''ગળામાં ગૂંગળાતો ટહુકો'' .

- ફૂલઘરમાં હાર ગૂંથાતા હોય, છાબડીમાંથી એક પછી એક ફૂલ દોરીમાં પરોવાતાં હોય ત્યારે કોઈ ભીંસાયેલા ફૂલ સામે જોતુંય ના હોય તો... જો કોઈ મહેંક પારખુ એ ગૂંગળાતી કોમળતાને હથેળીમાં ઉપાડી લે તો તેના જીવનનો હેતુ સાર્થક થઈ જાય
વાલ્મીકિ રામાયણના બાલકાંડમાં અહલ્યાના રામની કથા આવે છે. એકવાર શ્રી રામ મિથિલાનગર જતા હતા ત્યારે રસ્તામાં તેમણે એક અવાવરૂ, નિર્જન આશ્રમ જોયો. શ્રી રામે કુતૂહલવશ તે બાબતે ગુરૂને પ્રશ્ન પૂછયો. પ્રશ્નના જવાબમાં ગુરૂ વિશ્વામિત્રએ તે આશ્રમની વિસ્તારપૂર્વક કથા કહી. મહર્ષિ ગૌતમ વર્ષોથી પોતાની પત્ની અહલ્યા સાથે આ આશ્રમમાં તપ કરતા હતા. એક દિવસ ગૌતમ યજ્ઞા માટે સમિધા લેવા બહાર ગયા. ત્યારે ઇન્દ્ર ગૌતમ ઋષિનું રૂપ લઈને આશ્રમમાં આવ્યો. એકાંત હતું. અહલ્યા એકલી હતી. તે પોતાના પતિને આ રીતે તરત પાછા આવતા જોઈ આશ્ચર્ય પામી. તેણે પતિની આંખોમાં કામનાની રહસ્યમય સંકેતલિપિ વાંચી. વર્ષોથી અળગાપણાનો ભાર ઝીલતી અહલ્યામાં પણ કામેચ્છા જાગી. પણ સ્પર્શ થતાં જ તે સમજી ગઈ કે આ સ્પર્શ પતિનો નહોતો, પતિના વેશમાં આવેલા પરપુરૂષ ઇન્દ્રનો હતો. પણ ત્યાં સુધી તેનો સ્ત્રી સહજ વિવેક ડહોળાઈ ગયો હતો. થોડીવારે ગૌતમ ઋષિ સમિધા લઈ આશ્રમમાં આવ્યા. તેમણે પોતાના રૂપધારી ઇન્દ્રને આશ્રમમાંથી ઉતાવળે બહાર નીકળતાં જોયો. જ્ઞાની ઋષિ આખી વાત પામી ગયા. ક્રોધથી લાલચોળ થઈ ગયા. ઇન્દ્રને શાપ આપતાં કહ્યું, ''(મમ રૂપં સમાસ્થાય... વિફલસ્ત્વં ભવિષ્યસિ) હે દુર્મતે ઇન્દ્ર, મારૂં રૂપ ધારીને તેં ન કરવા જેવું પાપ કર્યું છે. માટે તું આજથી પુરૂષત્વ ખોઈને નપુંસક બની જઈશ.'' હજુ તેમનો ક્રોધ શમ્યો નહોતો. ત્યાં ઊભેલી અહલ્યાને પણ શાપ આપ્યો. ''હે દુરાચારિણી (ઇહ વર્ષસહસ્ત્રાણિ બહૂનિ... પુક્તાસ્વં વપુધરિ પિષ્યસિ) તું અહીં આશ્રમમાં જ જ્યારે શ્રી રામ અહીં આવશે ત્યારે તેમના સ્પર્શથી તું પવિત્ર થઈશ અને તારૂં મૂળ શરીર પ્રાપ્ત કરીશ.''
(વિષયેન્દ્રિય સંયોગદ્યત્તદ્... રાજસં સ્મૃતમ્) શ્રી ગીતાજીમાં (૧૮.૩૮)માં કહ્યું છે. વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી મળેલું સુખ ભલે શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે પણ છેવટે તે ઝેર સમાન અસર કરે છે. પાપ કર્મોની ચુકવણી બાકી હોય ત્યાં સુધી પશ્ચાત્તાપના બળની ગમે તેવી સેના તૈયાર હોય પણ મન મરજીનું એક પણ પગલું ભરાતું નથી. કર્મોના પરિણામ સામે કોઈ જાતની આજીજી કે બગાવત થઈ શકતી નથી. આ કથા સાંભળી શ્રીરામ જડવત્ બનેલી અહલ્યા પાસે ગયા. જાણે મૃગજળની સામે જળ બનીને ઊભા રહ્યા. હવાની લહેરખી તેમના ચરણરજનો ચંદનની ગંધ જેવો સુંવાળો સ્પર્શ થતાં જ એકાકી પડેલા જડ પથ્થરમાં પ્રાણ ફૂંકાયો. લાંબી પ્રતિક્ષા પુરી થઈ. અહલ્યાને પૂર્વવત્ શરીર મળ્યું. (પિંજરમા રૂંધાતા ટહુકાને જાણે અસીમ આકાશ મળી ગયું. ગૂંગળાતા મૌનને ગીત ગણગણવાનો અવસર મળી ગયો. મન પંખીને કલરવ કરવા સુંવાળો કંઠ મળી ગયો. તપ સિદ્ધિથી પવિત્ર થયેલી અહલ્યાનો ગૌતમ ઋષિએ ફરી એકવાર પત્નીરૂપે સ્વીકાર કર્યો.
એવો એકેય માણસ નહિ હોય જેણે ભૂલ નહિ કરી હોય ! ક્યારેક ભૂલ નજરે ચઢી હશે, ક્યારેક નહિ ચઢી હોય. એકાંતમાં કરેલી ભૂલ જાત સિવાય કોઈ જાણતું નથી. ત્યારે એનો અપરાધ બોધ જીવન કંઠને રૂંધી નાખે છે. બધી સગવડ હોય છતાં જીવ પિંજરમાં કેદ પંખીની માફક ફફડતો રહે છે. નાની હોય કે મોટી પાપકારક ભૂલ પૂર બનીને આવે છે અને વર્ષોથી જાળવી રાખેલો સ્વત્વ, સ્વધર્મ, પ્રતિષ્ઠા કે આત્મગૌરવ જેવો કિંમતી ફાલ તાણીને લઈ જાય છે. ભગવાનના શણગાર માટે ફૂલ ઘરમાં હાર ગૂંથાતા હોય, છાબડીમાંથી એક પછી એક ફૂલ દોરીમાં પરોવાતાં હોય ત્યારે કોઈ ભીંસાયેલા ફૂલ સામે જોતુંય ના હોય તો...' એ ફૂલની સુવાસના હૈયામાં કેવી ફડક પેસી જાય ! જો કોઈ મહેંક પારખુ એ ગૂંગળાતી કોમળતાને હથેળીમાં ઉપાડી લે તો તેના જીવનનો હેતુ સાર્થક થઈ જાય. ફૂલના તનમાં સચવાયેલી સુગંધ ટહુકી ઊઠે.
સ્કોટલેન્ડમાં એક ખેડૂત રહેતો હતો. ખેતી કામથી માંડ તેનું ગુજરાન ચાલતું હતું. ગરિબાઈ એટલી હતી કે દીકરાને સ્કુલમાં દાખલ કરી શકાતો નહોતો. સદાચારી ખેડૂતની એક જ ખ્વાહિશ હતી કે દીકરો ભણીને દેશ અને કુટુંબનું નામ રોશન કરે. એક દિવસ વરસતા વરસાદમાં ખેતરથી પાછા ફરતાં તેણે કાચા રસ્તા પરથી 'બચાવો... બચાવો...' ની બૂમો સાંભળી. એક છોકરો કાદવકીચડવાળા ખાડામાં ખૂંપી રહ્યો હતો. સ્થિતિ નાજૂક હતી. જો તેને સમયસર બહાર કાઢવામાં ના આવે તો તેનું મોત નક્કી હતું. ખેડૂતે કશો જ વિચાર કર્યા વગર અથાક પ્રયત્ન પછી તેને ખેંચીને બહાર કાઢયો. ઝૂંપડીએ લઈ જઈ તેને સાફ કર્યો. દીકરાના થીગડાવાળા કપડાં પહેરાવ્યાં, ગરમ દૂધ પીવડાવ્યું અને વરસાદ અટકતાં તેને વિદાય કર્યો.
બે ત્રણ દિવસ બાદ એક રૂઆબદાર માણસ ખેડૂતને મળવા આવ્યો, 'ભાઈ, બે દિવસ અગાઉ આપે મારા વિન્સ્ટનનો જીવ બચાવ્યો હતો તે બદલ ખૂબ ખૂબ આભાર. બોલો, હું આપની શું સેવા કરી શકુ ?' ખેડૂતે મક્કમપણે કંઈ પણ લેવાનો ઇન્કાર કર્યો. એટલામાં ખેડૂતનો દીકરો ઝૂંપડીમાંથી બહાર આવ્યો. તેને જોઈને વાર્તાલાપ ચાલ્યો, 'આ તમારો પુત્ર છે ?' 'હા.' 'ક્યાં ભણે છે ?' 'એ ભણતો નથી. ખેતીકામમાં નાની નાની મદદ કરે છે.' 'ભાઈ, મારી એક વિનંતી માનશો ! હું તમારા દીકરાને મારા વિન્સ્ટનની સ્કૂલમાં શિક્ષણ અપાવવા માગું છું, મને એની રજા આપો.' ખેડૂતની આ જ અંતરતમ ઇચ્છા હતી. જાણે ગૂંગાને વાચા મળી ગઈ. જાણે આરોહ-અવરોહમાં ઘૂંટાતા સ્વરને કર્ણપ્રિય ધૂન મળી ગઈ. ખેડૂતે ભીની આંખે રજા આપી. એલેક સ્કૂલમાં દાખલ થયો. ધરતીમાં ધરબાયેલા બીજને અંકૂરિત થવા, ખીલવા, પાંગરવા યોગ્ય વાતાવરણ મળી ગયું. તેણે લંડનની મેડિકલ કોલેજમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. એટલું જ નહિ આગળ જતાં તે વિશ્વ પ્રસિદ્ધ મહાન વૈજ્ઞાનિક એલેકઝાન્ડર ફલેમિંગ નામે મશહૂર થયો. તેણે પેનિસિલિનની શોધ કરી. કરૂણાવંત તે અનુગ્રહનો ટેકો મળતાં જ પનોતીના કાળ ચોઘડિયાં પણ શુભ અવસરમાં ફેરવાઈ જાય છે. પણ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ભટકતી ઇન્દ્રિયો ઇશ્વરના સાન્નિધ્યના ખીલે બંધાયેલી હોય.
- સુરેન્દ્ર શાહ








