વળતાં પાણી કેબલ ટીવીનાં

- OTT ઓનલાઈન ઝિંદાબાદ : સંજય વિ. શાહ
- એવું નથી કે બદલાતી પરિસ્થિતિમાં કેબલ ટીવી ઓપરેટર્સ લડત આપવા મથી રહ્યા નથી. નરી ટીવી ચેનલ્સવાળું કનેક્શન ગ્રાહકને પકડાવીને આવક રળી શકાય એ દિવસો પૂરા થયા છે એ કંપનીઓ સમજી ગઈ છે. એટલે કંપનીઓ કેબલ ટીવી સાથે બ્રોેડબેન્ડ સર્વિસીસ આપવા તરફ વળી છે
- મહાનગરોમાં તો એ સમય ઓરો લાગી રહ્યો છે જ્યારે કેબલ ટીવી શું એ પણ ઘણા નહીં જાણતા હોય. ગ્રામ્ય વિસ્તારોમાં કેબલ ટીવીને પડકાર ફેંક્યો છે દૂરદર્શન એટલે ડીડીની ફ્રી ડિશે. બેઉ વચ્ચે ભીંસાયો છે કેબલ ટીવી ઉદ્યોગ
શહેરી દર્શકો અને ગ્રામ્ય દર્શકોમાં શો ફેર? હાઈ સ્પીડ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડરની સેવા અને કેબલ ટીવી વચ્ચે શો ફેર?
ઓટીટી આવ્યા પછી આ ફેર દેખીતો થયો છે. કેબલ ટીવી એટલે એ સેવા જેમાં ઘર સુધી તાણીને લગાડાતા વાયરથી ટીવી ચાલે. એક સમયે આખા દેશનાં ટીવી આ રીતે ચાલતાં. આજની વાત અલગ છે. મેટ્રો શહેરોમાં કેબલનું સ્થાન તેજ ગતિથી બ્રોડબેન્ડ અને વાઈફાઈ સેવાએ લઈ લીધું છે. મોટાભાગે લઈ લીધું છે. એણે ડિરેક્ટ ટુ હોમ એટલે ડીટુએચ સેવાને હંફાવવા માંડી છે. હાલની અપગ્રેડેડ સર્વિસમાં ટીવી સાથે ઓટીટી પ્લેટફોર્મ્સ આવી જાય છે. દેશમાં અત્યારે ત્રણ પ્રકારની સેવાઓથી ઘેરઘેર મનોરંજન ઠલવાઈ રહ્યું છે. એક પ્રકાર છે ટીવી પ્લસ ઓટીટી સાથેની સેવા, બીજો પ્રકાર છે ડિરેક્ટ ટુ હોમ એટલે ડીટુએચ, અને ત્રીજો પ્રકાર છે દૂરદર્શન એટલે ડીડી ફ્રી ડિશ. એ પહેલાં એન્ટેનાનો જમાનો હતો. એ એટલો જૂનો થયો કે એની ચર્ચા અસ્થાને છે. ફોકસ કરીએ હાલના પ્રકારો પર.
સમય તેજીથી બદલાય છે. સમય નિષ્ઠુરતા સાથે વેપારને ડચકાં ખાતો કરી શકે છે. એનું ઉદાહરણ ટીવીનું ટેલિકાસ્ટ અને આ ઉદ્યોગમાં થઈ રહેલા ફેરફાર છે. ૨૦૧૮માં દેશમાં આશરે ૧૫ કરોડ ઘર ડીટુએચથી કનેક્ટેડ હતાં. ૨૦૨૪-૨૫માં એ આંકડો અગિયાર કરોડથી થોડાં વધુ ઘરનો રહ્યો છે.
હમણાંથી ૨૦૩૦ની વચ્ચે, નિષ્ણાતોનું માનીએ તો, દેશમાંથી ડીટુએચ સેવા ધરાવતાં ઘરોની સંખ્યા અત્યાર કરતાં અડધી થઈ જવાની.
અર્થ સમજો. હજી હમણાં સુધી આપણે દરેક અગાશીએ અને છાપરે ટાટા પ્લે, એરટેલ ડિજિટલ ટીવી કે ડીશ ટીવી થાળી જોતા હતા. હવે મોટાં શહેરોથી એમની બાદબાકી થઈ રહી છે. એમના પુરોગામી જેવાં કેબલ કનેક્શન શહેરોમાંથી ઓલમોસ્ટ, પરવારી ગયાં છે. જ્યાં પરવાર્યા નથી ત્યાં પણ સ્થિતિ ડામાડોળ ગણી લેવાની. આ બદલાવનાં પરિણામ કયાં
આવ્યાં છે?
ઘણાં પરિણામો આર્થિક પણ છે. એક સમયે આપણા દેશમાં ૮૫,૦૦૦થી વધુ કેબલ ટીવી ઓપરેટર્સ હતા. એમાંના ૯૩% પરિવર્તનના પ્રચંડ ઝંઝાવાતથી અસરગ્રસ્ત થયા છે. એમની આવકમાં મોટાં ગાબડાં પડયાં છે. એને લીધે ક્ષેત્રમાંથી પોણા છ લાખ નોકરીઓની બાદબાકી થઈ છે. નિશ્ચિત વિસ્તારોમાં કેબલ ટીવી ચલાવીને ગાડું ગબડાવનારા કેબલ ઓપરેટર્સની આવકમાં ૪૦% અથવા વધુ ઘટાડો થયો છે. નવાઈ એ વાતની પણ કે બ્રોડબેન્ડથી મળતા ટીવી કનેક્શન કરતાં કેબલ ટીવી કનેક્શન સસ્તાં છતાં, આ ઘટાડો રોક્યો રોકાઈ નથી રહ્યો.
એનું પ્રમુખ કારણ બ્રોડબેન્ડ સાથે મળતી ઓટીટી પ્લેટફોર્મ્સની સેવાઓ છે. કેબલ કરતાં બ્રોડબેન્ડ સેવાઓ વધુ ભરોસેમંદ છે. સ્માર્ટ ટીવીની ક્ષમતાઓ સાથે બ્રોડબેન્ડ કનેક્શન વધુ સારી રીતે મેળ પાડે છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડીડીની ફ્રી ડિશ આવવાથી કેબલ વિના ડઝનબંધ ટીવી ચેનલ્સ આરામથી જોઈ
શકાય છે.
ફાઇબર ટુ ધ હોમ એટલે બ્રોડબેન્ડ કનેક્શન ઝડપભેર દેશભરમાં અપનાવાઈ રહ્યાં છે. એકવાર આ કનેક્શન લાગે એટલે ટીવી પર મનોરંજન માણવાની રીત બદલાઈ જાય છે. ત્રણ-ચારસો રૂપિયામાં કેબલ ટીવી જોવા કરતાં આ કનેક્શન હોય, સાથે સ્માર્ટ ટીવી હોય, એટલે ડીડી અને સેટેલાઇટ ચેનલ્સની મર્યાદાઓથી ક્યાંય આગળ પહોંચી જવાય છે. જેઓ બ્રોડબેન્ડ કનેક્શનનો ખર્ચ કરી શકતા નથી તેઓ ડીડી ફ્રી ડિશ તરફ વળ્યા છે. ફ્રી ડિશ સાથેના દેશમાં અત્યારે છ એક કરોડ ઘર હોવાનું અનુમાન છે. એનો એવો અર્થ થાય કે તમામ ડીટુએચ કંપની ભેગી કરો અને એમના ગ્રાહકોનો જે આંકડો આવે એના કરતાં એકલા ડીડીના ગ્રાહકોની સંખ્યા વધુ છે. ડીડી ફ્રી ડિશનો ખર્ચ કેટલો? એકવાર બેસાડવા બહુ બહુ તો રૂ. ૨,૦૦૦ ખર્ચવાના, બસ. ધેટ્સ ઓલ. પછી કોઈ ખર્ચ વિના સોથી વધુ ચેનલ્સ જીવનભર માટે જોવાની.
કેબલ ટીવીના ટાંટિયા ઢીલા કરવામાં એક સરકારી નીતિનું આડકતરું યોગદાન રહ્યું. એ એવું કે સરકારે ન્યૂ ટેરિફ ઓર્ડર (એનટીઓ) હેઠળ એવું ઠરાવ્યું કે કેબલ ટીવી ઓપરેટર દર્શક પાસે એ ચેનલ્સ માટે જ પૈસા લઈ શકે જે દર્શક જોતો હોય. એટલે પેલાં બધાં પેકેજિસ આવ્યાં જેમાં અમુક ચેનલ્સ હોય અને તમુક નહીં. એને કારણે થયું એમ કે પહેલાં કેબલ ટીવીનો ગ્રાહક ચેનલ્સની પસંદગીની લપછપમાં પડયા વિના મહિને ચોક્કસ રકમ ચૂકવીને મોકળો થઈ જતો. એનટીઓને લીધે એણે માથું ખંજવાળવાનો વારો આવ્યો. એ ઠરાવવાનો વારો આવ્યો કે મારે કઈ કઈ ચેનલ્સ જોઈએ છે. બીજી તરફ આ નીતિના આવવાથી ચેનલ્સે જાતજાતનાં પેકેજિસ ઊભાં કર્યા. એમણે ગ્રાહકની વિમાસણમાં ઉમેરો કર્યો. ઉપરાંત નેટવર્ક કેપેસિટી ફી (એનસીએફ) નામનો એક ખર્ચ ગ્રાહકના માથે આવી પડયો. ટીવી ચેનલ્સની કંપનીઓએ સારી ચેનલ્સ માટે નબળી ચેનલ્સ લેવાની ગ્રાહકોને ફરજ પાડી. સાથે સારી ચેનલ્સ માટે દર મહિને ઊંચી રકમ માગવા માંડી. ઇન શોર્ટ, ગોસમોટાળા એવા વધ્યા કે ગ્રાહકે કેબલ ટીવીની લપ મૂકવા માંડી. એમને આ જાળમાંથી મુક્ત કરવા બ્રોડબેન્ડ આવ્યું. બસ, એ સાથે કેબલ ટીવી માટે મામલો ઔર બીચક્યો. મહિને બે-ત્રણ-સો રૂપિયામાં મળતા કેબલ કનેક્શનને બદલે, એથી જરાક વધુ રૂપિયા આપીને ઘરમાં ટીવી, ઇન્ટરનેટ અને લેન્ડલાઇન (ભલે બહુ ઓછા લોકો એ વાપરે છે) એકસાથે મળે તો કોઈ શાને કેબલ ટીવી રાખે?
એવું નથી કે બદલાતી પરિસ્થિતિમાં કેબલ ટીવી ઓપરેટર્સ લડત આપવા મથી રહ્યા નથી. નરી ટીવી ચેનલ્સવાળું કનેક્શન ગ્રાહકને પકડાવીને આવક રળી શકાય એ દિવસો પૂરા થયા છે એ કંપનીઓ સમજી ગઈ છે. એટલે કંપનીઓ કેબલ ટીવી સાથે બ્રોેડબેન્ડ સર્વિસીસ આપવા તરફ વળી છે. ઇન્ટરનેટ સાથે ફ્રી ટુ એર ચેનલ્સ અને ચુનંદાં ઓટીટી પ્લેટફોર્મ આપતી થઈ છે. મુશ્કેલી એ છે કે ઓટીટી પ્લેટફોર્મ્સના એમના વિકલ્પો હજી બ્રોડબેન્ડ જેટલા સારા અને વિસ્તૃત નથી. ઘણી કંપનીઓએ એમના ટિપિકલ અને હવે જૂનવાણી લાગતાં સેટ-ટોપ બોક્સના સ્થાને એન્ડ્રોઇડથી ચાલતાં હાઇબ્રિડ સેટ-ટોપ બોક્સ આપવા માંડયાં છે. આ બધું જોકે બ્રોડબેન્ડના વધતા વ્યાપ સામે ટકી રહેવામાં કેટલું કામ આવશે એ સમય બતાવશે.
આ ખેંચતાણમાં આખા દેશમાં ક્યાંય જો કેબલ ટીવી (સાથે પ્રાદેશિક ચેનલ્સ)ના મામલે સ્થિતિ ફાઇનલી થાળે પડતી લાગી રહી હોય તો દક્ષિણ ભારતમાં. ત્યાં કેબલ ટીવી કનેક્શન્સ ઘટવાની માત્રા હવે થંભી અથવા સહ્ય પ્રમાણે પહોંચી છે. કારણ ત્યાં માતૃભાષામાં મનોરંજન માણનારાની સંખ્યા વધુ છે. એમને કેબલ ટીવી કે ડીડી ફ્રી ડિશથી મળતી પોતાની ભાષાની ચેનલ્સ બાંધી રાખે છે. અન્યત્ર સ્થિતિ બહુ આશાવાદી નથી. મહાનગરોમાં તો બિલકુલ નથી. બ્રોડબેન્ડ, શક્ય છે કે, કેબલ ટીવીને સખત હાંસિયામાં ધકેલી દેશે. આજે નહીં તો આવતીકાલે.









