સૌંદર્ય સમસ્યા .

- મેં મિલ્ક ક્લિઝર વિશે સાંભળ્યું છે તેની ઘરગથ્થુ રીત જણાવશો.
હું ૩૨ વરસની ગૃહિણી છું. મારા પગની એડીની ત્વચા રૂક્ષ, રફ તેમજ સખત થઇ ગઇ છે. જોકે તેમાં ચીરા પડયા નથી. હું ઘણી વખત પ્યુમિક સ્ટોનથી મૃત ત્વચા દૂર કરું છું. પરંતુ તેનો ખાસ ફાયદો થતો નથી. અંગૂઠા નીચે નાની કપાસી પણ થઇ હોવાથી ખુલ્લી ડિઝાઇનના ચપલ પહેરી શકતી નથી. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપાય જણાવશો.
એક મહિલા (સુરત)
તમારી સમસ્યા પરથી લાગે છે કે તમે કદી પેડિક્યોર કરાવ્યું નથી. મને લાગે છે કે બ્ટુયિપાર્લરમાં જઈ અથવા તો કોઇ બ્યુટિશિયનને ઘરે બોલાવી તમે શરૂઆતના મહિનામાં બે વખત પેડિક્યોર કરાવશો તો ઝડપથી ફાયદો થશે. આ દરમિયાન હુંફાળા કોપરેલથી હળવે હળવે પગની એડીનો મસાજ કરશો તેમજ હુંફાળા પાણીમાં ૧૫ મિનિટ સુધી પગને પલાળશો. ત્યાર બાદ ઊચ્ચગુણવક્તાયુક્ત પ્યુમિક સ્ટોન ઘસશો.આ પ્રયોગ નિયમિત એકાંતરે કરશો તો થોડા દિવસમાં જ તમને ફરક જણાશે.
હું ૨૮ વરસની યુવતી છું. મારા લગ્નને બે-ત્રણ મહિના જ થયા છે. મારા પતિના હોઠ કાળ તથા ડાઘાવાળા છે. તે પહેલા સિગારેટ ખૂબ પીતા હતા શું તેના કારણે આમ થયું હશે. મારા પતિના હોઠ સામાન્ય થઇ જાય તેના ઉપાય જણાવશો.
એક યુવતી (વડોદરા)
એક ચમચી લીંબુનો રસ, ગિલસ્રિન અને કોપરેલ ભેળવવું. થોડા દિવસો સુધી વારંવાર આ મિશ્રણ હોઠ પર લગાડવાથી હોઠનો રંગ આછો હળવો તેમજ હોઠ મુલાયમ થશે.
હું ૨૧ વરસની યુવતી છું. વાળને હાઇલાઇટ કરવાની ઘરગથ્થુ રીત જણાવશો.
એક યુવતી (જામનગર)
કોઈ પણ પ્રકારના હેર કલરના ઉપયોગ વગર પણ કુદરતી ઘરગથ્થુ રીત વાળને હાઇલાઇટ્સ કરી શકાય છે. એના માટે એક ભાગ લીંબુના રસમાં ત્રણ ભાગ પાણી મેળવી વાળ પર છાંટવું અથવા બ્રશથી લીંબુના રસને વાળમાં લગાડવો અને પછી વાળ સુકવવા. શક્ય હોય તો થોડી વાર તડકામાં ઊભા રહેવું પછી વાળને શેમ્પૂ તથા કંડિશનર કરવા.
હું ૨૦ વરસની યુવતી છું. મેં મિલ્ક ક્લિઝર વિશે સાંભળ્યું છે તેની ઘરગથ્થુ રીત જણાવશો.
એક યુવતી (મુંબઇ)
એક ટેબલ સ્પૂન દૂધ, ૧ ટી સ્પૂન લીંબુનો રસ ભેળવી આ મિશ્રણને ચહેરા પર લગાડવું. એક મિનિટ પછી ભીનાં રૂથી મોઢું સાફ કરવું.
એક ટેબલ સ્પૂન કાકડીનો રસ તથા એક ટેબલસ્પૂન દૂધ ભેળવી ચહેરા પર લગાડી રૂથી લૂછી નાખવું. આ ક્લિઝરથી ત્વચા સ્વચ્છ થાય છે.
હું ૨૪ વરસની યુવતી છું. ગુજરાતના એક ગામડામાં રહું છું. મારી હાલ જ સગાઈ થઈ છે. અમારા ગામમાં બ્યુટી પાર્લર નથી. મને વેક્સિંગની યોગ્ય પદ્ધતિ જણાવશો.
એક યુવતી (ગુજરાત)
વેક્સિંગ કરતી વખતે એક બુઠ્ઠી છરી અથવા બટર-નાઇફમાં થોડું વેક્સ લેવું. જે દિશામાં વાળ ઉગતા હોય તે દિશામાં લગાડવું. તેના પર કપડાંની પટ્ટી લગાડી બરાબર પ્રેસ કરવું. પછી વાળ ઉગતા હોય તેની વિરુદ્ધ દિશામાંથી પટ્ટીને ઝાટકા સાથે ખેંચવી. બ્યુટી પાર્લરમાં તો હવે મોટા ભાગે ડિસપોઝિબલ પટ્ટીઓ ઉપયોગમાં લેવાતી હોય છે. વેક્સ કર્યા બાદ ભીના કપડાથી તે જગ્યા લૂછી કાઢવી અને ટેલ્કમ પાવડર લગાડવો. અંડર આર્મ્સમાં વેક્સ કરવું હોય તો શક્ય હોય ત્યાં સુધી કોલ્ડ વેક્સ જ વાપરવું.
- જયવિકા આશર









