Magazines

Social સર્કલ .

By GS TEAM
14 May 20263 mins read
Social સર્કલ                                 .

તમન્ના ભાટિયાઃ રૂપ તેરા મસ્તાના

બાહુબલિ ગર્લ તમન્ના ભાટિયા આજકાલ ન્યુઝમાં છે. ના, એના કોઈ લેટેસ્ટ આઇટમ સોંગ કે ફિલ્મને કારણે નહીં, પણ સિનિયર એક્ટર અનુ કપૂરે કરેલી કમેન્ટને કારણે. અનુ કપૂર પૂછવામાં આવ્યું કે તમને 'ી-ટુ'ના 'આજ કી રાત' ગીતમાં તમન્ના ભાટિયા કેવી લાગી? અનુજીએ તાનમાં આવીને કહી દીધું, 'માશાલ્લાહ... ક્યા દૂધિયા બદન હૈ!' પત્યું. સોશિયલ મીડિયા પર એ જે ટ્રોલ થયા છે! અનુ કપૂર જેવા સિત્તેર વર્ષના માણસથી એક મહિલા માટે 'દૂધિયા બદન' જેવા શબ્દો બોલાય જ કેમ? વિવાદ વધ્યો એટલે અનુ કપૂરે આખરે પ્રતિસાદ આપ્યો, 'કેમ? અંગ્રેજીમાં 'મિલ્કી બોડી' જેવો શબ્દપ્રયોગ છૂટથી થાય છે એની સામે કોઈને વાંધો પડતો નથી, પણ મેં એ શબ્દોને હિન્દીમાં ટ્રાન્સલેટ કરીને કહ્યા તો હો-હો થઈ ગઈ!' વેલ, ભાષા બદલાય તેની સાથે શબ્દની અર્થચ્છાયાઓ પણ બદલાઈ જતી હોય છે. એ જે હોય તે,  પોતે સોશિયલ મિડીયાએ પર શેર કરેલી આ તસવીરમાં તમન્ના ભાટિયા, વેલ, 'અતિ રૂપાળી' લાગે છે, રાઇટ? 

સિદ્ધાર્થ ગુપ્તાઃ જય દ્વારિકાધીશ!  

તો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઔર એક બ્રાન્ડ-ન્યુ કાનુડો મળી ગયો છે. એનું (મીન્સ કે એક્ટરનું) નામ છે, સિદ્ધાર્થ ગુપ્તા. એની 'કૃષ્ણાવતારમ્ પાર્ટ-૧ હૃદયમ્' ફિલ્મની ચર્ચા આજકાલ ચારેબાજુ થઈ રહી છે. આપણા રામ મોરી લિખિત નવલકથા 'સત્યભામા' પર આધારિત આ ફિલ્મને હાદક ગજ્જરે ડિરેક્ટ કરી છે. આ બન્ને ઉપરાંત પ્રકાશ કાપડિયાએ સાથે મળીને ફિલ્મ લખી છે. હા, તો આ સોહામણો કનૈયો મૂળ દહેરાદૂનનો છે, અને ના, આ એની પહેલી ફિલ્મ નથી. એની પહેલી ફિલ્મ છે, એકતા કપૂરે પ્રોડયુસ કરેલી 'કુકુ માથુર કી ઝંડ હો ગઈ.' (તમારામાંથી જે કોઈએ આ ફિલ્મનું નામ સાંભળ્યું હોય તો એ આંગળી ઊંચી કરે!) ભમરાળા ઓલ્ટ બાલાજી પ્લેટફાર્મ પર અતિ ભરમાળી વેબ સિરીઝ 'રાગિણી એમએમએસઃ રિટર્ન્સ'માં પણ સિદ્ધાર્થે લીડ રોલ કર્યો હતો. તમે સિદ્ધાર્થનો ગ્રાફ જુઓ. ક્યાં ઓલ્ટ બાલાજીનો ઇરોટિક શો ને ક્યાં કૃષ્ણ ભગવાનની ધર્મકથા! સિદ્ધાર્થની ઔર એક ઓળખાણ સાંભળી લો. એ પેલા બિગ બોસ ફેમ લેખક-નિર્માતા વિકાસ ગુપ્તાનો નાનો ભાઈ થાય. હરખપદૂડા સિદ્ધાર્થે પોતાની લેટેસ્ટ ફિલ્મના તોતિંગ પોસ્ટર સાથે ફોટો પડાવીને તે સોશિયલ મિડીયા પર શેર કર્યો છે. સ્વીટ!

અનિલ કપૂરઃ ધિના ધીન ધા!

સાચ્ચે, અનિલ કપૂર વૃદ્ધ થવાનું નામ લેતા નથી. અત્યારે એમનું ૭૦મું વર્ષ ચાલે છે, બોલો! એમની ફિટનેસ તો જુઓ. સલામ છે એમની સોલિડ શિસ્તને. આ ઉંમરે પણ તેઓ સતત કામ કરે છે, બિઝી બિઝી રહે છે, અને ખાસ તો, તેઓ હજુય પૂરેપૂરા રિલેવન્ટ છે. જુઓને, ટૂંક સમયમાં એ 'આલ્ફા' અને 'કિંગ' જેવી હાઇ પ્રોફાઇલ ફિલ્મોમાં દેખાશે. '૨૪' (ટ્વેન્ટીફોર) નામની જાસૂસી થ્રિલર સિરીઝના ભારતીય સંસ્કરણમાં એમણે ખૂબ જમાવટ કરી હતી. ટૂંક સમયમાં 'ટ્વેન્ટીફોર'ની બીજી સિઝન આવશે. પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેઓ તાજેતરમાં બીજી વાર નાના બન્યા એટલે રાજી રાજી છે. સુપુત્રી સોનમે બીજા દીકરાનું નામ શું રાખ્યું છે, જાણો છો? રુદ્રલોક. સ્પેલિંગ પરથી 'રુદ્રલોખ' વંચાય છે. નામ રુદ્રલોક હોવું જોઈએ કે રુદ્ર વત્તા આલોક એટલે કે રુદ્રાલોક હોવું જોઈએ? નામ જરાક કન્ફ્યુઝિંગ છે, નહીં?