Magazines

TV TALK .

By GS TEAM
5 Feb 20264 mins read
TV TALK                                                            .

શરદ કેળકર : પાણીમાં પડીને જ તરતાં શીખાય 

શરદ કેળકર  બહુ  સરળતાથી ટીવીથઈ લઈને  ઓટીટી  અને  ફિલ્મોમાં  કામ કરી શકે છે. તેને માટે  એક માધ્યમમાંથી સરીને બીજા માધ્યમમાં   જવું ડાબા હાથનો ખેલ છે. અભિનેતાએ  આઠ વર્ષના   અંતરાલ પછી ગયા વર્ષે  'તુમ સે તુમ તક' ધારાવાહિક  હાથ ધરી.  દર્શકોને  આ સીરિયલમાં  તેની ભૂમિકા પસંદ પડી રહી છે.  દરમિયાન  તાજેતરમાં તેની સીરિઝ 'તસ્કરી : ધગ્મગલર્સ વેબ' રજૂ થઈ.  શરદ  કહે છે કે જે માધ્યમમાં  સારું કામ કરવાની તક મળે તે હું ઝડપી લઉં છું.   મને કોઈ  એક  ચોકઠામાં  બંધાઈને  કામ નથી કરવું. હું નાનપણથી સાંભળતો  આવ્યો છું કે પરિવર્તન  પ્રકૃતિનો નિયમ છે.  અને તમારે  સમયના પ્રવાહ સાથે  વહેતા રહેવાનું છે.  હું આ વાતને  બરાબર  અનુસરું છું.  હું સમય સાથે ચાલીને આગળ વધતો રહું છું.  હું સમય સાથે  ચાલીને  આગળ વધતો રહું છું. જો કે શરદને  સોશ્યલ મીડિયાના ફોલોઅર્સની સંખ્યા જોઈને જે  કલાકારને સીરિયલોમાં  લેવાનો ટ્રેન્ડ  પસંદ નથી.  તે કહે છે કે આવા ચલણને  કારણે ખરી  અભિનય ક્ષમતા ધરાવતા  કલાકારો કામથી વંચિત રહી જાય છે.  આમ છતાં એક વાત ચોક્કસ છે કે જેમનામાં કૌવત  હોય છે તેમને વહેલું-મોડું  પણ કામ મળી રહે છે.  અને દર્શકો  તેમને  પોતાના દિલમાં સ્થાન આપે છે.  તે વધુમાં કહે છે કે  મોડે મોડેથી   પણ સર્જકોને  સમજાઈ રહ્યું  છે કે  સોશ્યલ મીડિયાના ફોલોઅર્સની સંખ્યા કોઈપણ  કલાકારની ટેલેન્ટનું માપદંડ ન હોઈ શકે.  તે આ બાબતે પોતાનું જ ઉદાહરણ આપતાં કહે છે કે  મેં  ૨૦ વર્ષ પૂર્વે  અભિનય  ક્ષેત્રે ડગ માંડયા  ત્યારે મને એક્ટિંગનો 'એ' પણ નહોતો આવડતો. પરંતુ હું  માનતો હતો કે  જ્યાં સુધી  તમે પાણીમાં ન કૂદો ત્યાં સુધી  તમને તરતાં ન આવડે, અને હું અભિનય ક્ષેત્રે કૂદી પડયો. અલબત્ત, મને હંમેશાં  સારા સારા લોકો સાથે  કામ કરવાની તક મળી.  વળી મારી પત્ની મારા કરતાં પણ વધું સારી કલાકાર છે.  મને તેની પાસેથી પણ ઘણું શીખવા મળે છે.

ઈકબાલ ખાન : ટેલેન્ટને  સોશિયલ મીડિયાની માન્યતા શાને ખપે?

આજની  તારીખમા સોશ્યલ  મીડિયા  સેલિબ્રિટીઓથી લઈને સામાન્ય માનવી માટે પણ માન-સન્માન  અને અપમાનનું  સુધ્ધાં મહત્ત્વનું  સાધન બની ગયું છે. ટીવી   સીરીયલોમાં  તો કાસ્ટિંગ ડાયરેક્ટરો સોશ્યલ મીડિયાને  અતિ  મહત્ત્વ આપે છે. જ્યારે  પીઢ અભિનેતા  ઈકબાલ  ખાન આ વાત સાથે બિલકુલ  સંમત નથી.  તે કહે  છે કે મારા શિરે  સોશ્યલ મીિડિયા  પર દેખાતા રહેવાનું ભારણ  ક્યારેય નથી  રહ્યું. બલ્કે હું વર્ષ ૨૦૨૧થી  ૨૦૨૪  દરમિયાન  ઈન્સ્ટાગ્રામથી આઘો  હતો. ત્યારે  અવિરત  શૂટિંગ  કર્યું હતું.  તે વધુમાં કહે છે કે આજે લોકને સોશ્યલ મીડિયાની  માન્યતા વિના ન ચાલતું હોય એવો તાલ  સર્જાયો છે.  જે અત્યંત ચિંતાજનક  બાબત છે.  મને તો  આવી કોઈ  માન્યતાની આવશ્યક્તા  નથી જણાતી.  હું માત્ર ૩૦  વર્ષનો હતો  ત્યારથી  મારા વાળ સફેદ થવા માંડયા હતા.  પરંતુ મેં  મેં ક્યારેય મારા કેશનેકલર કરવાનો પ્રયાસ નથી કર્યો.  મારા મતે   તમારે   તમારા  કામની  લગન હોવી જોઈએ.  મેં  ૨૦ વર્ષ પહેલા મારી  કારકિર્દી શરૂ કરી ત્યારે સોશ્યલ મીડિયા  નહોતું.  આમ છતાં લોકો મારા સહિત  સઘળા કલાકારોના કામ વિશે જાણતા હતા. આજે  સોશ્યલ મીડિયા  છે  તોય  ૧૦-૨૦  કરોડના પ્રોજેક્ટ માટે જે તે કલાકારની ટેલેન્ટને  મહત્ત્વ  આપવામાં આવે છે,  નહીં કે તેના સોશ્યલ મીડિયાના  પ્રશંસકોની  સંખ્યાને  અને લાખો ચાહકો  ધરાવતા ઈનફ્લુઅસર્સ   સારા કલાકારો હોય તેની ખાતરી શી રીતે કરવી? અત્રે  ઉલ્લેખનીય છે કે ઈકબાલ  ખાન લગભગ બે વર્ષના અંતરાલ પછી 'હુઈ  ગુમ યાદેં -એક ડોક્ટર, દો ઝિંદગીયા' દ્વારા ટીવી  પર પરત ફરી  રહ્યો છે.  આ શો એક તબીબની  વાસ્તવિક જિંદગી ર આધારિત છે જેના   જીવનના  આઠ વર્ષ વિસ્મૃતિમાં  સરી જાય છે.  (તમે  આ વાંચી રહ્યાં હશો ત્યારે શક્ય છે કે આ સીરિયલ  રજૂ થઈ ગઈ હોય.)  છેલ્લે ઈકબાલ 'ના ઉમ્ર કી સીમા હો' માં જોવા મળ્યો  હતો.

'ધ 50' માં સિંહ હશે 'જંગ'નો રાજા

ટચૂકડા પડદે હવે રીઆલિટી શોઝનું રાજ ચાલી રહ્યું  હોય એવો માહોલ સર્જાયો છે. એવું લાગે છે કે આગામી સમયમાં  આવનારો વધુ એક રીઆલિટી શો 'ધ ૫૦' અત્યાર સુધીના સઘળા  શોને ટક્કર મારી શકે.  ખાસ કરીને તેના પૌરાણિક  મહેલ અને આધુનિક  સુવિધાો ધરાવતાં  બંગલોના સંગમ  સમા સેટ તેમ જ નિયમો વિનાના 'ઘર' ને  કારણે.   કહેવાનો અર્થ એ છે કે આ રીઆલિટી શોમાં ભાગ લેનારા સેલિબ્રિટી સ્પર્ધકો પર કોઈ નિયમો લાગુ નહીં પડે.  સમગ્ર ઘરમાં   ઠેકઠેકાણે લાગેલા કેમેરા સ્પર્ધકો  પર જ નજર નહીં રાખે,  બલ્કે ઘરના  અન્ય ભાગમાં  રહેલા સહસ્પર્ધકો  પર અન્ય હરીફો પણ  નજર રાખી શકશે.  મઝાની વાત એ છે કે  આ શોમાં  'ધ લાયન' નામનું  એક કિરદાર   હશે અને ઘરમાં  માત્ર તેનું  જ રાજ ચાલશે.  તાજેતરમાં  રજૂ થયેલા  આ શોના પ્રોમોમાં  બતાવવામાં આવ્યું  હતું  કે આ મહેલ જેવું  ઘર પાવર, મિસ્ટ્રી  અને માઈન્ડ  ગેમ્સનો ગઢ છે. અહીં લાયન  સ્પર્ધકો   પર  બાજનગર રાખશે. મહેલની વચ્ચોવચ  જંગના મેદાન  સમા વિસ્તારમાં  સતત કોલાહલ   અને નખરાં- નાટક ચાલ્યા કરશે.  અલબત્ત,  કઈ કઈ ગેમ્સ ચાલશે તેનો નિર્ણય  લાયન કરશે.  અહીં માત્ર  તે જ દિમાગ અને મક્કમ  મનોબળ ધરાવતાં  સ્પર્ધકો જ ટકી શકશે.  કાચાપોચા હરીફો તો ક્યાંય  ફેંકાઈ જશે.