જીવી લેવું તારી

મારી ફરજ ફરજ

મળવું તારું મને તરસ તરસ

સમજ તારી ખુબ કઠણ કઠણ

માગણી મારી ખુબ તરસ તરસ

જોવું તને જગથી અલગ અલગ

તું કેમ મનથી નિરસ નિરસ

તું 'સુમન'ની ગઝલ સરસ સરસ

સુમન ઓઝા (ખેરાલુ)

જીવન સંગીત

મારા દિલના ખૂણે ખૂણામાં

ગુંજતું તારૃં ગીત છે

સંસારની સૂરાવલીમાં મઢ્યું

જીવન સંગીત છે

તારા હોઠ પરથી સરી પડયા

પ્રેમના બે પુષ્પો

શબ્દે શબ્દથી ગુંથાયું

સૂરીલું પ્રેમગીત છે

તારા દિલમાં  મને સ્થાન

મળ્યું એ જ ઘણું છે

દિલદાર દિલના સહવાસમાં

અનોખું સ્મિત છે

જીવનનાં અંતરંગમાં

આપણે રંગાઈ જઈશું

પ્રેમાળ હૈયાની હુંફમાં

જીવન એક જીત છે

સંસારના આટાપાટામાં

કદીક ભૂલા પડીએ

સુખદુ:ખ, ચઢાવઉતાર

કે પછી હારજીત છે

દિલના અરમાનો તો

આકાશને આંબી જાય છે

સપનાને સાકાર કરવા

તારી અતૂટ પ્રીત છે

હજારો માઈલની શરૂઆત

બે પગલાંથી થશે

તરી જઈશું ભવપાર

એ જ સંસારની રીત છે

ભગુભાઈ ભીમડા (ભરૂચ)

જો જે!

દિલને તું એકાદ વખત તો વાંચી જો જે

અંદરનો વિસ્તાર સતત તું વાઢી જો જે!

પળભરમાં તો બાગ બગીચે કૂંપળ ફૂટી

મૌસમમાં વિખવાદ 

સમયને જાણી જો જે!

મીરાંએ જો ઝેર 

ઘટોઘટ ખુદ પીધા છે

લાગી ખુદમાં આગ 

અગમથી ઠારી જો જે!

નિસ્વાર્થી કર પ્રેમ પછીથી 

જીવન પળપળ

તન-મન-ધન એકાંત 

તરફ તું વાળી જો જે!

માયા છોડી આવ 'ભરત' તું રણમેદાને

હારી બાજી જીત અટલથી માણી જો જે!

ભરત વાળા (ભાવનગર)