Magazines

અજમાવી જૂઓ .

By GS TEAM
16 Jun 20252 mins read
અજમાવી જૂઓ                                                  .

- સૂપ જો સારો ન બનતો હોય તો  નિરાશ થવાની જરૂર નથી. તેમાં આખાં મસાલાને બદલે  દળેલાં મસાલા (ગરમ  મસાલા)  નો પ્રયોગ કરો. 

- વાટેલાં તાજાં મસાલા હોય તો રસોઇનો રંગરૂપ તેમજ સ્વાદ વધી જશે. વાટેલું લસણ કે આદુંનો જો પ્રયોગ કરવો હોય તો તાજું જ વાટીને તૈયાર કરવું કારણ કે પહેલેથી વાટીને પેસ્ટ બનાવી રાખી હશે તો તેની ગંધ તો ઊડી જશે સાથે સ્વાદ પણ બેસ્વાદ બની જશે.

- મસાલો શેકતી વખતે ગરમ મસાલાને તેની સાથે શેકશો નહીં, કારણ કે વધુ તાપને કારણે તે બેસ્વાદ બની જશે. રસોઇ તૈયાર થઇ  ગયા પછી જ તેમાં ઉપરથી ગરમ મસાલો નાખીને હલાવો અને થોડી વાર ઢાંકી દો. તો ગરમ મસાલાની સુગંધ જળવાઇ રહેશે. ભોજન વધુ સ્વાદિષ્ટ બનશે.

- ખાટી વસ્તુઓ પણ રસોઇ તૈયાર થઇ જાય પછી નાખો. નહીંતર સ્વાદ તો બગડશે સાથે  ખાદ્ય પદાર્થ કાચો રહી જાય તેવું પણ બને.

- શાકભાજી કાપવાની તેમજ ધોવાની રીત પણ તેનાં સ્વાદ ઉપર અસર કરે છે. ભીંડાને કાપતી વખતે હંમેશા પહેલાં પાણીથી ધોઇ લેવા જોઇએ ત્યારબાદ સૂકાં કપડાંથી કોરા કરીને કાપવા જોઇએ નહીં તો ચીકણાં તેમજ સ્વાદ વગરનાં બનશે. તેવી જ રીતે શાકભાજીને પણ સારી રીતે ધોઇ-લૂછીને જ બનાવવાં જોઇએ, નહીં તો શાક પાણીપોચું અને બેસ્વાદ બનતાં વાર નહીં લાગે.

- પુલાવ બનાવતી વખતે જો તેમાં  આખા મસાલાનો પ્રયોગ કરતા હો તો હિંગ નાખશો નહીં, કારણ કે તે બધા મસાલાને સ્વાદ વિનાનો બનાવી દેશે.

- દૂધ ગરમ કરતી વખતે દૂધને વાસણમાં નાખીને જ ગેસ પર ચડાવો. જો  વાસણ પહેલેથી જ ગેસ પર મૂકેલું હશે તો નીચે દૂધ દાઝી જશે અથવા દાઝવાની ગંધ બધા દૂધમાં  આવી જશે. જેને લીધે બધું જ દૂધ બગડી શકે.

- દૂધ જો દાઝી જાય તો તેમાં નાની એલચીનો ભૂકો કરી કે પાઉડર દૂધમાં નાખી દેવો અથવા તુલસીનાં પાન નાખીને દૂધ ઉકાળો તો દૂધ પીવાલાયક બની જશે. કાચા દૂધમાં પણ કોઇ જાતની વાસ આવતી હોય તો ઉપરનો પ્રયોગ કરી શકાય.

- મીનાક્ષી તિવારી