Magazines

મૂંઝવણ .

By GS TEAM
21 Jul 20253 mins read
મૂંઝવણ                                                               .

- મારું ઓવેરિયન સિસ્ટનું ઓપરેશન કરાવવું પડયું હતું. એ દરમિયાન મને ખબર પડી કે હું 'સ્ટરાઈલ' પણ છું.  પણ આવો કોઈ પ્રશ્ન ઊભો ન થાય એ માટે યોગ્ય રસ્તો બતાવશો?

* હું ૨૮ વર્ષની યુવતી છું. થોડો સમય પહેલાં જ મારી સગાઈ થઈ છે,  પરંતુ એ પહેલાં મારું ઓવેરિયન સિસ્ટનું ઓપરેશન કરાવવું પડયું હતું. એ દરમિયાન મને ખબર પડી કે હું 'સ્ટરાઈલ' પણ છું. મારી ધારણા મુજબ એના લીધે ભવિષ્યમાં મને લગ્નજીવનમાં તકલીફ થવાની સંભાવના છે. આમ તો મારાં સાસરિયાં ખૂબ સમજુ છે, પણ આવો કોઈ પ્રશ્ન ઊભો ન થાય એ માટે યોગ્ય રસ્તો બતાવશોે?

એક યુવતી (વડોદરા)

* તમારે ડોક્ટરને વિનાસંકોચે પૂછી લેવું જોઈએ કે ખરેખર તકલીફ કઈ હતી અને શાનું ઓપરેશન કરવામાં આવ્યું છે.

ઓવેરિયન સિસ્ટના ઓપરેશન વખતે જો તમારી બંને સ્ત્રી બીજગ્રંથિઓ કાઢી નાખી હશે તો એનો કોઈ સરળ-સહજ ઉપાય નથી. સામાન્ય રીતે સ્ટરીલિટીનો અર્થ તો એવો જ થાય કે હવે તમે માતા બની શકશો નહીં અને તેનો કોઈ ઈલાજ નથી.

* હું અઢાર વર્ષની યુવતી છું. છેલ્લાં ચાર વર્ષથી મને વાઈના હુમલા આવે છે. મારા મગજના સોળ અને છાતીનો એક એક્સ-રે લેવાઈ ગયા છે. બે વાર બ્લડ ટેસ્ટ પણ કરાવ્યો છે. આ બધામાં કયાંય કોઈ ક્ષતિ દેખાઈ નથી. ડોક્ટરના કહેવાથી એપટિઓન, જેન રિટાર્ડ, લિવોજેન, બિકાસૂલ અને ફ્રિસિયમની ગોળીઓ લઉં છું. આમ છતાં હજી પણ ક્યારેક ક્યારેક રાત્રે વાઈનો હુમલો આવે છે. મારી યાદદાસ્ત પણ મંદ થઈ ગઈ છે અને ચહેરા પરની ચમક જતી રહી છે.

નાની હતી ત્યારે દોઢ મહિના સુધી દિવાસળીનો આગળનો ભાગ ખાતી હતી. ક્યાંક એનાથી તો મને આ તકલીફ નથી થઈ ને? કોઈ એવો ઈલાજ બતાવો, જેથી વાઈના  હુમલા બંધ થઈ જાય અને હું ફરીથી સ્વસ્થ અને સુંદર બની જાઉં.

એક યુવતી (સુરત)

* દીવાસળીમાં વપરાતો ફોસ્ફરસ ઝેરી જરૂર હોય છે, પણ એથી વાઈના હુમલા નથી આવતા અને એની અસર આટલાં વરસો પછી નથી થતી.

વાઈના હુમલા આવવાનાં ઘણાં કારણો હોઈ શકે છે, પરંતુ પાંચથી પચીસ વર્ષની ઉંમરના શરૂ થયેલા હુમલામાં ઘણીવાર તેમનું ચોક્કસ કારણ જાણી શકાતું નથી. ઈલાજમાં તો ન્યુરોલોજિસ્ટની સલાહ પ્રમાણે નિયમિત દવા લેવાની જરૂર હોય છે, જેથી મોટા ભાગના કેસોમાં હુમલા આવવા બંધ થઈ જાય છે. આ દવા ત્રણ મહિનાથી માંડીને પાંચ  વર્ષ  અથવા એથી પણ વધારે સમય સુધી લેવી પડે છે.

તમારા વિવરણ પરથી તો એવું લાગે છે કે કાં તો તમે વારંવાર ડોક્ટર બદલતાં રહ્યા છો અથવા તમારા ડોક્ટર તમારા બિનજરૂરી એક્સ-રે લેવડાવતા રહ્યા છે. મગજના આટલા બધા એક્સ-રે પડાવવાની કોઈ જ જરૂર નથી હોતી.

તમે તમારા ઈલાજ માટે કોઈ અનુભવી અને સારા ન્યુરોલોજિસ્ટનો સંપર્ક કરો. ત્યાં સુધી આ દવાઓ ચાલુ રાખો. પહેલી અને બીજી દવા વાઈના હુમલા બંધ કરવાની માટેની જ છે.

 * હું સિનિયર સિટિઝન છું. મારું પ્રોસ્ટેટ વધેલું છે. એ માટે તમારી સલાહ પ્રમાણે પ્રોસ્ટેટોન (આસફા)ની બે-બે ગોળી રોજ લઉં છું. હમણાં મેં તમારી કૉલમમાં રસાયણ ચૂર્ણ વિશે વાંચ્યું. મારે એ જાણવું છે કે શું હું રોજ સવારે પ્રોસ્ટેટોનની ગોળી સાથે આ ચૂર્ણની એક ચમચી લઈ શકું? ગળો, ગોખરું અને આમળાં પ્રોસ્ટેટોનમાં પણ થોડા પ્રમાણમાં છે એમ એના લેબલમાં લખ્યું છું એટલે પ્રોસ્ટેટોનની ગોળી અને ચૂર્ણ (જેમાં પણ ગળો, ગોખરુ અને આમળાં છે) બન્ને સાથે લેવાથી પ્રોસ્ટેટમાં વધારે અને વહેલો ફાયદો થાય એવું બની શકે? કંઈ નુકસાન તો નહીં થાયને?

એક વ્યક્તિ (અમરેલી)

* પ્રોસ્ટેટોનની ગોળી આત્માનંદ સરસ્વતી ફાર્મસી (આસફા) - સુરતની આવે છે. એમાં જે પ્રમાણે ડોઝ લખ્યો હોય એ પ્રમાણે ડોઝ લેવો. જો બે-બે ગોળી ત્રણ વખત લખ્યું હોય તો એ પ્રમાણે લેવી. જો પ્રોસ્ટેટોન સાથે રસાયણ ચૂર્ણ લેવું હોય તો ચોક્કસ લઈ શકાય. રસાયણ ચૂર્ણમાં ગળો આવે છે. 

ગળોથી કેટલાંક લોકોને કબજિયાત થઈ શકે છે. જો કબજિયાત થતી હોય તો રોજ રાત્રે સૂતી વખતે અડધી ચમચી હરડે ગરમ પાણી સાથે લેવી. પ્રોસ્ટેટોન અને રસાયણ ચૂર્ણ સાથે લેવાથી ફાયદો થવાની શક્યતા વધારે છે, નુકસાન થવાની ઓછી. 

- અનિતા