વાચકની કલમ .

ત્યારે માણસ થાકી જાય છે
માણસ ક્યારેક
થાકી જાય છે
ચૂપ રહીને
શાંત રહીને
યાદ કરીને
રાહ જોઈને
ઉમ્મીદ રાખીને
ચોખવટ કરીને
સંબંધની ભાવીને
ભોળા બનીને
પ્રેમ કરીને
બધુ આપીને
સમર્પિત થઈને
ને....
પોતાનાને મનાવીને
થાકી જાય છે
'મીત' (સુરત)
મૌસમ છે!
(ગઝલ)
છલકાવાની મૌસમ છે, છલકાય જવું,
મલકાવાની મૌસમ છે, મલકાય જવું,
પાગલ છું, પ્રેમ કરું છું, પણ હીરો છું,
પરખાવાની મૌસમ છે પરખાય જવું
કેમ મળી ગયા સપનામાં કંઈ તો બોલો,
શરમાવાની મૌસમ છે શરમાય જવું.
પહેલીવારની મુલાકાત નહીં ભૂલું હું,
હરખાવાની મૌસમ છે. હરખાય જવું.
સૌમ્ય મૌસમમાં રંગોને બદલે છે,
બદલાવાનીમૌસમ છે, બદલાય જવું.
સુનીલપરમાર 'સૌમ્ય' (ભાવનગર)
જિંદગાની
સાચવી રાખો ખીલેલા ફૂલની જેમ
કરમાઈ ન જાય જિંદગી
વહેતી રહેવા દો સરિતાની જેમ
સુકાઈ ન જાય જિંદગી
તકલાદી છે સાવ કાચ જેવી
તૂટી ન જાય જિંદગી
દોસ્તો! આ તો ઉછીનો માલ છે
કોઈની થાપણ છે જિંદગી
આપણી નથી આપણી પાસેથી
ચાલી જવાની જિંદગી
મણિલાલ ડી. રૂધાણી (રાણાવાવ)
નિર્ધાર કર્યો છે
એકવાર નહીં પણ સો વાર કર્યો છે,
હા, મેં તો માત્ર
તને જ પ્યાર કર્યો છે.
દિલ દઈ દીધું તને
તારી એક અદામાં,
તેં ક્યા હજી એવો વ્યવહાર કર્યો છે?
પ્યાર કરવાની
સજા મળી હતી આકરી,
ગુનો તોપણ એ જ મેં
વારંવાર કર્યો છે!
દોષ બીજાને દઈનેય લ્યો શું વળવાનું?
પગ પર હાથે કરીને પ્રહાર કર્યો છે!
જખમ હતો તાજો ને મીઠું ભભરાવ્યું!
બહુ સારો એવો તે ઉપચાર કર્યો છે!
વફા વચનની વાતો હવે રહેવા દે જે,
પ્યારમાં તે તો નફાનો વેપાર કર્યો છે.
'અજનબી' ને પ્યાર કરી ઘણું પસ્તાણો,
પ્યાર ન કરવાનો હવેથી
નિર્ધાર કર્યો છે!!
પ્રવિણકુમાર લવજીભાઈ પારઘી (વિરમગામ)
રેલાઈ ગયા
વાતમાં ને વાતમાં એવા
તો દોરાઈ ગયા,
લાગણીની જંજીરમાં
જ્યારે જકડાઈ ગયા.
સ્તબ્ધ જીવનની વીણાના
તાર ઊઠયા રણઝણી
વાદળો દુ:ખના બધાં
પળમાં જ વિખરાઈ ગયા.
જિંદગીના જખમ સઘળા
સામટા મહોર્યા ફરી,
આંખથી એવા અમી
શું પળમહીં પાઈ ગયા.
જીવવાની શું મજા આવી
ગઈ હું શું કહું?
બંધનો જન્મો જન્મનાં એવા
બંધાઈ ગયા.
ચાંદની જોઈ અને બોલી
ઊઠયું આખું જગત
'ચાંદ'ના કિરણો ગગનના
અંગે રેલાઈ ગયા.
પ્રવીણ પોંદા 'ચાંદ' (ભાવનગર)
લખી નાખ્યું છે
પુરાણી છે ગાથા પણ,
નવનીત લખી નાખ્યું છે
લખવાની તો ગઝલ હતી-
ગીત લખી નાખ્યું છે
''અઢી અક્ષર કાફી છે,
જિંદગીમાં પ્રેમ ના''
આ લખ્યું છે એણે બહુ,
ઉચિત લખી નાખ્યું છે.
રહેવા દ્યયો બીજા કોઈ,
શબ્દો ના રણકારને
મેં મારા દરવાજે,
સંગીત લખી નાખ્યું છે.
તને સારું લાગે એ,
કાયમ પછી રાખજે,
પણ અત્યારે તો મેં તને
આ મીત લખી નાખ્યું છે
હજુય ઘણું આપવા,
આતુર છું, તું માંગે તો
તારા નામે આખે આખું
ચિત્ત લખી નાખ્યું છે
જો કે એમાં કોઈ ગંભીર,
ગુનો નથી મેં કર્યો
તારા ઘરની દીવાલ ઉપર,
મેં ભીત લખી નાખ્યું છે.
ખેલ છે - ને ખેલમાં- ભાઈ,
હાર પણ આવી ચડે
તોય જો ને હાથમાં
જીત લખી નાખ્યું છે.
દોસ્ત, એને ઈશ્વરની,
બક્ષિસ હું તો માનું છું
એણે તારા હોઠની પાછળ,
સ્મિત લખી નાખ્યું છે.
જગદીશ ગોહેલ 'દોસ્ત' (ગારિયાધાર)
સારથિ
આપણે આપણા મનના
સારથિ છે ભાઈ
જીવનરથનો રથિ પણ તું જ છે ભાઈ
હોય ભલે ને તરંગી આપણું મનડું
એની લગામ તો આપણા
ાૃહાથમાં છે ભાઈ
કારણ છે સુખદુ:ખનું આપણું આ મન
સુખદુ:ખ એકબીજાના પૂરક છે ભાઈ
ઝંઝાવાતો જીવનમાં આવે ને જાય છે
સમય પૂરો થતાં એ જતી રહે છે ભાઈ
કોણ પૂછે છે મને કે ભાઈ તું શું કરે છે?
જીવન ભલું આપણે જીવવાનું છે ભાઈ
સાવિત્રી હવે નહિ બચાવે સત્યવાનને
તું ધુ્રવ, તુ પ્રહલાદ,
તુ તરુવર છે ભાઈ
આપણે જ દીવો થઈએ આપણા દિલનો
તુ જ તારો મિત્ર, તુ જ તારો શત્રુ છે ભાઈ
ભગુભાઈ ભીમડા (હલદર-ભરુચ)









