સૌંદર્ય સમસ્યા .

- મારી ત્વચા મુલાયમ નથી. મેં વિવિધ ક્રિમ વાપર્યા છતાં પણ ત્વચા કોમળ મુલાયમ થતી નથી.
હું ૧૮ વરસનો યુવક છું. મારી ત્વચા તૈલીય છે. તથા વાન ગોરો છે પરંતુ મારા હોઠ કાળાશ પડતા છે. હું ધૂમ્રપાન કરતો નથી મારી સમસ્યાના નિવારણ કાજે ઘરગથ્થું ઉપચાર જણાવવા વિનંતી.
એક યુવાન (થાણા)
ઉત્તર: બદામનું શુદ્ધ તેલ તથા કોપરેલ સપ્રમાણ ભેળવો તેમાં લીંબુનો થોડો રસ ઉમેરો. આ મિશ્રણને હોઠ પર થોડી થોડી વારે લગાડયા કરવું. નિયમિત કરવાથી તમારા હોઠની ત્વચાને મોઇશ્ચરાઇચુર પૂરતા પ્રમાણમાં મળી રહેશે. જેથી હોઠની કાળાશ ઝાંખી થતી જશે. નિયમિત રહેશો તથા ધીરજ રાખશો ફાયદો થતાં સમય લાગશે.
હું ૨૨ વરસની યુવતી છું. મારા ઘરના આંગણામાં મહેંદીના ઝાડ છે. આ મહેંદીનો વાળ માટે ઉપયોગ કરી શકાય ? ઉત્તર હામાં હોય તો કંઇ રીતે તે પણ જણાવશો.
ઉત્તર: હા, ચોક્કસ કરી શકાય. મહેંદીના પાનને તોડી તડકામાં સૂકવો. બરાબર સૂકાઇ જાય બાદ તેનો ભૂક્કો કરી નાખવો. એટલે કે ઝીણું પાવડર કે લોટ જેવું દળવું ત્યારબાદ ઝીણી ચારણીથી ચાળી નાખવું.
ચાનું પાણી મહેંદી પાવડરમાં ભેળવી વાળમાં લગાડવું. એક કલાક બાદ વાળ સાદા પાણીથી ધોઇ નાખવા. રાતના વાળમાં કોપરેલથી હળવું મસાજ કરવો. બીજે દિવસે શેમ્પુથી વાળ ધોવા. ઉચ્ચ ગુણવત્તાની મહેંદી હશે તો વાળની ચમક તથા રંગ અને સારા જ આવશે.
હું ૨૭ વરસની યુવતી છું. આ કાગળ હું તમને મારી બાવન વરસની માતાની સમસ્યાના નિવારણ માટે લખી રહી છું. મારા માતાના વાળ થોડા વખતથી પુષ્કળ પ્રમાણમાં ખરવા લાગ્યા છે. એમ એકાદ બે ઘરગથ્થું ઉપચાર અજમાવ્યા પરંતુ ફરક પડતો નથી. તમે યોગ્ય ઉપાયો જણાવશો.
એક યુવતી (ગુજરાત)
ઉત્તર: તમારી માતાની વય અનુસાર તે આકારમાં પ્રોટીન તથા વિટામીન પ્રમાણસર લે છે ખરા ? આ વયે આહાર પ્રત્યે વધુ કાળજી રાખવી જોઇએ. અશક્તિ કમજોરીથી પણ વાળ ખરવાની શકયતા રહેલી છે. તમે તેનું તબીબી પરિક્ષણ પણ કરાવશો. આ દરમિયાન અઠવાડિયામાં બે વખત બદામનું તેલ તથા એરડિંયુ સપ્રમાણ ભોળવી વાળમાં હળવો મસાજ કરવો. ઉપરાંત બે - બે ચમચી આમળા, શિક્કાઇ, અરીઠા પાવડર લઇ ભેળવી તેમાં બે ચમચા મધ એ બે ઇંડા ઉમેરી બરાબર ભેળવી વાળમાં લગાડવું. મહિનામાં એક વખત આ પેક લગાડવાથી અવશ્ય ફાયદો થશે.
હું ૩૦ વરસની મહિલા છું. મારી ત્વચા મુલાયમ નથી. મેં વિવિધ ક્રિમ વાપર્યા છતાં પણ ત્વચા કોમળ મુલાયમ થતી નથી. ત્વચા રૂક્ષ છે તથા નાના નાના ડાઘા જેવું પડી જાય છે. મારી સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો આંખ પાસે પણ રેખા અંકિત થઇ ગઇ છે.
એક યુવતી (સુરત)
ઉત્તર: આંખ પાસેની રેખા રૂક્ષ ત્વચા હોવાથી થાય છે. તમારા રોજિંદા આહારમાં દૂધ તથા તેની બનાવટના ખાદ્યપદાર્થોનું પ્રમાણ વધારો. ત્વચાને પોષણ મળે તેવું ક્રિમ લગાડો. બે ચમચી તાજી મલાઇમાં એક ચમચી મધ તથા એક ચમચી બદામની પેસ્ટ લઇ શરીરે હળવે હાથે મસાજ કરવું. ઠંડા દૂધમાં પલાળેલા રૂના પૂમડાથી લૂછીને ધોઇ નાખવું.
- જયવિકા આશર








