Magazines

સૌંદર્ય સમસ્યા .

By GS TEAM
3 Nov 20252 mins read
સૌંદર્ય સમસ્યા                             .

- મને વેકસિંગ કર્યા પછી ત્રણ-ચાર દિવસમાં જ વાળ ઊગવા લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

હું ૧૫ વરસની છું અને સ્કૂલમાં ભણું છું. મારી ઊંચાઈ માત્ર પાંચ ફૂટ જ છે. જ્યારે મારી બધી બહેનપણીઓ મારા કરતા ઊંચી છે. મારી હાઈટ હવે આટલી જ રહેશે એમ તેઓ કહે છે. ઊંચાઈ વધારવા માટે ઇન્જેકશનો આવે છે એમ મેં સાંભળ્યું છે. યોગ્ય સલાહ આપવા વિનંતી.

એક યુવતી (સુરત)

અંદાજે ૧૮ વરસની ઉંમર સુધી હાડકાનો વિકાસ થાય છે અને ત્યાં સુધી ઉંચાઈ વધે છે એમ ડૉકટરો કહે છે. તમારી ઊંચાઈ પણ બે-ત્રણ ઇંચ વધે એવી શક્તા છે. હાડકાનો વિકાસ થાય ત્યાં સુધી એન્ડ્રોજન્સ, એનેબોલિક હાર્મોન્સ અથવા ગ્રોથ હોર્મોન્સ લેવામાં આવે તો થોડો ફાયદો થઈ શકે છે, પરંતુ આની આડઅસર થવાની શક્યતા છે અને આ પૂર્વે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું જરૂરી છે. મારી સલાહ તો એ જ છે કે કુદરતને કુદરતનું કામ કરવો દો. ઊંચાઈ વધે નહીં તો હીલવાળા ચંપલ પહેરી શકો છો.

હું ૨૨ વરસની યુવતી છું. મારા હોઠની ત્વચા ફાટી જાય છે. મારી આ સમસ્યાનું નિવારણ કરતા ઉપચાર જણાવશો.

એક યુવતી (ગુજરાત)

* રાતના સૂતા પૂર્વે ચહેરો ધોઇ હોઠને બરાબર સાફ કરવા. ત્યાર બાદ હોઠ પર વેસલીન,ક્રિમ,મલાઇ,માખણ,ઘી જે પણ હાથવગું હોય તે લગાડવું.

વેસલીન અને જૈતુનનું તેલ ભેળવી દિવસમાં બે-ત્રણ વાર હોઠ પર લગાડવું. હોઠ પર પડેલા ચીરા ભરાઇ જશે.

ટામેટાના રસમાં ઘી અથવા માખણ ભેળવી લગાડવાથી હોઠના ચીરા રૂઝાઇ જશે.

ઠંડીના દિવસોમાં રાતના સૂતી વખતે પેટ્રોલિયમ જેલી અથવા એન્ટીસેપ્ટિક ક્રિમ લગાડવાથી ફાયદો થાય છે.

હું ૧૯ વરસની યુવતી છું. વેકસિંગ કર્યા પછી ત્રણ-ચાર દિવસમાં જ વાળ ઊગવા લાગે છે. મારી આ સમસ્યાના નિવારણ કાજે યોગ્ય ઉપચાર જણાવશો.

એક યુવતી  (પૂણે)

* જો વેક્સિંગ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું હોય તો આટલી ઝડપથી વાળ ઊગતાં નથી. કદાચ તમે યોગ્ય રીતે વેકસિંગ કરતા નહીં હો. 

વેક્સની સ્ટ્રિપને બરાબર ન ખેંચતા હો તો પણ ઝડપથી વાળ ઊગી શકે છે. સ્ટ્રીપ લગાડયા બાદ  એક જ ઝાટકે વાળની વિરૂદ્ધ દિશામાં સ્ટ્રિપ ખેંચવી જોઇએ.તમારા વાળ પૂરેપૂરા નીકળી જવાને બદલે વચ્ચેથી તૂટી જાય છે. અને પછી એ વાળ વધીને બે-ત્રણ દિવસમાં ફરી દેખાય છે.

હું ૨૬ વરસની યુવતી છું. મારા ચહેરા પર ઝાંય પડી ગઇ છે તેને દૂર કરવાના ઉપચાર જણાવશો. 

એક યુવતી (મુંબઇ)

* ફૂદીના,તુલસી અથવા મેથીના પાનને વાટી તેનો રસ કાઢી રાતના ચહેરા પર લગાડવો. સવારે તાજા પાણીથી ચહેરો ધોઇ નાખવો. દિવસના આ પેસ્ટ ચહેરા પર લગાડી શકાય પરંતુ લગાડયા બાદ પાંચ-છ કલાક રહી ચહેરો ધોવો.

લીંબુનો તાજો રસ અને એરંડિયુ સપ્રમાણ માત્રામાં લઇ ભેળવી ચહેરા પર લગાડવું. એક કલાક બાદ ચહેરો ધોઇ નાખવો.

સંતરાની સૂકી છાલના પાવડરમાં ગુલાબજળ ભેળવી ચહેરા પર લગાડવું. ૧૦-૧૫ મિનિટ બાદ ચહેરો ધોઇ નાખવો.

- જયવિકા આશર