સહિયર સમીક્ષા .
- હું 19 વર્ષની યુવતી છું. મને ચોવીસ વર્ષના એક યુવક સાથે પ્રેમ છે. છેલ્લાં એક વર્ષથી અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે.
મારો મોટા ભાઈ મારી કોલેજમાં જ ભણતી એક યુવતી સાથે પ્રેમમાં છે. તે તેની સાથે લગ્ન કરવા માગે છે. પરંતુ કોલેજમાં આ છોકરીની આબરૂ સારી નથી. મેં મારા ભાઈને ખૂબ જ સમજાવ્યો. પરંતુ તે માનતો નથી. મારે શું કરવું તે મને સમજ પડતી નથી. યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.
એક યુવતી (મુંબઈ)
* બંને જણા પુખ્ત ઉંમરના છે. તેઓ પોતાનું સારું-નરસું સમજી શકે છે. આથી તમે આમાં કશું કરી શકો તેમ નથી. તમે તમારા ભાઈને આ આગમાં કૂદી ન પડવા માટે ઘણું સમજાવ્યો પરંતુ તે માનતો નથી. ધીરે ધીરે એ છોકરીને તેનો પરિચય થશે ત્યારે તેનામાં આપોઆપ અક્કલ આવી જશે. બીજી બાજુ એ યુવતી તમારા ભાઈને અંત:કરણપૂર્વક ચાહતી હશે તો તે પોતાની આદત છોડી તમારા ભાઈને વફાદાર રહી નવેસરથી જિંદગી શરૂ કરી પણ શકે છે. કદાચ તમે પણ તમારા ભાઈ માટે વધુ પડતા પઝેશીવ હોઈ શકો છો. આમ પણ કોઈપણ બહેનને પોતાના ભાઈ માટે કોઈ પણ યુવતી યોગ્ય જણાતી નથી. આ એક માનસિક સમસ્યા છે. અત્યારના સંજોગો જોતા તો તમારે તેમના સંબંધમાંથી પોતાની જાતને અલિપ્ત જ રાખવી.
હું ૧૯ વર્ષની યુવતી છું. મને ચોવીસ વર્ષના એક યુવક સાથે પ્રેમ છે. છેલ્લાં એક વર્ષથી અમારી વચ્ચે શારીરિક સંબંધ પણ છે. હવે મારા માતા-પિતાએ મને એ યુવકથી દૂર રહેવાની ચેતવણી આપી છે. મને ગર્ભ રહી ગયો હોવાનો ડર છે. કારણ કે મને ઉબકા આવે છે અને વજન પણ વધી ગયું છે. આથી મારે શું કરવું? યોગ્ય સલાહ આપવા વિનંતી.
એક યુવતી (વડોદરા)
* તમે ગર્ભનિરોધક સાધનોના ઉપયોગ વગર જાતીય સુખ માણો તો ગર્ભ ન રહે તો બીજું શું થાય? માત્ર ઉબકા આવવાથી કે વજન વધવાથી ગર્ભ રહ્યો હોય તેમ માનવાનું કારણ નથી. ગર્ભનો સંબંધ માસિક સાથે પણ છે. માસિક બંધ થઈ ગયું હોય તો ગર્ભ રહ્યો છે એમ સમજવું. આ માટે વધુ સમય ન ગુમાવતા તમારા માતા પિતાને વિશ્વાસમાં લઈ આ સમસ્યાનો ઉકેલ લાવવા પ્રયત્ન કરો. ગર્ભના પ્રથમ ત્રણ મહિના દરમિયાન ગર્ભપાત કરાવવો સલામત છે. તમે સમજ્યા વિચાર્યા વગર પગલું ભર્યું છે.
તમારા આ સમાચાર તમારા કુટુંબીજનોને આંચકો આપવા પૂરતા છે. તમારા પ્રેમીએ પણ પૂર્ણ જવાબદારી સ્વીકારવી જોઈએ. તમારા મમ્મી-પપ્પા કદાચ તમારા લગ્ન કરવાનું પણ નક્કી કરે. તમારો પ્રેમી આત્મનિર્ભર છે ખરો?
મારો પુરુષ મિત્ર મારી ખૂબ જ કાળજી રાખે છે. પરંતુ મને તે સેક્યુઅલી આકર્ષિત કરી શકતો નથી. અમારી મુલાકાત છ મહિના પૂર્વે જ થઈ છે. પરંતુ એ મારી કાળજી રાખે છે એ મને ગમે છે આથી હું તેને મળું છું. તેની સાથે આ વાતની મેં નિખાલસતાથી ચર્ચા પણ કરી છે. આમ છતાં પણ તેને મારો સાથ પસંદ છે. તેણે હમણાં જ છુટાછેડા લીધા છે. આથી તે ખૂબ જ વ્યથિત છે. મને ડર છે કે હું તેની સાથે સંબંધો તોડી નાખીશ તો તેની માનસિક તાણમાં વધારો થશે.
એક બહેન (રાજકોટ)
* પ્રેમ અને લાગણીત્મક સંબંધ વચ્ચે ઘણો ફરક છે. વળી તમે આ વ્યક્તિને છ મહિનાથી જ ઓળખો છો અને પ્રેમમાં પડવા માટે આ ખૂબ જ ઓછો ગાળો છે. અત્યારના સમયે તો એવું જ લાગી રહ્યું છે કે તમને આ પુરુષની મૈત્રી પસંદ છે. સમય વિત્યે તમને તમારી લાગણીનું ચોક્કસ સ્વરૂપ સમજાઈ જશે. જ્યાં સુધી ચોક્કસ રીતે તમારી લાગણી સમજી ન શકે ત્યાં સુધી તેની સાથે શારીરિક સંબંધ ટાળજો અને તમને એમ લાગે કે આ સંબંધનું ચોક્કસ પરિણામ આવી શકે તેમ નથી તો આ સંબંધનો અંત લાવવો જ યોગ્ય છે.
- નીપા