અહો દેવના દેવ હે વિશ્વસ્વામી, કરું હું સ્તુતિ આપની શીશ નામી દયાળુ પ્રભુ આપદાથી ઉગારો, દીનાનાથ તું એક આધાર મારો

૧. ચાલવા માટે રસ્તો જોઈએ, ઝાલવા માટે હાથ ;
આટલું આપી દે, પછી હું કાંઈ ન માગું નાથ,
૨. તારા સિવાય કોની મદદ માગું ઓ ખુદા,
તારા સિવાય કોઈ ઉપર હક્ક નથી મને.
૩. પ્રભુ ! હું બસ એટલું જ માગું ;
હું જેવો છું, બસ-એવો જ લાગું.
૪. બસ, એટલી સમજ મને પરવરદિગાર દે ;
સુખ જ્યારે જયાં મળે ત્યાં બધાના વિચાર દે.
૫. સાવ સીધી સરળ ફિલસૂફી છે સખી ;
કોઈ હોતું નથી ત્યાં ખુદા હોય છે !
૬. હે પ્રભુ ! હું જીવું ત્યાં સુધી મને કામ આપ ;
અને મારું કામ પૂરું થાય ત્યાં સુધી જીવન.
૭. હું માનું કે ન માનું એની એ પરવા નથી કરતો ;
સમય જ્યારે પડે છે, લાજ રાખે છે ખુદા મારી.
૮. આંખ મીચું ને ધ્યાન લાગે, જાતથી પણ જાત અલગ લાગે
દૂર બહુ દૂર ઇન્સાન લાગે, સાવ નજદીક ભગવાન લાગે.
૯. હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર ;
કોણ ત્યાં જઈને ભરે છે- જળ-વિચાર.
૧૦. શ્રીરામજી સૌનું કામ આબાદ કરી રહ્યા છે,
એમની કૃપા થકી, સૌ આરામ કરી રહ્યા છે.
૧૧. વિપત્તિમાં કરો રક્ષા, ન એવી પ્રાર્થના મારી ;
વિપત્તિથી ડરું ના કદી, એ પ્રાર્થના મારી.
૧૨. અસત્યો માંહેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈજા.
૧૩. નૈયા ઝૂકાવી મેં તો, જો જે ડૂબી જાય ના,
ઝાંખો ઝાંખો દીવો મારો જો જે રે બુઝાય ના.
૧૪. મારી નાડ તમારે હાથ હરિ સંભાળ જો રે...
મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે.
૧૫. ઓ ઇશ્વર ભજીએ તને, મોટું છે તું જ નામ ;
ગુણ તારાં નિત ગાઈએ, થાય અમારાં કામ.
૧૬. બોલું તો અલ્લા હો અકબર ;
મૌન ધરું તો સોહમ સોહમ.
૧૭. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે ;
શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે.
શાસ્ત્રોમાં પાંચનો મહિમા
૧. માતા, પિતા, ગુરુ, અતિથિ અને સાધુ-પાંચનો સદા આદર કરજો.
૨. વેદ, ઉપનિષદ, ગીતા, ભાગવત્, સાત્વિક ગ્રંથોનું અધ્યયન કરજો.
૩. ભજન, ભોજન, ઉત્સવ, સત્સંગ, તીર્થયાત્રા પરિવાર સાથે કરજો.
૪. સત્ય, દયા, તપ, અહિંસા, દાનનું સદા આચરણ કરજો.
૫. મંત્ર, મૈથુન, ઔષધ, દાન, ભોજન- આ પાંચની ગુપ્તતા જાળવજો.
૬. સતી, નદી, દેવી, સંત, ગુરુનાં કદી પારખાં ના કરશો.
૭. વાસના, ક્રોધ, મોહ, લોભ, ઇર્ષ્યા- પાંચનો સદા ત્યાગ કરજો.
૮. દેવમંદિર, ગુરુ, રાજા, પુત્ર, મિત્રના ઘેર ખાલી હાથે ના જતા.
૯. દારૂ, જુગાર, વ્યભિચાર, ચોરી, દગો- ક્યારેય કરતા નહિ.
૧૦. પીપળો, વડ, બીલી, ઉમરડો, આસોપાલવની પૂજા કરજો.
૧૧. ધૂપ, દીપ, નૈવેદ્ય, સુગંધ અને પુષ્પ- પંચોપચારથી પ્રભુ પૂજા કરજો.
૧૨. ચૂલો, ખાંડણિયો, ઘંટી, સાવરણી, પાણિયારૂમાં જીવજંતુ ન મરે તે જોજો.
૧૩. શ્રીગણેશ, શિવ, શક્તિ, સૂર્ય, વિષ્ણુજી- પંચદેવની શ્રદ્ધાથી પૂજા કરજો.
૧૪. પુરુષાર્થ, નીતિ, ધીરજ, બુધ્ધિ, સાહસ-પાંચથી સંપત્તિ પ્રાપ્ત થાય છે.
૧૫. આંખ, કાન, નાક, જીભ, સ્પર્શેન્દ્રિય- પાંચ જ્ઞાનેન્દ્રિયમાં વિવેક વાપરજો.
- પી.એમ.પરમાર








